સાયબર ફ્રોડથી બચવા અજાણી લીંક ઉપર કિલક ન કરવું: જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાજડીયા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૭: જૂનાગઢના રેન્જ આઇજીપી નિલેશ જાજડીયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ કે પાર્સલમાં ગેરકાયદેસર સામાન મળેલ છે જણાવી લોકો સાથે ફ્રોડ સાયબર ક્રાઇમથી બચવા અજાણી લીંક પર કિલક કરવુ નહીં.
પોલીસ મહાનિરિક્ષણ નિલેશ જાજડીયા દ્વારા હાલમાં ચાલતા ફાઇનાન્સિયલ સાયબર ક્રાઇમ બાબતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવેલ.જેમાં અલગ અલગ પ્રકારના ફ્રોડ જેવા કે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં અલગ અલગ પ્રકારની વેબસાઇટ/ એપ્લીકેશન મારફતે ઇન્વેસ્ટમેન્ટ કરાવી નફો/ પ્રોફીટ બતાવી લાલચ આપી વધારે રોકાણ કરાવી ફ્રોડ કરવામાં આવે છે. આ ઉપરાંત ડીજીટલ અરેસ્ટના ફ્રોડ પણ હાલમાં સામે આવી રહ્યા છે. જેમાં અજાણ્યા નંબર પરથી ફોન કરી પાર્સલ મળેલ છે. આ પાર્સલમાં ગેરકાયદેસર સામાન મળેલ છે. તેવું જણાવી ફ્રોડ કરવામાં આવે છે. આ ઉપરાંત ટેલીગ્રામમાં અલગ અલગ ટાસ્ક પુરા કરવાના બહાને ફ્રોડ કરવામાં આવે છે. આ પ્રકારે જોબ ફ્રોડ, લોન એપ્લીકેશન ફ્રોડ, અલગ અલગ વેબસાઇટમાં બુકિંગના નામે થતા ફ્રોડ, ફીશીંગ લીંક દ્વારા વિગેરે જેવા ફ્રોડ થાય છે.
સાયબર ક્રાઇમથી બચવા માટે અજાણી લીંક ઉપર કલીક કરવું નહીં, અજાણ્યા નંબર પરથી આવેલ ફોનમાં બેંકને લગતી માહિતી, ઓટીપી, પોતાની અંગત માહિતી શેર કરવી નહીં. અજાણી એપ્લીકેશનમાં ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવા તેમજ ઉપરોકત જણાવેલ સાયબર ક્રાઇમમાં ભોગ ન બનવા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
