<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

પોરબંદરમાં મેઘરાજાની ધમાકેદાર એન્‍ટ્રીઃ ૨૪ કલાકમાં પોણા ૩ ઇંચઃ સવારે ઝાપટું

પ્રથમ વરસાદમાં નીચાણવાળા વિસ્‍તારો જળબંબાકારઃ ઘરમાં પાણી ઘુસ્‍યાઃ રાણાવાવમાં દોઢ ઇંચ બરડા પંથકના ફટાણા ,સોઢાણા ,અડવાણા, બગવદર, શીશલી,મંજીવાણા સહિત પોરબંદર ગ્રામ્‍યમાં દોઢથી બે ઇંચ

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર,તા. ૧૭: ચોમાસામાં મેઘરાજાએ ઘમાકેદાર એન્‍ટ્રી કરતા ૨૪ કલાકમાં પોણા ૩ ઇંચ વરસાદ નોંધાયો હતો. આજે સવારે શહેરમાં બારોબાર હળવું ઝાપટુ વરસી ગયું હતું. રાણવાવમાં ૨૪ કલાકમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. કુતિયાણામાં ગઇ કાલે બપોરે એક વાદળી વરસી ગઇ હતી.

પોરબંદર એરપોર્ટ હવામાન કચેરી મુજબ પોરબંદર વરસાદ ૬૩ મીમી (૬૮ મીમી) નોંધાયો છે. જિલ્લા કંટ્રોલ મુજબ પોરબંદર ૫૬ મીમી (૭૨ મીમી) રાણાવાવ ૩૨ મીમી (૪૧ મીમી) વરસાદ નોંધાયો છે.

શહેરમાં ગઇ કાલે મોસમના પહેલા જ વરસાદમાં ૨૪ કલાકમાં પોણા ૩ ઇંચ વરસાદ વરસી ગયો હતો. અને ત્‍યારે નગરપાલિકાના તંત્રની પોલ ખુલી ગઇ હતી.અને શહેરમાં ઠેર ઠેર રાજમાર્ગો ઉપર ગોઠણડૂબ પાણી ભરાયા છે. શહેરના મુખ્‍ય એમ.જી. રોડ ઉપર ખાદીભવન ચોક પાસે સુદામા ચોક નજીક તેમજ જુના ફુવારાથી પેરેડાઇઝ ફુવારા તરફ જતા રસ્‍તે અને જુના ફુવારાથી કમલાબાગ તરફ જતા રસ્‍તે અનેક જગ્‍યાએ વરસાદી પાણી ભરાઇ ગયા હતા.

ખીજડી પ્‍લોટથી છાયાચોકડી તરફ જતા રસ્‍તે પણ અડધોથી એક ફુટ પાણી ભરાયા હતા. જેના કારણે વાહનચાલકોને અવરજવરમાં ભારે પરેશાનીનો સામનો કરવો પડયો હતો. અને અનેક મોપેડ બંધ પડી ગયા હતા. ધક્કામારી મારીને વાહનચાલકો ચાલુ કરતા નજરે પડયા હતા.

નગરપાલિકાના તંત્રની પ્રિમોન્‍સુનની કામગીરીની પોલ ખુલ્લી પડી હતી. રાણવાવમાં દોઢ ઇંચ  જેટલો વરસાદ ૨૪ કલાકમાં વરસ્‍યો હતો. આજુબાજુમાં ગ્રામ્‍યપંથકમાં પણ ગઇ કાલે દોઢ થી બે ઇંચ વરસાદ વરસ્‍યાના વાવડ છે. બરડા પંથકના ગામડાઓ ફટાણા, સોઢાણા, અડવાણા, બગવદર, શીશલી, મજીવાણા, નટવર, ભારવાડા સઞિતના વિસ્‍તારોમાં દોઢથી બે ઇંચ વરસાદ વરસતા ખેડૂતો વાવણીના કાર્યમાં જોડાયા છે.

(2:21 PM IST)