News of Tuesday, 18th June 2024
જામકંડોરણામાં પતિના આપઘાતના બે મહિના બાદ પત્નિએ પણ જીવ દીધો
વીસ દિવસ પહેલા જ બે દિકરીને સાસરે વળાવી હતીઃ પતિના વિયોગમાં પગલુ ભર્યુઃ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૮: જામકંડોરણા રહેતાં સોનલબેન દિનેશભાઇ ચારોલા (ઉ.વ.૪૫) નામના મહિલાએ ઝેર પી લેતાં સારવાર માટે જામકંડોરણા, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ સવારે દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હજુ બે બે મહિના પહેલા જ સોનલબેનના પતિએ પણ આપઘાત કરી લીધો હતો.
જાણવા મળ્યા મુજબ જામકંડોરણામાં ઝૂપડામાં રહેતાં દેવીપૂજક સોનલબેન ચારોલાએ ઝેર પી લેતાં રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ હતાં. અહિ મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જામકંડોરણા જાણ કરી હતી. પરિવારજનોના કહેવા મુજબ સોનલબેનને સંતાનમાં બે દિકરી અને એક પુત્ર છે. બે દિકરીના લગ્ન હજુ વીસ દિવસ પહેલા જ થયા હતાં.
પતિના બે મહિના પહેલા આપઘાત બાદ સોનબલેન સતત ચિંતામાં રહેતાં હતાં. દિકરીઓના લગ્નની જવાબદારી પણ હતી. જો કે આ જવાબદારી પણ તેણીએ નિભાવી લીધી હતી. આ પછી પતિના વિયોગને કારણે ઝેર પી લીધુ હતું. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
