<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

જોડીયાના છેવાડાના કોઠારીયા ગામમાં બાળકોના માતા-પિતાનું કાઉન્‍સેલિંગ કરીને ૧૬ બાળકોનું રસીકરણ કરાયું

 જામનગર : રાજ્‍યના તમામ નાગરિકો લાભાન્‍વિત બને, તેઓને સારામાં સારી આરોગ્‍યલક્ષી સુવિધાઓ મળી રહે અને ખર્ચની ચિંતા કર્યા વગર તેઓ સમાજમાં આગળ વધી શકે તે માટે રાજ્‍ય સરકારના માર્ગદર્શન તળે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. સમગ્ર રાજ્‍યમાં તમામ નાગરિકો માટે વિનામૂલ્‍યે રસીકરણની સુવિધા ઉપલબ્‍ધ છે. આ સુવિધાથી આજે રાજ્‍યના અનેક બાળકોએ પોલિયો, શીતળા, હિપેટાઈટિસ, ડિપ્‍થેરિયા, કમળો, રેબીઝ જેવા ગંભીર જીવલેણ રોગોને માત દીધી છે અને તેઓ સંપૂર્ણ સ્‍વસ્‍થ છે.

 જામનગરમાં મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારીશ્રી ડો.ભાયાના માર્ગદર્શન હેઠળ છેવાડાના ગામ સુધી નાગરિકોને ઘેર- ઘેર જઈને જિલ્લા આરોગ્‍ય વિભાગની ટીમ દ્વારા તેમને માર્ગદર્શન આપવામાં આવે છે. જોડીયા તાલુકાના પીઠડ -ાથિમક આરોગ્‍ય કેન્‍દ્ર હેઠળ આવેલા કોઠારીયા ગામના અંતરિયાળ ઢુંઈ વિસ્‍તારમાં અમુક લોકો રસીકરણ વિશે વિવિધ અફવાઓથી ડરીને તેમના બાળકોને રસી મુકાવવા માંગતા ના હતા. જે બાબત જિલ્લા આરોગ્‍ય વિભાગના ધ્‍યાનમાં આવતા આ વિસ્‍તારના લોકો માટે ખાસ રસીકરણ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

 રસીકરણ કેમ્‍પમાં જોડીયા તાલુકા હેલ્‍થ ઓફિસર ડો.સંજય સોમૈયા, મેડિકલ ઓફિસર પી.એચ.સી. પીઠડ  ડો.દિવ્‍યા મેડમ, ટી.એચ.વી., જોડીયા અને ટી.એમ.પી.એશ., જોડીયાએ હાજર રહીને રસીકરણની ગેરમાન્‍યતા વિશે નાગરિકોને સાચી સમજણ આપી હતી. જેના પરિણામે તેમના મનમાં રહેલી શંકાનું સમાધાન થયું હતું અને તમામ વંચિત રહેલા ૧૬ બાળકોનું સ્‍થળ પર જ રસીકરણ કરવામાં આવ્‍યું હતું.

(1:46 PM IST)