તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Wednesday, 19th June 2024
પાટડી પાસે દૂધના ટેન્કરે હડફેટે લેતા બાઇકસ્વાર દાદા-પૌત્ર-સાળાના મોત
ભંડેણાથી કમાલપુર ગ્રામીણ બેંકમાં સ્કોલરશીપ ઉપાડવા જતા'તા : સાળો - બનેવીએ ત્રણ બાળકોને સાથે લીધા હતા : સાળાની પુત્રી આરતી હજુ કોમામાં : અન્ય બાળકી સારવારમાં : માલવણ હાઇવે ઉપર અકસ્માત : ટેન્કર ફંગોળાઇને ખેતરમાં પડયુ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૯ : પાટડી તાલુકાના માલવણ હાઈવે પર મોટી મજેઠી અને રાજપર વચ્ચે દૂધના ટેન્કર અને મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમા દાદા-પૌત્ર અને સાળાનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ અકસ્માતની ઘટનામાં એક બાળકીનો આબાદ બચાવ થયો હતો.જ્યારે એક બાળકી હજી કોમામાં વિરમગામ હોસ્પિટલમા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. સાળા-બનેવી પોતાના પરિવારના સંતાનો સાથે બાઈક પર બેંકમાંથી સ્કોલરશીપ ઉપાડવા માટે જઈ રહ્યા હતા ત્યારે જ અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
વિગતાનુસાર પાટડી તાલુકાના ભડેણા ગામના ૬૦ વર્ષના કેસભાઈ ગંગારામભાઈ પાંચાણી પોતાના ૮ વર્ષના પૌત્ર રોનક મેરૂભાઇ પાંચાણી અને પોતાના સાળા ઘનશ્યામભાઈ ઝાંપડીયા અને અન્ય બે દીકરીઓ આરતીબેન ઘનશ્યામભાઈ ઝાંપડીયા અને અંજનીબેન મેરૂભાઇ પાંચાણીને મોટરસાયકલ પર લઈને ભડેણાથી કમાલપુર સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં છોકરાઓના સ્કોલરશિપના નાણાં ઉપાડવા જઈ રહ્યાં હતા.ત્યારે સામે મજેઠીથી પૂરઝડપે આવતા દૂધના ટેન્કર ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા દૂધના ટેન્કર અને મોટરસાયકલ વચ્ચે ધડાકાભેર જોરદાર અકસ્માત સર્જાયો હતો.જેમા દૂધનું ટેન્કર ફંગોળાઈને ખેતરમા જતું રહ્યું હતું.જ્યારે મોટરસાયકલ પર સવાર બધાય લોકો રોડ નીચે પટકાયા હતા.
આ ગોઝારા અકસ્માતની ઘટનામાં દાદા કેસભાઈ ગંગારામભાઈ પાંચાણી ( ઉંમર વર્ષ-૬૦ )અને એમના પૌત્ર રોનક મેરૂભાઇ પાંચાણી( ઉંમર વર્ષ-૮ )ને હાથે, પગે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ લોહીલુહાણ હાલતમાં ત્યાંજ ઢળી પડતા એમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.જ્યારે ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા સાળા ઘનશ્યામભાઈ ઝાંપડીયા અને એમની દીકરી આરતીબેન ઘનશ્યામભાઈ ઝાંપડીયા અને અંજનીબેન મેરૂભાઇ પાંચાણીને પણ ગંભીર ઈજાઓ પહોંચતા એમને ગંભીર હાલતમાં ૧૦૮ એમ્બ્યુલન્સ વાનમાં તાકીદે સારવાર અર્થે વિરમગામ શાલિગ્રામ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જેમાં મળતક કેસભાઈ ગંગારામભાઈ પાંચાણીના સાળા ઘનશ્યામભાઈ ઝાંપડીયાનું પણ વિરમગામ હોસ્પિટલમા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત આરતીબેન ઘનશ્યામભાઈ ઝાંપડીયા હજી હોસ્પિટલમા કોમામાં છે. જ્યારે આ ગોઝારી ઘટનામાં એકમાત્ર અંજનીબેન મેરૂભાઇ પાંચાણીને માત્ર નાની મોટી ઈજાઓ પહોંચતા એનો આબાદ બચાવ થયો હતો.
આ ઘટનાના પગલે ભડેણા સરપંચ રાજુભાઈ સહિતના ગ્રામજનો તાકીદે ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં બજાણા પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ દૂધના ટેન્કર ચાલક વિરૂદ્ધ અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી મળતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે દૂધનો ટેન્કર ચાલક અકસ્માત સર્જીને ઘટનાસ્થળેથી નાસી છૂટયો હતો.
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
