<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

વેરાવળમાં ૨.૧૦ કરોડની જમીન ઉપરના દબાણ દુર

કલેકટર દિગ્‍વિજયસિંહ જાડેજાની આગેવાનીમાં ટીમનો સપાટો : ૪૫૦૦ ચો.મી. સરકારી જમીન ખુલ્લી કરાઇ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા. ૧૪ : જિલ્લા કલેક્‍ટર દિગ્‍વિજયસિંહ જાડેજાએ આજે વેરાવળ શહેરના આઈસા સિદીકા રોડ પર બનતા ફલાયઓવર બ્રિજના કામમાં નડતરરૂપ તેમજ સરકારી પ્‍લોટ પરના દબાણો દૂર કરીને અંદાજિત રૂ. ૨.૧૦ કરોડની આશરે ૪,૫૦૦ ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરીને સપાટો બોલાવ્‍યો હતો.

સરકારી પ્‍લોટ પર આવેલ અંદાજિત રૂ. ૧.૫ કરોડની આશરે ૩,૫૦૦ ચોરસ મીટર સરકારી જમીન પરના દબાણો અને અંદાજિત ૧,૦૦૦ ચોરસ મીટર સરકારી જમીન પર બાંધેલી છ દુકાનો જેની અંદાજિત બજાર કિંમત રૂ .૧ કરોડ થાય છે. તેવા દબાણો દૂર કરીને કુલ અંદાજે ૪,૫૦૦ ચોરસ મીટર જમીનને ખુલ્લી કરીને આશરે રૂ ૨.૧૦ કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

તંત્ર દ્વારા વેરાવળ શહેરના રેલ્‍વે ફાટક પર ફલાયઓવર બ્રિજની કામગીરી અને સર્વિસ બનાવવામાં નડતરરૂપ દબાણો દૂર માટે આ અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી. પરંતુ આ દબાણો દૂર કરવામાં આવ્‍યા ન હતા. તેથી આજે સરકારી મશીનરી સાથે આઈસા સિદીકા રોડ પર આવેલ આ નળતરરૂપ અને સરકારી જમીન પર આવેલા દબાણ દૂર કરવામાં આવ્‍યા હતા.

આઈસા સિદીકા રોડ આસપાસની સોસાયટીના  લોકોને ટ્રાફિક સમસ્‍યાનો ભોગ બનવું પડે નહીં, ચોમાસા પાણી ભરાવાની સમસ્‍યા ઉદભવે નહીં તેમજ વેરાવળના શહેરી વિસ્‍તાર લોકોને ચોમાસામાં કોઈ મુશ્‍કેલીઓ પડે નહીં તે માટે આ આકરી કામગીરી કરવામાં આવી હતી.

દબાણ દૂર કરવાની કામગીરી દરમ્‍યાન અધિક નિવાસી કલેકટર રાજેશ આલ,નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેગાર, પ્રાંત અધિકારી વિનોદભાઈ જોષી,આર એન્‍ડ બીના કાર્યપાલક ઈજનેર સુનિલભાઈ મકવાણા,વેરાવળ શહેર મામલતદાર જેઠાભાઈ શામળા, વેરાવળ-પાટણ સંયુક્‍ત નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતનભાઇ ડૂડીયા સહિતના સંબંધિત વિભાગના કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં.

(12:24 PM IST)