<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

જુનાગઢ જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદી વાતાવરણ

જુનાગઢમાં બે ઇંચ વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

(વિનુ જોશી દ્વારા)  જુનાગઢ તા. ૨૪: જુનાગઢ જિલ્લામાં ૨૪ કલાક દરમિયાન ૧૫ ઇંચ વરસાદ થયા બાદ બીજા દિવસે પણ વરસાદી વાતાવરણ રહ્યું છે.

જુનાગઢ જિલ્લામાં લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ રવિવારે મેઘરાજાની પધરામણી થઈ હતી. જિલ્લાના તમામ તાલુકામાં મેઘરાજાનું આગમન થતાં ખુશી વ્યાપી ગઈ હતી. મોટાભાગે બપોર બાદ મેઘરાજા વરસવાનું શરૃ કર્યું હતું. મેંદરડા તાલુકાના મીઠાપુર ગામે ધોધમાર પાંચ ઇંચ વરસાદ થયો હતો અને નદીનાળામાં પૂર આવ્યું હતું. જેમાં હરિભાઈ રવજીભાઈ કુંભાણી તણાઈ ગયા હતા.

જુનાગઢ શહેરમાં બે ઇંચ અને છેવાડાના વિસ્તારોમાં ચાર ઇંચ પાણી પડ્યાનું નોંધાયું હતું. પ્રથમ વરસાદમાં જ મહાનગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ હતી. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

જૂનાગઢમાં બપોરના ચાર વાગ્યા સુધી ૪૦ ડિગ્રી આસપાસ તાપમાન રહ્યા બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને ધોધમાર વરસાદ શરૃ થયો હતો. સાંજના છ વાગ્યા સુધીમાં જુનાગઢ શહેરમાં ૫૭ મીમી અને છેવાડાના વિસ્તારોમાં ૧૦૨ વરસાદ નોંધાયો હતો.

પ્રથમ બે ઇંચ વરસાદમાં જ શહેરના મધુરમ, મોતીબાગ, ટીંબાવાડી, ઝાંઝરડા રોડ, દીપાંજલી, દાતાર રોડ, જોષીપરા, ભવનાથ સહિતના વિસ્તારોમાં ગોઠણ ડૂબ પાણી ભરાયા હતા. રેલ્વે સ્ટેશન રોડ પાણીથી લથપથ થઈ જતા તમામ વાહન ચાલકોને એક તરફી વાહનો ચલાવવા પડ્યા હતા. ઝાંઝરડાના દિપાલી પાર્ક ૧માં પ્રથમ વરસાદમાં જ એક કાર ફસાઈ ગઈ હતી. આવી સ્થિતિ મધુરમ વિસ્તારની શ્રીનાથજી વિલાસ સોસાયટી તેમજ નક્ષત્ર બંગલો સહિતના વિસ્તારોમાં લોકોના ઘરમાં ગટર અને વરસાદના પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

(12:46 PM IST)