News of Tuesday, 18th June 2024
જેતપુર પાસે હોટેલમાં ટેન્કરમાંથી દૂધ કાઢી ભેળસેળનું કારસ્તાન ૧પ દિ'થી ચાલતુ'તુ!
રૂરલ એલસીબીએ બે ટેન્કર, બોલેરો સહિત ર૪.૪૩ લાખના મુદામાલ સાથે છને ઝડપી લીધાઃ મુખ્ય સુત્રધાર જુનાગઢના બાલુની શોધખોળ ૧૦,૦૦૦ લીટરના ટેન્કરમાંથી પ૦૦ લીટર દૂધ કાઢી પાણી ભેળવી દેતા'તા

જેતપુર દૂધના ભેળસેળ કૌભાંડમાં ૬ ની ધરપકડ
જેતપુર પાસે હોટેલમાં રૂરલ એલસીબીએ દરોડો પાડી દૂધમાં ભેળસેળના કારસ્તાનનો પદાર્ફાશ કરી ૬ શખ્સોને ર૪.૪૩ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં. તસ્વીરમાં પકડાયેલ ૬ શખ્સો, ટેન્કર, બોલેરો સહિતનો મુદામાલ નજરે પડે છે. (તસ્વીર : કેતન ઓઝા જેતપુર)
રાજકોટ તા. ૧૮: જેતપુર પાસે હોટેલના કંમ્પાઉન્ડમાં રૂરલ એલસીબીએ દરોડો પાડી ટેન્કરમાંથી દૂધ કાઢી તેની જગ્યાએ પાણી નાંખી ભેળસેળનું કારસ્તાનનો પર્દાફાશ કરી ર૪.૪૩ લાખના મુદામાલ સાથે ૬ શખ્સોને ઝડપી લઇ મુખ્ય સુત્રધાર જુનાગઢના શખ્સની શોધખોળ હાથ ધરી છે.
ગ્રામ્ય જીલ્લાના નાયબ પોલીસ મહાનીરીક્ષક જયપાલસિંહ રાઠોડએ આપેલ સૂચના અન્વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેકટર વી. વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો. સબ ઇન્સ. શ્રી ડી. જી. બડવા તથા પો. હેડ કોન્સ. દિવ્યેશભાઇ સુવા, રાજુભાઇ સાંબડા, નિલેશભાઇ ડાંગર, હરેશભાઇ પરમારનાઓને સંયુકત બાતમી હકિકત આધારે જેતપુર જુનાગઢ નેશનલ હાઇવે ઉપર આવેલ સોરઠ હોટલના કમ્પાઉન્ડમાં પાછળના ભાગે માહી ડેરીના દુધના ટેન્કરમાંથી દુધની ચોરી કરી દુધમાં ભેળસેળ કરતા છ ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સ્થળ પર બોલાવી યોગ્ય પરીક્ષણ રી ગુન્હો દાખલ કરેલ છે.
રૂરલ એલ.સી.બી.એ દૂધમાં ભેળસેળ કરનાર આરોપીઓ (૧) હીરા ગોવિંદભાઇ કલોતરા, રહે. જુનાગઢ મધુરમ વિસ્તાર, (ર) જસા ગોવિંદભાઇ કલોતરા રહે. જુનાગઢ જોષીપુરા વિસ્તાર, (૩) અર્જુન રમેશભાઇ ભારાઇ રહે. જુનાગઢ મધુરમ વિસ્તાર (૪) બલીરામ લાલબહાદુર વિશ્વકર્મા, રહે. સીસવાન તા. પીન્ડરરા, જી. વારાણસી, (પ) રાજુ ગુલાબભાઇ યાદવ રહે. સીસવાન તા. પીન્ડરા જી. વારાણસી તથા (૬) ભીખુ ઘેલાભાઇ રામાણી રહે. પીઠડીયા ટોલ નાકા તા. જેપુરનો (૧) ટેન્ડર રજી. નં. ૧૮ એ.યુ. ૮પ૮ર કી. રૂ. ૧૦,૦૦,૦૦૦/- જેમાંથી મળી આવેલ દૂધ લીટર ૧૧,૯રપ (ર) ટેન્ર રજી. નં. જી.જે. ર૩ વી. ૧૭ર૬ કી. રૂા. ૮,૦૦,૦૦૦/- જેમાંથી મળેલ દૂધ લીટર ૧૬,૮ર૦ તથા (૩) બોલેરો પીકઅપ ગાડી રજી. નં. જી.જે. ૧૧ વી. વી. પરપપ કી. રૂ. પ,૦૦,૦૦૦/- જેમાંથી મળેલ દુધ લીટર પ૦૦ કિ. રૂ. રપ,૦૦૦/- (૪) મોબઇાલ નંગ ૭ કિ. ૧,૦૦,૦૦૦/- અને (પ) પ્લાસ્ટીકના ટાકા નંગ-૪ તથા ઇલેકટ્રીક મોટર નંગ ર તથા અન્ય સાધનો મળી કિ. રૂ. ર૪,૪૩,૦૦૦/-નો મુદામાલ કબ્જે કર્યો હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મુખ્ય આરોપી બાલુ ઉર્ફે ઘેલીયો પરબતભાઇ કોડીયાતર રે. ગાંધીગ્રામ જુનાગઢ કે જેને પકડવાનો બાકી છે તે દુધમાં ભેળસેળ કરતો હતો. હોટેલ સંચાલક ભીખુ રમાણીએ જગ્યા ભાડે આપી હતી. ૧૦,૦૦૦ લીટરના ટેન્કરમાંથી ઉકત ૬ શખ્સો રોજ પ૦૦ લીટર દૂધ કાઢી પાણી ભેળવી દેતા હોવાનું અને ઉકત સ્થળે છેલ્લા ૧પ દિ' થી આ કારસ્તાન ચાલુ થયું હતું. જો કે, મુખ્ય આરોપી બાલુ પકડાયા બાદ વધુ વિગતો બહાર આવશે.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
