<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

ગુજરાત ખેતી બેન્‍કની વાર્ષિક સાધારણ સભામાં આચાર્ય દેવવ્રતજી-શંકરભાઇ ચૌધરી ઉપસ્‍થિત

બેન્‍કના ચેરમેન ડોલરભાઇ કોટેચાના અધ્‍યક્ષસ્‍થાને ખાતેદારો વિવિધ માર્ગદર્શન અપાયું : બેન્‍કની તમામ ૧૭૭ શાખાઓ સંપુર્ણ કોમ્‍પ્‍યુટરાઇઝડ

જુનાગઢઃ તસ્‍વીરમાં રાજયપાલની અધ્‍યક્ષતામાં યોજાયેલ ખેતી બેન્‍કની સામાન્‍ય સભામાં ઉપસ્‍થિત હોદેદારો, ખાતેદારો નજરે પડે છે. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૧૧ : ધી ગુજરાત સ્‍ટેટ કો.ઓપરેટીવ એગ્રીકલ્‍ચર એન્‍ડ રૂરલ ડેવલપમેન્‍ટ બેંક લી. (ખેતી બેંક) ની ૭ર મી વાર્ષિક સાધારણ સભા પંડીત દિન દયાલ ઉપાધ્‍યાય ઓડીટોરીયમ ખાતે  બેંકના ચેરમેન ડોલરભાઇ કોટેચાના અધ્‍યક્ષસ્‍થાને મળી હતી. જેમાં ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષ શંકરભાઇ ચૌધરી ગુજરાત પ્રદેશ સહકારીતા સેલના અધ્‍યક્ષ બિપીનભાઇ પટેલ (ગોતા), ગુજરાત રાજય સહકારી સંઘના ચેરમેન ઘનશ્‍યામભાઇ અમીન, જીસીએમએમએફના ચેરમેન શામળભાઇ પટેલ, ગુજરાત હાઉસીંગ ફાઇનાન્‍સ કોર્પોરેશનના ચેરમેન દેવરાજભાઇ ચીખલીયા, સ્‍ટેન્‍ડીંગ કમીટીના ચેરમેન દેવાંગભાઇ દોશી તથા સહકારી ક્ષેત્રના અગ્રણીઓ તેમજ તમામ તાલુકાઓમાંથી ખેડુત પ્રતિનિધિશ્રીઓ ઉપસ્‍થિત રહયા હતા.

બેંકની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્‍થિત ખેડુત પ્રતિનિધિઓને પ્રાકૃતિક ખેતી અંગેનું માર્ગદર્શન આપવા ગુજરાત રાજયના રાજયપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્‍થિત રહેલ. જેમાં રાજયપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિ અંગે પરિસંવાદ કરી રાજયની શાખાઓમાં પધારેલા ખેડુત ભાઇ-બહેનોને જૈવીક ખેતી અને રસાયણીક જંતુનાશક દવાથી થનાર નુકશાન અને પ્રાકૃતિક ખેતીથી થનાર ફાયદા વિશે માહીતી આપેલ. તેઓ દ્વારા લીખીત પ્રાકૃતિક કૃષિ વિશેનું પુસ્‍તક સભામાં ઉપસ્‍થિત સર્વે પ્રતિનિધિઓને બેંક દ્વારા આપવામાં આવેલ હતું.

બેંક દ્વારા રાજયના ખેડુતોને કૃષિલક્ષી માર્ગદર્શન મળી રહે તેમજ કેન્‍દ્ર સરકાર અને રાજય સરકારની વિવિધ યોજનાઓના લાભો તમામ ખેડુતોને ઘેર બેઠા મળે તેવા આશયથી કૃષિ વિચાર માસીક મેગેઝીન પ્રસિધ્‍ધ કરવામાં આવે છે.

ગુજરાત રાજયના પ્રાકૃતિક કૃષિથી પાક ઉત્‍પન્ન કરનાર પ્રગતીશીલ ૧૧ ખેડુતોનું પણ રાજયપાલના હસ્‍તે અભિવાદન કરવામાં આવેલ અને તેઓનું સન્‍માન કરવામાં આવેલ હતું.

બેંકના સભાસદો અને થાપણદારોને ઘેર બેઠા બેંકની સેવાઓની સુવિધા મળી શકે તે માટે બેંકે ડીજીટલ કામગીરીને વેગ આપવા ટેબ્‍લેટ બેકીંગ મારફત ડોર સ્‍ટેપ સર્વિસનું લોન્‍ચીંગ આજની સામાન્‍ય સભામાં રાજયપાલશ્રીના હસ્‍તે કરવામાં આવેલ હતું.

બેંકના ખાતેદારશ્રીઓને સરળતાથી બેંક સાથે જોડવા માટે કોલ સેન્‍ટરની સુવિધા ચાલુ કરવામાં આવેલ છે. આ સુવિધા શરૂ કરવાથી ખેડુત ખાતેદારશ્રીઓ શાખા/કચેરીમાં એફ.ડી.ના વ્‍યાજ દર જાણી શકશે. લોનના હેતુઓ તથા વ્‍યાજ દરની માહીતી લઇ શકશે. લોન ભરવા માટેના હપ્તાની માહીતી મેળવી શકશે તથા લોન લેવામાં કોઇ પણ પ્રકારની તકલીફ પડતી હોય તો બેંકની હેડ ઓફીસે મોબાઇલ દ્વારા સંપર્ક કરી શકે છે.

બેંકના ચેરમેનશ્રી ડોલરભાઇએ બેંકની વર્ષ ર૦ર૩-ર૪ના નાણાકીય વર્ષની કામગીરીનો ચિતાર રજુ કરેલ અને જણાવેલ કે બેંકે કુલ રૂા. ૬૪ કરોડનો ચોખ્‍ખો નફો કરી અત્‍યાર સુધીનો સૌથી વધુ નફો કરી ઐતિહાસિક કામગીરી કરેલ છે અને સતત બીજીવાર બેંકે નેટ એનપીએ ૦ ટકાની સિધ્‍ધી હાંસલ કરેલ છે. જે બેંક માટે ગૌરવ લેવા જેવી બાબત છે.

બેંકની તમામ ૧૭૭ શાખાઓ સંપુર્ણ કોમ્‍પ્‍યુટરાઇઝડ થઇ ગયેલ છે.

ખેડુતોના હિતની વાત કરતા ચેરમેનશ્રીએ જણાવેલ કે ગત વર્ષે બેંકના ૩ લોન ખાતેદારોના અકસ્‍માતે અવસાન થતા તેઓને મહામહિમ રાજયપાલશ્રીના વરદ હસ્‍તે બેંકની સભાસદ અકસ્‍માત વીમા યોજનાના ચેક અર્પણ કરવામાં આવેલ.

બેંકના ચેરમેન ડોલરભાઇએ બેંકની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્‍થિત રહેવા બદલ રાજયના મહામહિમ રાજયપાલ આદરણીય શ્રી આચાર્ય દેવવ્રતજી, વિધાનસભાના અધ્‍યક્ષ શ્રી શંકરભાઇ ચૌધરી, રાજયના સહકારી અગ્રણીઓ તથા બેંકની રાજયભરમાં આવેલ શાખાઓમાંથી પધારેલ પ્રતિનિધિશ્રીઓ, સભ્‍યશ્રીઓ અને બેંકના અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર માની કાર્યક્રમ સફળતાપુર્વક સંપન્ન થવા બદલ સૌનો આભાર વ્‍યકત કરેલ છે.

(12:13 PM IST)