News of Monday, 24th June 2024
ધોરાજીમાં પ્રીમોન્સુન કાર્યવાહીના નામે મીંડુ !!
વોંકળા-બુગદામાં કચરાના ગંજ : ઉદાસીનતા સેવાઇ રહ્યાના વિપક્ષી આક્ષેપોઃ ભાજપના શાસકો કહે છે કોંગ્રેસને આક્ષેપો કરવાની ટેવ છે સફાઇની કામગીરી ચાલુ છે

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા.ર૪: પ્રી મોન્સુન કામગીરીના નામે મીંડું હોઇ શહેરમાંથી પસાર થતા વોંકળા, બુગદા કચરાના ગંજ બન્યા છે.
શહેરમાં નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી રહી નથી.
જેને કારણે વરસાદના સમયે શહેરના નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાતા હોવાની સમસ્યા ઉદ્ભવી રહી છે. ત્યારે જો પાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવે તો આ સમસ્યા નિવારી શકાય. તેવી ચર્ચા છે.
ધોરાજી શહેરમાં શહેરમાંથી પસાર થતાં નાળા વોંકળા અને રાજાશાહી વખતના મોટા બુગદા આવેલા છે જે સફાઈ ના અભાવે કચરાના ગંજ બની ગયા છે શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે અન્ય કોઈ વ્યવસ્થા ન હોવાથી વરસાદી પાણી શહેરમાંથી પસાર થતા નાળા,વોકળામાંથી નીકળી જતા હોય છે. પરંતુ નગરપાલિકા દ્વારા શહેરના નદી નાળાની સફાઈ થતી ન હોવાથી મોટા પ્રમાણમાં કચરો જમા થઈ ગયો હોય છે જેને લીધે વરસાદી પાણીના નિકાલ થઈ શકતો નથી અને તે કારણે વરસાદી પાણી શહેરના નિચાણવાળા વિસ્તારમાં ફરી વળે છે જેને હિસાબે નીચાળ વાળા વિસ્તારમાં રહેતા અને દુકાનો ધરાવતા વેપારીઓએ સહન કરવાનો વારો આવે છે. દર વર્ષે આ પ્રકારે સમસ્યા થતી હોવા છતાં નગરપાલિકા દ્વારા અગાઉ પણ અને આજની તારીખ સુધીમાં નદી નાળા વોકળા અને સફાઈ કરવામાં આવી નથી તે લોકોની નજર સમક્ષ હોવાના વિપક્ષી આક્ષેપો થઇ રહ્યા છે.
પ્રિમોન્સૂન કામગીરી મામલે ધોરાજી વિરોધ પક્ષના નેતા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ વોરાએ જણાવ્યું હતું કે જ્યારથી ધોરાજી નગરપાલિકામાં વહીવટદારનું શાસન આવ્યું છે ત્યારથી કોઈ જરૂરી કામગીરી થતી નથી અને નગરપાલિકા પ્રિ મોન્સૂન કામગીરી પરત્રે દુર્લક્ષ જેવી રહી છે. ઉપરાંત ધોરાજીના ચૂંટાયેલા વર્તમાન ધારાસભ્ય પણ લોકોની આવી સમસ્યા મામલે ધ્યાન આપતા નથી
જેની સામે ધોરાજી શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ બાલધાએ જણાવેલ કે કોંગ્રેસને આક્ષેપ કરવાની ટેવ છે ધોરાજી નગરપાલિકામાં પ્રિમોન્સૂન કામગીરી મામલે સૂચના અપાઈ ચૂકી છે અને પાલિકા દ્વારા હાલ કામગીરી ચાલી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ધોરાજીમાં ગયા વર્ષે પડેલા વરસાદમાં નદી બજાર વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં પાણી ધસી આવ્યું હતું જેને હિસાબે ભંગાર બજાર વિસ્તારની કારો પાણીમાં તણાતી નજરે પડી હતી અને નદી બજાર વિસ્તારમાં દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. જો શહેરના નદીનાળા અને વોંકળાની સફાઈ યોગ્ય રીતે કરવામાં આવે તો વરસાદી પાણીનો નિકાલ થઈ શકે અને પ્રજાને પણ સમસ્યાથી ઉગારી શકાય
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
