તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
બરડા અભ્યારણમાં ગીરમાંથી ૨૩ ચિત્તલનું સ્થળાંતર
બરડામાં સિંહના વસવાટ બાદ વન વિભાગ દ્વારા નિર્ણયઃ સિંહના શિકારના આધારને વધારવાની પહેલ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા. ૨૦: ગીર રક્ષિત વિસ્તારમાંથી બરડા વન્યજીવ અભ્યારણ્ય ખાતે તૃણાહારી વન્યપ્રાણીઓના સ્થળાંતર હેઠળ ૨૩ ચિત્તલને બરડામાં મુકવામાં આવ્યા છે.
નિવસનતંત્રનાં પાયામાં તૃણાહારી વન્યપ્રાણીઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ પોષક ચક્ર, જમીનની રચના, અને પર્યાવરણીય અનુક્રમ દ્વારા પરિસ્થિતિની માળખાકીય અને કાર્યાત્મકતા જાળવવા માટે આવશ્યક પર્યાવરણીય કાર્યો કરે છે. વધુમાં, તેઓ મોટા માંસાહારી પ્રાણીઓ માટે નોંધપાત્ર શિકાર તરીકે મહત્વની ભુમિકા ભજવે છે, જે શિકાર અને શિકારી બંનેની ઘનતા-આધારિત વસ્તી નિયંત્રણમાં મદદરૂપ થાય છે. નિવસતંત્રમાં શિકારી વન્યપ્રાણીઓની તંદુરસ્ત વસ્તી તૃણાહારી વન્યપ્રાણીઓની વસ્તી પર આધારિત છે.
ગુજરાતના પોરબંદર વન વિભાગ હેઠળ ૧૯૨.૩૧ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું બરડા વન્યજીવ અભયારણ્ય એશિયાઈ સિંહો માટે એક મહત્વપૂર્ણ નિવાસસ્થાન છે. બરડાની પર્યાવરણીય આબોહવાની પરિસ્થિતિઓ અને વનસ્પતિઓ ગીરના જંગલોના ઘણા ભાગો સાથે નજીકથી મળતી આવે છે, જે તેને એશિયાઇ સિંહો માટે સંભવિત ઘર બનાવે છે. ઐતિહાસિક રીતે, બરડામાં ૧૮૭૯ સુધી એશિયાઇ સિંહોની વસ્તી હતી. જાન્યુઆરી ૨૦૨૩માં, એક નર એશિયાઇ સિંહ લગભગ ૧૪૩ વર્ષ બાદ બરડા વન્યજીવ અભયારણ્યમાં કુદરતી રીતે પુનઃસ્થાપીત થયો છે.
લાંબા ગાળાનાં સંરક્ષણ અને વ્યવસ્થાપનનાં પરિપ્રેક્ષ્યમાં, મોટા માંસાહારી પ્રાણીઓના કુદરતી રીતે વિચરતા કોઈપણ ક્ષેત્રે પર્યાપ્ત શિકાર આધારની વસ્તી જાળવી રાખવી જોઈએ. ગુજરાત વન વિભાગે ૨૦૨૨ માં બરડા વન્યજીવ અભયારણ્યનાં તૃણાહારી વન્યપ્રાણીઓનો અંદાજ કાઢ્યો હતો અને તૃણાહારી વન્યપ્રાણીઓની હાજરી મળી હતી. જો કે, ત્યાં ચિતલ અને સાંબરની વસ્તી ઓછી છે, જે સિંહોના આહારના મહત્વના ઘટકો છે.
તેથી, ગુજરાત વન વિભાગે ગીર રક્ષિત વિસ્તારમાંથી બરડા વન્યજીવ અભયારણ્યમાં તૃણાહારી પ્રાણીઓ જેવા કે ચિતલ અને સાંબરનું સ્થળાંતર કરીને શિકારના આધારને વધારવાની પહેલ હાથ ધરી છે.
ગુજરાત વન વિભાગ તૃણાહારી વન્યપ્રાણીઓને પકડવા માટે બોમા ટેકનિકનો ઉપયોગ કરી રહ્યું છે. સૌથી સલામત પદ્ધતિઓમાંની એક તરીકે જાણીતી, બોમા તકનીક કેપ્ચર પ્રક્રિયા દરમિયાન વન્યપ્રાણીઓને લાગતા આઘાતને નોંધપાત્ર રીતે ઘટાડે છે. દેશમાં વિવિધ જંગલી પ્રાણીઓને સ્થાનાંતરિત કરવા માટે આ તકનીક નો સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવે છે.
પકડવામાં આવેલ તૃણાહારી વન્યપ્રાણીઓને સુરક્ષિત રીતે વાહતુક કરવા માટે એક ખાસ મોડિફાઇડ વાહન બનાવવામાં આવેલ છે. વાહતુક દરમીયાન વન્યપ્રાણીઓ ઉપર નજર રાખી શકાય તે માટે આ વાહનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ છે. વધુમાં, આ વાહનનું અંદરનું તાપમાન જાળવઇ રહે તે માટે ફોગર સિસ્ટમ લગાવવામાં આવેલ છે, જે ખાતરી કરે છે કે પ્રાણીઓ સમગ્ર સફર દરમિયાન શાંત અને આરામદાયક રહે.
બરડા વન્યજીવ અભયારણ્યમાં અત્યાર સુધીમાં ૨૩ ચિતલ સફળતાપૂર્વક પકડીને મુક્ત કરવમાં આવ્યાં છે. આ પહેલ ગુજરાત રાજયમાં એશિયાઇ સિંહોનાં બીજા નિવાસ સ્થાનમાં ચિતલની વસ્તીને વેગ આપશે જે બરડા વન્યજીવ અભયારણ્યમાં એશિયાઇ સિંહો અને અન્ય મોટા શિકારી પ્રાણીઓનાં લાંબા ગાળાનાં સંરક્ષણમાં મદદ કરશે.
આ તમામ કામગીરી શ્રી નિત્યાનન્દ શ્રીવાસ્તવ, ભા.વ.સે., અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી (વન્યજીવ) અને ચીફ વાઈલ્ડલાઈફ વોર્ડન, ગુજરાત રાજય, ગાંધીનગર, શ્રીમતી આરાધના સાહુ, ભા.વ.સે., મુખ્ય વન સંરક્ષકશ્રી, વન્યપ્રાણી વર્તુળ, જુનાગઢ, ડો. મોહન રામ, ભા.વ.સે., નાયબ વન સંરક્ષકશ્રી, વન્યપ્રાણી વિભાગ, સાસણ-ગીર અને શ્રી લોકેશ ભારદ્વાજ, નાયબ વન સંરક્ષકશ્રી, પોરબંદર વન વિભાગ, પોરબંદર ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ છે. આ કામગીરીમાં પરિક્ષેત્ર વન અધિકારીશ્રીઓ, નિષણાંત પશુચિકિત્સકો, વૈજ્ઞાનિક સાહાયક, લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર, રેસ્ક્યુ અને રીહેબીલીટેશન ટીમ, તેમજ અન્ય સ્ટાફ દ્વારા બોમા લગાવવા થી લઇ વાહતુક કરવા સુધિ અનન્ય મહેનત કરેલ છે. આ પ્રયાસનો ડોક્યુમેન્ટેશન વન્યપ્રાણી વિભાગ, સાસણ-ગીરમાં વૈજ્ઞાનિક કાર્યમાં સંકળાયેલ સ્ટાફ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેમ આરાઘના સાહુ (ભા.વ.સે) મુખ્ય વન સંરક્ષક, વન્યપ્રાણી વર્તુળ, (જુનાગઢ) દ્વારા જણાવાયું છે.
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
