<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

પોરબંદર દરીયાકાંઠે મેગા ડીમોલીશન : ૧ર કરોડની જમીન ખુલ્લી કરી

ર૪૦ વિઘા સરકારી જમીન ઉપર ફાર્મ હાઉસ ઉભા કરી દીધા હતાઃ સ્‍વૈચ્‍છાએ દબાણ હટાવવા ચુંટણી પહેલા નોટીસો અપાઇ હતી

(હેમેન્‍દ્રકુમાર પારેખ, પરેશ પારેખ દ્વારા)  પોરબંદર, તા., ૧૯: દરીયાઇ પટ્ટી ઉપર ઓડદરથી રંગબાઇ દરીયા કિનારા ઉપર તંત્ર દ્વારા મેગા ડીમોલીશન હાથ ધરીને ર૪૦ વિઘા સરકારી ઉપર થયેલ ફાર્મ હાઉસ તથા અન્‍ય પાકા બાંધકામો દુર કર્યા હતા.

ઓડદરથી રંગબાઇ દરીયા કાંઠા ઉપર સરકારી જમીન ઉપર ગેરકાયદે દબાણ સ્‍વેચ્‍છાએ હટાવવા ગ્રામ્‍ય મામલતદાર દ્વારા નોટીસો અપાઇ હતી. ઉપરાંત  સરકારી જમીન ઉપર પેશકદમી અંગે ૩ કેસો ચાલી ગયા હતા. આ સરકારી જમીન ઉપર પેશકદમી હટાવવા નોટીસ બાદ કેટલાકે પેશકદમી સ્‍વેચ્‍છાએ હટાવી લીધી હતી.

દરીયાઇ પટ્ટી ઉપર ગેરકાયદે દબાણ હટાવવા તંત્ર દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું હતું. આ મેગા ઓપરેશનમાં  એસડીએમ સંદીપસિંહ જાદવના માર્ગદર્શન નીચે મામલતદાર આર.કે.ચૌધરી, સર્કલ ઓફીસર અંકુર પરમાર, હિતેશ પીપરોતર સહીત અધિકારીઓ જોડાયા હતા. આ મેગા ઓપરેશનમાં ૪૦ પોલીસ સ્‍ટાફ તેમજ નવીબંદર મરીન પોલીસ જોડાઇ હતી. આ મેગા ઓપરેશનમાં પોલીસ બંદોબસ્‍ત હેઠળ જેસીબી ફેરવીને ગેરકાયદે દબાણ દુર કરીને ૧૦ થી ૧ર કરોડની સરકારી કિંમતી જમીન ખુલ્લી કરવામાં આવી છે.

પોરબંદર દરીયાઇ પટ્ટી ઉપર અન્‍ય સ્‍થળોએ હજુ ગેરકાયદે દબાણ હટાવ કામગીરી ચાલુ રહેશે તેમ જણાવ્‍યું છે. દરીયાઇ પટ્ટી ઉપર પેશકદમી હટાવ ઓપરેશન સાથે શહેરમાં જાહેર રાજમાર્ગો ઉપર થયેલા દબાણો હટાવવામાં આવે તેવી માંગણી ઉઠી છે. શહેરમાં કેટલીક જગ્‍યાએ ફુટપાથ ઉપર બાથરૂમ તથા પાર્કીગ કરી નાખવામાં આવ્‍યા છે.

(1:59 PM IST)