<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

કુવાડવામાં સ્‍કૂલમાં ભોં ટાંકો સાફ કરવા ઉતરેલા પીટી ટીચર સાગરભાઇ ડાભીનું વિજકરંટથી મોત

ગોઠણ સુધી પાણી ભરેલુ હતું: યુવાન દિકરાના મૃતયુથી કુચીયાદળના પરિવારજનોમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૧૯: પરલોકનું તેડુ ક્‍યારે ક્‍યાં અને કેવી રીતે આવી જાય તેની કાળા માથાના માનવીને ખબર હોતી નથી. કુચીયાદળમાં રહેતાં અને કુવાડવાની શાળામાં પીટી ટીચર તરીકે નોકરી કરતાં યુવાનનું સ્‍કૂલના ભોં ટાંકામાં સફાઇ કરતી વખતે વિજકરંટ લાગી જતાં મોત નિપજતાં પરિવારમાં અને શાળાના સ્‍ટાફમાં છાત્રોમાં ગમગીની વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ કુચીયાદળમાં રહેતો સાગરભાઇ દિનેશભાઇ ડાભી (ઉ.વ.૨૬) નામનો યુવાન ગત તેરમી તારીખે કુવાડવા ગામે આવેલી આલ્‍ફા સ્‍કૂલમાં હતો ત્‍યારે ત્‍યાંનો ભોં ટાંકો સાફ કરવા માટે અંદર ઉતર્યો હતો. આ ટાંકામાં ગોઠણ સુધી પાણી ભરેલુ હતું. અંદર પાણીની મોટરનો વિજતાર કે બીજો કોઇ તાર હોઇ તેને અડી જતાં જોરદાર કરંટ લાગતાં તેને ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યો હતો.

સારવાર દરમિયાન તેનું મૃત્‍યુ થતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. ખાનગી હોસ્‍પિટલ મારફત જાણ થતાં કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશનના એએસઆઇ એન. આર. વાણીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર યુવાન બે ભાઇ અને એક બહેનમાં નાનો તથા અપરિણીત હતો. તે સ્‍કૂલમાં પીટી ટીચર તરીકે નોકરી કરતો હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્‍યું હતું. યુવાન દિકરાના મૃત્‍યુથી ડાભી પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

(11:51 AM IST)