<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

જૂનાગઢ ડીડીઓની ચેમ્‍બરમાં ૩ શખ્‍સોએ ધમાલ કરી મોબાઈલમાં રેકોડિર્ગ કર્યુ

સરકારી કામમાં ગેરરીતિની રજૂઆત કરવા આવેલી ત્રિપુટીએ ફરજમાં રૂકાવટ પણ કર્યાની પોલીસમાં ફરિયાદ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧૪: જૂનાગઢ ડીડીઓની ચેમ્‍બરમાં ગેરરીતિના મુદ્દે રજૂઆત કરવા ગયેલા ૩ શખ્‍સે ધમાલ કરી, ચેમ્‍બરમાં મોબાઈલથી વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં લાઈવ થઈ ફરજમાં રૂકાવટ કરી હોવાની પોલીસમાં ફરિયાદ થઈ છે. આ અંગે જુનાગઢ જિલ્લા પંચાયતોમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીની ફરજ બજાવતા મીરાબેન જીતેન્‍દ્રભાઈ સોમપુરાએ સી ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે, તેઓને ગુરૂવાર બપોરે ૧૨:૩૦ વાગ્‍યાના અરસામાં ડીડીઓએ પોતાની ચેમ્‍બરમાં બોલાવતા ત્‍યાં ગયા ત્‍યારે ૩ એક થી બેસેલ હતી અને વિડીયો સાથે ઓફિસને કામગીરી બાબતે મીરાબેન ચર્ચા કરતા હતા. આ દરમિયાન આ ત્રણેય વ્‍યક્‍તિએ ઉગ્ર થઈને જિલ્લા વિકાસ અધિકારી સાથે બોલાચાલી શરૂ કરી હતી. અને પોતાના મોબાઈલ ફોનમાં રેર્કોડિંગ શરૂ કરતા ડીડીઓએ તેઓને બહાર બેસવાનું જણાવી અને અમારે ઓફિસને લગત કામ હોય અમો તમને થોડીવારમાં બોલાવીએ છીએ તેમ કહેતા આ આ લોકો ફરીથી ઉગ્ર થઈ અને ઊંચા અવાજે બોલવા લાગ્‍યા હતા અને બાદમાં પોતાના મોબાઈલ ફોનમાં રેર્કોડિંગ ચાલુ રાખી ચેમ્‍બર બહાર જતા રહ્યા હતા.

આ ૩ શખ્‍સ પૈકી કેશોદ તાલુકાના મોટી ધંસારી ગામના મુકેશ મકવાણાએ પોતાના ગામમાં સરકારી કામમાં ભ્રષ્ટાચાર થયેલ રજૂઆત કરવા ખુંભડી ગામના સતીશ પારઘી અને મોટી કંસારીના રાહુલ માકડીયા સાથે આવી ત્રણેયે ડીડીઓ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરી ઉગ્ર બોલાચાલી કરવાની સાથે ફરજમાં રૂકાવટ કરી હતી.

તેમજ મુકેશ મકવાણા તેના મોબાઈલ ફોનમાં વિડિયો રેર્કોડિંગ કરી સોશિયલ મીડિયામાં લાઈવ કર્યાની ફરિયાદ ડેપ્‍યુટી ડીડીઓ મીરાબેન સોમપુરાએ કરતા પોલીસે આ શખ્‍સો સામે ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. વધુ તપાસ પીએસઆઇ એચ. બી. ચૌહાણ ચલાવી રહ્યા છે

(12:39 PM IST)