<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

જૂનાગઢમાં ગુજરાત રાજ્‍ય સંગીત નાટક અકાદમી અને સાજન ટ્રસ્‍ટ દ્વારા યોજાયો ભકિતસંગીત કાર્યક્રમ-આદિ કવિ નરસૈયા રચિત પદ-ભજન-પ્રભાતિયાનું થયુ ગાન

જૂનાગઢ,તા. ૧૪: ગુજરાત રાજયᅠ સંગીત નાટક અકાદમીનાં આર્થિક સહયોગથી સાજન ટ્રસ્‍ટ રાજકોટ દ્વારા જૂનાગઢ શહેરની લોઢીયાવાડી ખાતે અખિલ બ્રહ્માંડમાં એક શ્રી તુ હરી શિર્ષક તળે આદિ કવી નરસિંહ મહેતાનાં પદો, ભજનો, પ્રભાતિયાનો સાહિત્‍યીક વિશિષ્ટ કાર્યક્રમ ચાપરડા શૈક્ષણિક ધામનાં સંતશ્રી મુક્‍તાનંદ બાપુનાં અધ્‍યક્ષ સ્‍થાને યોજાયો હતો. આ પ્રસંગે મુક્‍તાનંદ બાપુએ અધ્‍યક્ષીય ઉદબોધનમાં જણાવ્‍યુ હતુ કે ભક્‍તકવિ નરસિંહ મહેતા બહુપ્રતિભાશાળી વ્‍યક્‍તિત્‍વ ધરાવતા, એના અનેક પાસાઓ આપણે જોઇ શકીએ છીએ.

કાર્યક્રમનાં ઉદઘાટક ભક્‍તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કુલપતિ પ્રો. (ડો) ચેતન ત્રિવેદીએ સહિત્‍યરસીક શ્રોતાઓને સંબોધતા જણાવ્‍યુ હતુ કેᅠ જે શહેરની અંદર સંસ્‍કૃતિ, કલા, સાહિત્‍ય, સંગીતને પ્રાધાન્‍ય આપવામાં આવે તે શહેરમા વાદવિવાદ ઓછા થાય છે, ત્‍યાં લોકોના સમજણ અને બુદ્ધિ વધતી હોય છે, હકારાત્‍મક અને સકારાત્‍મક વિચારોનું સિંચન થતું હોય છે, ભક્‍ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા નિયમિતપણે આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. અમારી નેમ છે કે આવનારા દિવસોમાં કલાક્ષેત્રે કામ કરતા કલામર્મીઓને ભક્‍ત કવિ નરસિંહ મહેતા જીવનકવન એમ્‍બેસેડર તરીકે ઓળખવાની વાત કરવામાં આવશે, નિરંજનભાઈ રાજયગુરુને ભજનની દુનિયામાં ખેડેલ પ્રદાનને યાદ કરીને ડો. ચેતન ત્રિવેદી એ જણાવ્‍યું હતું કે ભક્‍ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી યુ.જી.સી.ના નવા નિયમોને ધ્‍યાને રાખીને નિરંજનભાઇ રાજયગુરુને પ્રોફેસર ઓફ પ્રેક્‍ટિસ બનાવવાની નેમ છે, ભક્‍ત કવિ નરસિંહ મહેતાએ આજથી ૬૦૦ વર્ષ પહેલાં સામાજિક સમરસતાની જયોત જલાવી હતી, જે આજે પણ ભવનાથ તળેટીએ જતા જાણે નરસિંહ મહેતાની કરતાલ પ્રતીતિ કરાવી જતી હોય એવું ભાસે છે. ભક્‍ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કાર્યક્ષેત્રિય વિસ્‍તારમાં અભ્‍યાસોત્‍સુક વિદ્યાર્થીઓની નરસિંહ મહેતા યુનિવર્સિટી પરત્‍વે રસની વાત કરતા ડો.ત્રિવેદીએ જણાવ્‍યું હતું કે તાજેતરમાં ધોરણ ૧૨ ની લેવાયેલી પરીક્ષામાં શ્રેષ્ઠતમ ગુણ હાંસલ કરનાર એક વિદ્યાર્થીએ જીકાસ પોર્ટલ પર નરસિંહ મહેતા યુનિવર્સિટીમા અભ્‍યાસ કરવાની ઉત્‍સુકતા દાખવી છે,આ વાતની પ્રતીતિ એ કરાવી જાય છે કે નરસિંહ મહેતા યુનિવર્સિટી ગુજરાતની શ્રેષ્ઠ યુનિવર્સિટી પૈકીની એક યુનિવર્સિટી હોવાનું વિદ્યાર્થીઓના માનસ પર પ્રતિબિંબિત થયું છે. આવનારા દિવસમાં યુનિવર્સિટી શ્રેષ્ઠતમ અભ્‍યાસક્રમો સાથે ગુજરાતની આદર્શ અને ઉચ્‍ચ ગુણવત્તા યુક્‍ત શિરમોર યુનિવર્સિટી બની રહેશે.

 આ પ્રસંગે ધારાસભ્‍યશ્ર સંજયભાઇ કોરડીયાએ જણાવ્‍યુ હતુ કે ગુજરાતી સાહિત્‍યનાં ‘આદિકવિ'તરીકે ખ્‍યાત નરસિંહ મહેતા રસકવિ. ભક્‍તકવિ, જ્ઞાનમાર્ગીકવિ અને શૃંગારરસની સાથોસાથ સિધ્‍ધરસનો કવિ છે. મહેતાજીની ભક્‍તિની ગુજરાતી કાવ્‍યગંગાની ગંગોત્રી છે'. હાર, હૂંડી, મામેરુ, પિતાનું શ્રાધ્‍ધ અને શામળશાનો વિવાહ એ એમની આત્‍મલક્ષી રચનાઓ છે, ‘આત્‍મવૃત્તનાં પદો', ‘કૃષ્‍ણ-બાળલીલાનાં પદો', ‘રાસ-લીલાનાં પદો', ‘ગોપી-ભક્‍તિનાં પદો', ‘ભક્‍તિબોધનાં પદો'અને ‘તત્‍વદર્શનનાં પદો'આજેય લોકહ્રદયમાં એટલાજ ગવાય છે.

કાર્યક્રમનાં પ્રારંભે. સાજન ટ્રસ્‍ટનાં ચેતનભાઇ ટાંકે કાર્યક્રમમાં પધારેલ સાહિત્‍યમર્મી શ્રોતાજનો અને અતિથીઓને આવકારી જણાવ્‍યુ હતુ કે ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ',શિર્ષક તળે શ્રી ભક્‍તકવિ નરસિંહનાં પદો, ભજનો, પ્રભાતિયાનો સાહિત્‍યીક વિશિષ્ટ કાર્યક્રમ જૂનાગઢની સુજ્ઞ જનતા માટે સંભારણું બની રહેશે. ગણવંત ચુડાસમાં સંકલીત નરસિંહનાં પ્રભાતિયા ભજન અને પદોનું સાહિત્‍યીક શૃંગાર કાર્યક્રમની ગરીમા વધારશે. આ કાર્યક્રમમાં સંદિપ પ્રજાપતિ, ઉર્વશી પંડ્‍યા, અને અનિલ પટેલનાં સ્‍વરોમાં ગવાયેલᅠ પદોᅠ ‘જાગને જાદવા કૃષ્‍ણ ગોવાળિયા', ‘જળ કમળ છાંડી જાને બાળા', ‘જાગીને જોવું તો જગત દીસે નહી', ‘રાત રહે જાહરે', ‘પઢો રે પોપટ રાજા રામનાં', ‘સુખ દુઃખ મનમાં ન આણીએ', ‘ભૂતળ ભક્‍તિ પદારથ મોટું', ‘નારાયણનું નામᅠ જ લેતા', 'નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું શબ્‍દ બોલે', ‘નાનું સરખું ગોકળિયું મારું વ્‍હાલે વૈકુંઠ કીધું રે*'પદોને ઓર્ગનનાં માણીગર મનિષ જોષી, બેન્‍જોવાદક વિક્રમ સોલંકી, અકટોપેડ પ્‍લેયર કલ્‍પેશ કાચા,ઢોલકનાં બાદશાહ જીજ્ઞેશ ગૌસ્‍વામી, અને તબલાનાં નાદને વહેવડાવનાર મિલન પંડ્‍યાએ સંગીતનો સુર પુરાવ્‍યો હતો. કાર્યક્રમનું સંચાલન ધારા બુધ્‍ધે સંભાળ્‍યુ હતુ. સમગ્ર કાર્યક્રમનું સંકલન સપ્તક સંગીત શાળાનાં સંગિત ગુરુ, સંગીતકાર વિપુલભાઇ ત્રિવેદીની સહાયતા સાથે સંપન્ન થયો અંત આભાર દર્શન ચેતન ટાંક દ્વાર થયું, આ કાર્યક્રમમાં જૂનાગઢનાં પ્રબુધ્‍ધ નગરજનો અને સાહિત્‍ય સંગીત પ્રેમી શ્રોતાજનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:46 PM IST)