News of Monday, 24th June 2024
પરબધામઃ અષાઢી બીજ મહોત્સવની ભવ્ય તૈયારી
૩૬૫ વર્ષ પૂર્વે અષાઢી બીજના પવિત્ર દિવસે રકતપીતીયાઓની સેવા કરનાર સત્ દેવીદાસ બાપુ અને મા અમરમા એ સમાધી લીધી હતી પૂજ્ય કરશનદાસ બાપુની નિશ્રામાં ૬-૭ જુલાઇએ ભજન-ભોજન-કિર્તન સાથે ભવ્ય લોકમેળો યોજાશે

ઉપરોકત તસ્વીરમાં અષાઢી બીજને લઇને પરબધામમાં થઇ રહેલી તૈયારીઓ નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)
(વિનુ જોષી-જીતુ આચાર્ય દ્વારા) જૂનાગઢ-ગોંડલ,તા. ૨૪: ભેસાણ નજીક આવેલ સુ પ્રસિધ્ધ પરબ ધામની જગ્યા ખાતે અષાઢી બીજ મહોત્સવ ઉજવાશે. પૂ. કરશનબાપુના સાનિધ્યમાં તા.૬ને શનિવારે અને તા. ૭ને રવિવારના રોજ દ્વી દિવસીય ધર્મોત્સવ ઉજવાશે.
આ અષાઢીબીજની ઉજવણીનું મહત્વ એ છે કે પ્રાચીન આ જગ્યામાં પરબધામમાં અંદાજે ૩૬૫ વર્ષ પૂર્વે અષાઢી બીજના પવિત્ર દિવસે સેવાની જયોત જગાવી અને રકતપીતના દર્દીઓની સેવા કરનારા સંત દેવીદાસ બાપુ અને મા અમરમાં એ સમાધી લીધી હતી.
ત્યારથી પરબધામ ખાતે અષાઢી બીજ મહોત્સવ ઉજવવામાં આવે છે. તા. ૬ને શનિવારે પરબધામ ખાતે વિષ્ણુ યાગ પર્જન્ય યજ્ઞના પ્રારંભ થશે અને તા. ૭ને રવિવારે અષાઢી બીજના દિવસે સવારે પૂ.કરશનદાસ બાપુના હસ્તે નિશાન પુજન ધ્વજારોહણ કરાશે. તેમજ સોમયજ્ઞનું આયોજન પણ કરાયું છે.અષાઢી બીજના આ મહોત્સવમાં બે દિવસ દરમ્યાન દેશ-વિદેશથી અસંખ્ય શ્રધ્ધાળુઓ ઉમટે છે ત્યારે આંબાવાડીમાં ભોજનપ્રસાદ માટે અલાયદી વ્યવસથા ઉભી કરવામાં આવી છે.
એ સમયમાં પરબમાં ગામે ગામ દેવીદાસબાપુ અને અમરમાં ગરીબ અને દીનદુખીયાઓને ભોજન કરાવતા.
આ પરંપરા આજે પણ પરબધામમાં પૂ.કરશનદાસબાપુએ અવિરત ચાલુ રાખી આજે પણ શ્રધ્ધાળુઓને બંને ટાઇમ ભોજનપ્રસાદ પરિસવામાં આવી રહ્યો છે.
આ અક્ષાઢી બીજ મહોત્સવ દરમ્યાન ભજન, ભોજન અને લોકમેળામાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન ભોજન અને મેળામાં આવનાર હોય ત્યારે શ્રધ્ધાળુઓને કોઇ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તૈયારીઓને પૂ. કરશનદાસબાપુને દેખરેખ હેઠળ વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
ઉપરાંત કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે જૂનાગઢના એસપી હર્ષદ મહેતાની સૂચના અને ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ ભેસાણના પીએસઆઇ એમ.એન. કાતરીયા સહિતના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ બંદોબસ્ત જાળવશે.
(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
