<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

ઉપલેટાના ગણોદ - તણસવાની તમામ ૭૦ ફેકટરીઓના પાણીના બોર સીલ કરી દેવાયા : સિવિલના ચાઇલ્‍ડ સ્‍પેશ્‍યાલીસ્‍ટ - ધોરાજી પ્રાંત તપાસ કરશે

કલેકટર પ્રભવ જોષીએ ત્રણ દિવસમાં રીપોર્ટ મંગાવ્‍યો : કુલ ૪૦ને ઝાડા - ઉલ્‍ટી : મોટાભાગના મધ્‍યપ્રદેશના : વતન જતા રહ્યા : ચાર બાળકો ૧ાા થી ૩ વર્ષના : તેજાલી - કવિતા - કાર્તિક - મનીષના કરૂણ મોત : બુધવારની ઘટના છતાં તંત્રને શનિવારે સાંજે જાણ થઇ : ઢાંક આરોગ્‍ય કેન્‍દ્ર અને ઉપલેટા ફેકટરી સેફટી કચેરીની ઘોર બેદરકારી સામે આવી : કલેકટરે હાલ ડોકટરોની ટીમો ઉતારી : પાણીના નમૂના લેવાયા : ઉપલેટા મામલતદારની કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નિયુકિત

રાજકોટ તા. ૨૪ : ઉપલેટા પંથકના ગણોદ - તણસવા રોડ પરની એક ડઝન પ્‍લાસ્‍ટીક ફેકટરીઓના ૪૦થી વધુ મજુરી કામ કરતા મહિલા - પુરૂષ અને બાળકોને ઝાડા - ઉલ્‍ટી થયા બાદ રાજકોટ - જામનગર - ઉપલેટાની હોસ્‍પિટલોમાં ખસેડાયા હતા, તેમાંથી ૪ બાળકોના કરૂણ મોત નીપજતા અને જામનગરના સરકારી હોસ્‍પિટલોના ડોકટરોએ ઝાડા - ઉલ્‍ટીનો રીપોર્ટ કરાવતા કોલેરા હોવાનું ખૂલતા ખળભળાટ મચી ગયો છે. મરનાર ૪ બાળકો ૧ાા થી ૩ વર્ષના હોવાનું બહાર આવ્‍યું છે, જેમના નામો તેજાણી શ્રવણભાઇ, કવિતા સુરેશભાઇ, કાર્તિક કેરમસિંહ અને મનીષ હોવાનું અને આ તમામનો પરિવાર મધ્‍યપ્રદેશનો હોવાનું તંત્રની તપાસમાં ખુલ્‍યું છે.

દરમિયાન રાજકોટ જીલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષી પોતે આ પંથકમાં દોડી ગયા હતા, તમામ કારખાનામાં પાણીના બોર  તથા અન્‍ય બાબતોની તપાસ કરાઇ હતી.

કલેકટરે ‘અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે, આ વિસ્‍તારમાં કોલેરાના કારણે લોકોને અસર થઇ હોવાનું બહાર આવ્‍યું છે. આ ક્ષેત્રની તમામ ફેકટરીઓના પાણીના બોર હાલ સીલ કરી દેવાયા છે, આરોગ્‍યને લગતી તમામ સેવાઓ શરૂ કરાઇ છે.

કલેકટરે ઉમેર્યુ હતું કે, આ ઘટના બની ગઇ તે સંદર્ભે રાજકોટ સિવિલ હોસ્‍પિટલના એક ચાઇલ્‍ડ સ્‍પેશ્‍યાલીસ્‍ટ ડોકટર, ધોરાજી પ્રાંત તથા અન્‍ય ૨ થી ૩ અધિકારીઓ સહિતની એક તપાસનીશ કમિટિ બનાવી ત્રણ દિ'માં રીપોર્ટ માંગ્‍યો છે.

આ રીપોર્ટ આવ્‍યા બાદ જવાબદાર કારખાનેદારો સામે કડક એકશન લેવાશે, કલેકટરે જણાવેલ કે, હાલ ધોરાજી પ્રાંત તથા ડોકટરોની ટીમ તમામ વિસ્‍તારમાં તપાસ કરી રહી છે.

કલેકટરે જણાવેલ કે, જેમને ૪૦ લોકોને અસર થઇ તેમાંથી મોટાભાગના તેમના વતન મધ્‍યપ્રદેશ તરફ જતા રહ્યા છે.

દરમિયાન ગત બુધવારે ઝાડા - ઉલ્‍ટી થયા ધડાધડ ૪૦થી વધુ કેસો બહાર આવ્‍યા તેમ છતાં ઢાંક પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર, જીલ્લા આરોગ્‍ય કેન્‍દ્ર, ધોરાજી પ્રાંત - રાજકોટ કલેકટર તંત્રને છેક શનિવારે જાણ થઇ તે અંગે ભારે ચર્ચા ઉપડી છે. આરોગ્‍ય તંત્રની ઘોર બેદરકારી બહાર આવી છે, હાલ તો કોઇ જવાબદાર અધિકારી ફોન ઉપાડતા નથી.

ઉપલેટાના મેણવદર, ચણસ્‍વા, ગણોદ ગામની પ્‍લાસ્‍ટીકની ફેકટરીમાં કોલેરા ફેલાયો. ૪ બાળકો મોતના મુખમાં હોમાઇ ગયા, છતાં ઢાંકનું આરોગ્‍ય કેન્‍દ્ર, ઉપલેટાની ફેકટરી સેફટી હેલ્‍થ એન્‍ડ કચેરીએ કશું ઉકાળ્‍યું નહિ, આ બંને તંત્રની સીધી જવાબદારી બની રહી છે, ત્રણ દિવસ સુધી ગંભીર રોગચાળો ફેલાયો છે, છતાં કોઇ પગલા લેવાયા નહિ, તપાસમાં પીવાનું સ્‍વચ્‍છ પાણી, ફેકટરીની અંદર જ મજૂરો માટે ઓરડીઓ, હાઇલેવલ ક્ષેત્રે કેમ જાણ ન કરાઇ વિગેરે મુદ્દાઓ હાલ આવરી લેવાયા છે.

આ બનાવ ત્રણ દિવસ પહેલાનો બનાવ છે. અને બધાને ગુપચુપ જામનગર દવાખાનામાં દાખલ કરાયેલા હતા. હાલ તો આ ઘટના સંભવિત કોલેરાની નજરે જોવાઈ રહી છે. અને મામલતદારની કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નિયુકિત કરાઈ છે.

ઉપલેટા પંથકમાં ગણોદ અને તાણસવા ગામ નજીક આવેલા કારખાનામાં રહેતા મજૂરના બાળકોનું મોત થયા છે નાના બાળકોને ઝાડા તેમજ ઉલટી થયા બાદ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા હતા. જયાં તેમનું મોત થયું હોવાની માહિતી સામે આવી છે. બાળકોના મોતની ઘટના ભાદ જિલ્લાની વિવિધ ટીમો ઉપલેટા ખાતે તપાસે દોડી આવી હતી. આ બનાવમાં કાર્તિક, કવિતા, સેજલી, બંસી નામના બાળકોના મોત થયાનું સામે આવ્‍યું છે. થોડા દિવસ પૂર્વે બાળકોની તબિયત બગડી હતી જે બાદ આ બાળકોને સારવાર અર્થે હોસ્‍પિટલ લઈ જવામાં આવ્‍યા હતા. આ ઘટના બાદ સ્‍થાનિકો લોકો અને કારખાનેદારે જણાવ્‍યું હતું કે પાણીની સમસ્‍યાને કારણે બાળકોની તબિયત ભગડી છે. આ કારખાનામાં મજૂરના ૭ બાળકોને ઝાડા ઉલટીની અસર થઈ હતી. બાળકોની તબિયત ખરાબ થતા તેમને હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા, જયાં સારવાર દરમિયાન તેમાંથી ૪ બાળકોનું મોત થયું હોવાની માહિતી મળી છે.

(10:58 AM IST)