<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

કચ્છ સરહદે કરોડોનું ડ્રગ્સ બિનવારસુ ઘુસાડવાના ષડયંત્ર વચ્ચે પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો

કચ્છ સરહદેથી ૧૦૦ કરોડ રૂપિયાના ડ્રગ્સના ૧૮૧ પેકેટ બિનવારસુ મળી આવ્યાની ચકચાર વચ્ચે BSF એ સિયાલકોટના પાક ઘૂસણખોર અફઝલની ઘનિષ્ઠ પૂછપરછ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૯ : કચ્છ સરહદેથી ૧૦૦ કરોડ રૂપિયાના ડ્રગ્સના ૧૮૧ પેકેટ બિનવારસુ મળી આવ્યાની ચકચાર વચ્ચે BSF એ કચ્છની રણ સીમાએ ફેન્સીંગ ક્રોસ કરી ભારતમાં ઘુસી રહેલા પાકિસ્તાનના સિયાલકોટના અફઝલ નામના પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી લીધો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન તેની પાસેથી કોઈ જોખમી કે શંકાસ્પદ વસ્તુઓ મળી નથી. સીમા સુરક્ષા દળ દ્વારા પકડી લીધા બાદ અફઝલે તેમની પાસે પાણી અને સિગારેટની માંગણી કરી હતી. જે જગાએથી અફઝલ ને દબોચી લેવામાં આવ્યો છે તે બોર્ડર પિલર નંબર 1125 ની નજીક પાકિસ્તાનનું મીઠી નામનું ગામ આવેલું છે. જો કે પ્રારંભિક પૂછપરછમાં તે સિલકોટનો વતની હોવાની કબૂલાત તેણે કરી છે.

જે જગ્યાએથી બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા પાકિસ્તાની ઘૂસણખોર અફઝલને પકડી લેવામાં આવ્યો છે ત્યાંથી પાકિસ્તાનનું અલીબંદર માત્ર 18 કિલોમીટર દૂર આવેલું છે. ત્રીસ વર્ષના આ પાકિસ્તાની ઘૂસણખોર પાસેથી હાલ કોઈ શંકાસ્પદ કે જોખમી સામગ્રી મળી નથી. છતાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેની સઘન તલાશી અને પૂછપરછ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, લગભગ છએક મહિના પછી કચ્છમાં બોર્ડર ક્રોસિંગની આ ઘટના સામે આવી છે. અગાઉ જાન્યુઆરી, 2024માં બોર્ડર પિલર નંબર 1137થી એક ઘૂસણખોર ઝડપાયો હતો. કચ્છના, ખાસ કરીને ગુજરાતના દરિયા કિનારાઓથી જે રીતે છેલ્લા કેટલાય દિવસથી ડ્રગ્સના પેકેટ પકડાઈ રહ્યા છે તેવામાં ઘૂસણખોરીની આ ઘટના સાથે તેનો કોઈ સંબંધ છે કે કે તે દિશામાં પણ BSFની ઇન્ટેલીજન્સ એજન્સી તપાસ કરી રહી છે.

(1:36 PM IST)