News of Friday, 14th June 2024
પોરબંદરમાં સ્કુલ વાહનોના નિયમ ભંગમાં આર.ટી.ઓ. અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી
સ્કુલ વાહનોમાં ક્ષમતા મુજબ બાળકોને બેસાડવા અને પ્રાથમિક સારવારની પેટી તથા અગ્નિશામક સાધનો રાખવા સુચનાઃ આર.ટી.ઓ. કચેરીએ સ્કુલના સંચાલકો અને અધિકારીઓની મીટીંગ મળી

પોરબંદર તા.૧૪: દેગામ ગામે એ.આર.ટી.ઓ. કચેરી ખાતે સ્કુલના સંચાલકો તથા શાળાના અધિકારીઓ સાથે મીટીંગ યોજાઈ હતી જેમાં વાહનોની ક્ષમતા પ્રમાણે જ બાળકોને બેસાડવા, દરેક વાહનમાં પ્રાથમિક સારવારની પેટી તથા જરૂરી અગ્નિશામક સાધનો રાખવા સુચના અપાઇ હતી. આર.ટી.ઓ તથા પોલીસ દ્વારા સ્કુલ વાહનોના સંયુક્ત ચેકીગમાં નિયમ ભંગ થતો હશે તો કડક કાર્યવાહી કરાશે તેમ મીટીંગમાં જણાવ્યું છે.
દેગામ ગામે આવેલી એ.આર.ટી.ઓ. કચેરી ખાતે સ્કુલના સંચાલકો તથા શાળાના અધિકારીઓ સાથે મીટીંગ યોજાઈ હતી. એ.આર.ટી.ઓ પોરબંદર, જિલ્લા ટ્રાફિક પોલીસ તથા જિલ્લા શિક્ષણાધિકારી પોરબંદરના સંયુક્ત ઉપક્રમે સ્કુલના સંચાલકો તથા શાળાના અધિકારીઓ સાથે એ.આર.ટી.ઓ.ની કચેરી (દેગામ) ખાતે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગમાં શાળાથી બાળકોને લાવવા લઈ જવા વપરાતી સ્કુલ-બસ, સ્કુલ વાન તથા સ્કુલ રીક્ષામાં થતાં પરિવહનમાં માર્ગ સલામતી અંગે જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. અને ગુજરાત સરકારના ૨૦૧૯ ના સ્કુલ સેફ્ટી અંગેના પરિપત્રનું ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવ્યું હતું.
દરેક વાહનચાલકોને પોતાના વાહનમાં સ્કુલ પરમીટ ન હોય તો વેકેશન ખુલ્લે તે પહેલાં સંપુર્ણ કાર્યવાહી પુર્ણ કરી લેવી અને પોતાના વાહનોની ક્ષમતા પ્રમાણે જ બાળકોને બેસાડવા, દરેક વાહનમાં પ્રાથમિક સારવારની પેટી તથા જરૂરી અગ્નિશામક સાધનો બિનચુક ફરજીયાત રાખવા તેમજ ખાનગી પાસિંગ ધરાવતા વાહનમાં બાળકોનું પરિવહન કરવું નહી વગેરે ટ્રાફિકા નિયમોનુંપાલન કરવા ઉપસ્થિત અધિકારીઓ દ્વારા સુચના આપવામાં આવી હતી. ત્યારબાદ વેકેશન પુરૂ થતા સ્કુલ ખુલ્યા બાદ આર.ટી.ઓ તથા પોલીસ દ્વારા સ્કુલ વાહનોનું સંયુક્ત ચેકીગ કરવામાં આવશે. ત્યારે કોઈ વાહનમાં નિયમ ભંગ થતો હશે તો નિયમાનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે. જેની ઉપસ્થિત તમામ સંચાલકોને તથા વાહનચાલકોને જાણ કરવામાં આવી હતી.
આ મીટીંગમાં પોરબંદરનાં એ.આર.ટી.ઓ. અધિકારી કે.જી.જાડેજા તથા આર.ટી.ઓ.અધિકારી એન.જી.લકુમ.પી.જી.સોલંકી, જે.આર.હડીયા તેમજ જીલ્લા શિક્ષણાધિકારી/ જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી વિનોદ પરમાર, તાલુકા પ્રા.શિક્ષણાધિકારી વેજાભાઈ કોડીયાતર તથા ટ્રાફિકશાખા પોરબંદરના પોલીસ ઇન્સ. કે.બી.ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
