<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

દ્વારકાધીશના ચરણસ્પર્શ કરવાની મહિલા ઉચ્ચ અધિકારીની જીદ

(વિનુભાઇ સામાણી - દિપેશ સામાણી દ્વારા) દ્વારકા તા. ૧૯ :.. દ્વારકાધીશના દર્શનાર્થે આવેલા ગુજરાત કેડરનાં મનાતા મહિલા અધિકારી અને હાલ એડીશનલ સેક્રેટરી તરીકેના હોદા પર બિરાજમાન મહિલા અધિકારીએ ગઇકાલે તા. ૧પ જુનના રોજ સવારે ૧૧ થી ૧ર વાગ્યા વચ્ચે દ્વારકાધીશજીના દર્શન કર્યા હતાં. આ વખતે તેમના માટે દર્શનની વ્યવસ્થા માટે મંદિર પરિસરમાં આવેલ ગર્ભ સભાખંડમાં વી. આઇ. પી. બેરીકેટીંગ પણ કરવામાં આવ્યું હતું.

આ મહિલા અધિકારીએ વીવીઆઇપી તરીકેની આટલી સુંદર વ્યવસ્થા બાદ ભગવાન દ્વારકાધીશજીના નીજ મંદિરમાં દ્વારકાધીશના ચરણસ્પર્શ કરવાનો આગ્રહ રાખ્યો હતો. પરંતુ આ બાબતે આવી કોઇ પ્રણાલિકા ન હોય અને આ પ્રકારના દર્શન કરવાની મનાઇ કરવામાં આવતાં આ ઉચચ અધિકારીઓ સ્થાનીક તંત્ર સાથે ખુબ જ જીભાજોડી કરી હોવાની ભારે ચર્ચા છે. અંતે આ પ્રણાલિકાનો ભંગ ન કરવાની દરેક સબંધીતોએ સમજણ આપતાં મામલો થાળે પડયો હતો તેવી વાત બહાર આવી છે.

દ્વારકાધીશજીના મંદિરની પ્રણાલિકા મુજબ વર્ષોથી માત્ર પૂજારી પરિવાર તથા સેવા પૂજા કરતાં પુજારી પરિવારના સદસ્યોને આ પ્રકારના હકકો મળ્યા છે. તદુપરાંત ભારત દેશની ચારેય પીઠના શંકરાચાર્ય મહારાજને આ પ્રકારનો અધિકાર મળે છે. આ બનાવથી ધાર્મિક ભાવિકો અને પ્રજાજનોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. જયારે આ માગણી કરવામાં આવી તે ભાવિકો - દર્શનાર્થીઓની ખૂબ જ ભીડ હતી. આવા બનાવની શ્રધ્ધા-લાગણી અને ભાવના સાથે ગુજરાતની ગરીમાને પણ મોટી ઠેસ પહોંચી છે. ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે સૌ દ્વારકાધીશને પ્રાર્થના કરે છે.

(4:47 PM IST)