<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

કાલે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાનઃ સ્‍વયંભુ જોડાવવા આહવાન

અગ્નિકાંડ પીડિતોની પ્રથમ માસિક પુણ્‍યતિથીએ શ્રધ્‍ધાંજલી અર્પી બંધ રાખવા અપીલ

પરાબજાર, લાખાજીરાજ રોડ, દાણાપીઠ, સોનીબજાર, ચુનારાવાડ સહિતના વેપારીઓનું બંધમાં જોડાવવા ખુલ્લુ સમર્થનઃ રાજકોટ કબાકડી એસોસીએશન પણ બંધમાં જોડાશેઃ પીડિતોને ન્‍યાય મળે અને સરકાર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે, જવાબદારોને જેલ ભેગા કરે એ માટે બંધ રાખવા કોંગ્રેસના આગેવાનોની અપિલ

રાજકોટ : અગ્નિકાંડ પીડિતોની પ્રથમ માસિક પુણ્‍યતિથિએ પીડિતોને ન્‍યાય મળે અને સરકાર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે અને જવાબદારોને જેલ ભેગા કરે એ માટે આવતીકાલે રપ મી જુને કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્‍યું છે. શહેરના અનેક વેપારીઓએ બંધમાં જોડાવવા કોંગ્રેસને ખુલ્લુ સમર્થન આપ્‍યું છે.

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, પૂર્વ ધારાસભ્‍ય ઇન્‍દ્રનીલ રાજગુરુ, કોંગી આગેવાનો મહેશભાઈ રાજપુત,  ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, ડોક્‍ટર હેમાંગ વસાવડા, હિતેશભાઈ વોરા, વશરામભાઈ સાગઠીયા ની સંયુક્‍ત યાદી જણાવે છે કે રાજકોટ ગેમ્‍સ ઝોનની અગ્નિકાંડ પીડિતોને ન્‍યાય મળે તે માટે તારીખ ૨૫/૬, મંગળવારે અડધો દિવસ રાજકોટ બંધનું એલાન આપેલ છે. ત્‍યારે આ બંધમાં જોડાવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે અને તમામ વેપારી એસોસિએશન જેમાં દાણાપીઠ એસોસિયેશન, લાખાજીરાજ એસોસિએશન, પરા બજાર એસોસિએશન દ્વારા સ્‍વૈચ્‍છિક રીતે વેપારીઓએ બંધમાં જોડાવા માટેની સંમતિ આપેલ છે ત્‍યારે દરેક વેપારીઓને પણ પીડિતોના આંસુ લૂછવા અને ન્‍યાય મળે અને સરકારના કુંભકર્ણ નિંદ્રામાંથી જાગે જવાબદારોને જેલ ભેગા કરે એ માટે બંધ રાખવા વિનંતી કરી છે.

રાજકોટમાં જે બનેલ અગ્નિકાંડ એ સરકારી તંત્રની બેદરકારી અને લાપરવાહી ફલિત થઈ છે તેવું ખુદ એસઆઇટીના રિપોર્ટમાં છે અને આ એસઆઇટીનો રિપોર્ટમાં ફક્‍ત અને ફક્‍ત અધિકારીઓનો જ કોલર પકડવામાં આવેલ છે જ્‍યારે જવાબદાર મોટા માથાઓ ને ક્‍લિનચીટ આપી છે અને હજી તપાસનું ગાણું ચાલુ છે એક મહિના પછી પણ તપાસ ચાલુ હોય તો આ એસઆઇટીના અધિકારીઓ કોના ઇશારે તપાસ કરે છે તે બાબત પણ તપાસનો વિષય છે ?

સરકાર દ્વારા તપાસ અંગે ત્રણ ત્રણ કમિટીઓ રચવા છતાં આજની તારીખે અગ્નિકાંડમાં શું સત્‍ય છે તે શોધવાનું હજી બાકી રહ્યું છે ? બાંધકામ કોના આદેશથી કયા પદાધિકારીએ વહીવટ કર્યો તે બહાર આવેલ નથી. પોલીસ દ્વારા લાઇસન્‍સ કઈ રીતે અપાયું તે પણ તપાસનો વિષય છે. ગેમ જૂનમાં પેટ્રોલ ડીઝલનો જથ્‍થા અંગે પણ તંત્ર કશું ઉકાળી શકી નથી ગેમ ઝોનના માચડા પર રાતોરાત બુલડોઝર અને આધુનિક મશીનરીઓ ફેરવી પુરાવાનો નાશ કોના આદેશથી કરાયો અને આ અંગે કોઈ લેખિત સુચના ન હોવા છતાં અધિકારીઓ દ્વારા માચડો હટાવી લેવાયો પોલીસ અને મહાનગરપાલિકામાં ફાઇલ કોના કહેવાથી ગુમ કરી આવી અનેક બાબતો ની તપાસ હજુ બહાર આવી નથી ત્‍યારે પીડિતોને ન્‍યાય મળશે કે કેમ તે એક શંકા હોવાને પગલે આપણે સૌ સાથે મળી જે કાંઈ પદાધિકારીઓ કે કોર્પોરેટરની આમાં સંડોવણી હોય તે અને જે કંઈ મોટા આઇપીએસ ને આઈએએસ અધિકારીઓ હોય તે જેલ ભેગા થાય અને પીડિતો ને ન્‍યાય મળે અને વધુ વળતર સરકાર દ્વારા ચૂકવાઇ એ બાબતને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અગ્નિકાડ ની ઘટના બાદ વખતો વખત લેખિત રજૂઆતો થઈ છે. પરંતુ તેમાં સરકાર દ્વારા કોઈ પ્રત્‍યુતર ન મળતા રાજકોટ બંધનું એલાન આપવામાં આવેલ છે. ઉપરોક્‍ત કોંગ્રેસના આગેવાનો એ શહેરને શાંતિપૂર્ણ રીતે સ્‍વયંભૂ અને સજ્જડ બંધ રહે તે માટે અપીલ કરી છે.

 દરમિયાન ચુનારાવાડ વેપારી એસોસિએશનના પ્રમુખ નલિન જે બગડાઇ, વાસુદેવ એસ. ખંભાણી રાજકોટ કબાડી નંબર ૧ (ડિસ્‍પોઝલ) એસોસિએશનના પ્રમુખ અનવરભાઈ સુમરા ની સંયુક્‍ત યાદી જણાવે છે કે રાજકોટ ગેમ્‍સ ઝોનના અગ્નિકાંડના પીડિતોની વહારે વેપારી એસોસિએશન દ્વારા તારીખ ૨૫ જૂન રાજકોટ બંધના એલાન સંદર્ભે ચુનારાવાડ વેપારી એસોસિએશન રાજકોટ કબાડી નંબર વન એસોસિએશન ના તમામ વેપારી મિત્રો અડધો દિવસ રાજકોટ બંધના એલાનમાં સ્‍વયંભૂ જોડાશે અને દરેક વેપારી સ્‍વૈચ્‍છિક રીતે બંધમાં જોડાય તે માટે સરકયુલર દ્વારા દરેકને જાણ કરી દેવામાં આવી હોવાનું જણાવાયું છે.

(11:04 AM IST)