<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

ધ્રોલના માવાપરની સીમમાં ગેરકાયદે વિજ કનેકશનો દુર કરો

ઉંડ-૨ ડેમના કમાન્‍ડ એરીયામાં સંપાદન થયેલી ખેતીની જમીનોમાં ગેરકાયદે લાઇટ લેનારા સામે તપાસ કરવા માંગણી

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ,તા.૧૯ : ધ્રોલનાં માવાપર ગામની સીમમાં ઉંડ ર ડેમ બન્‍યો ત્‍યારે ડેમનાં કમાન્‍ડ એરીયામાં ડૂબમાં ગયેલ ખેડૂતોની જમીનોમાં હાલનાં સમયમાં પણ ડેમમાં પાણી ખાલી થવાથી ખેડૂતો પીયત કરીને પાકની ઉપજ લે છે. આ જમીનોમાં હાલનાં સમયમાં વિજ કનેકશનો આવેલા છે. આ જમીનોનું ખાતેદાર ખેડૂતોને સરકારનાં નિયમ મુજબ વળતર ચુકવવામાં આવેલ છે.

હાલનાં સમયમાં આ જગ્‍યાએ કોઇપણ ખાતેદાર ખેડૂતની જમીન નથી. જયારથી આ જમીનો ડૂબમાં ગયેલ છે ત્‍યારથી ઇલેવન કેવીના ટ્રાન્‍સફોર્મર ઉભા છે. તે સ્‍થળ પરથી દુર કરવામાં આવેલ નથી. તેમાંથી ૩૫ થી ૪૦ ઇસમો દ્વારા પીજીવીસીએલ કંપની ધ્રોલને અંધારામાં રાખી ગેરકાયદે લાઇટનાં દોરડાઓ લંબાવી કનેકશન ચલાવી રહ્યા છે. આ લાઇન પરથી ગેરકાયદે દુર દુરથી દોરડા પાણીમાં લંબાવી કનેકશન ચલાવી ખેતીમાં ઉપયોગ કરી રહ્યા છે.

આ લાઇટ કનેકશનનાં દોરડા પાણીમાં ગરકાવ થતા હોય કોઇ જગ્‍યા પર દોરડામાં લીકેજ થવાથી પાણીમાં સોર્ટ સર્કીટ થવાથી માલની હાની કે માણસોની જાનહાની થાય તેમ છે. ઉંડ ૨ ડેમ સિંચાઇ યોજનામાં પોતાની સંપાદન થયેલ જમીનોમાં  ગેરકાયદસર રીતે લાઇટનાં દોરડા પાણીમાં દુર દુર સુધી લંબાવીને લાઇટની ચોરી કરવાની સ્‍થળ પર જાત તપાસ કરી કનેકશનો તાત્‍કાલીક દુર કરવા ધ્રોલ તાલુકા જી.આર વાણીયાએ માંગ કરી છે.

 ગેરકાયદે વીજ કનેકશનો સંદર્ભે નાયબ કાર્યાપાલક ઇજનેર સિંચાઇ યોજના દ્વારા રજુઆતને આધારે ઉંડ ૨ ડેમ હેઠળની જમીનોમાં કનેકશનો કાયમી અને સત્‍વરે દુર કરવા પીજીવીસીએલ ને  પત્ર પાઠવીને જાણ કરી છે.

(1:41 PM IST)