તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 25th June 2024
જામનગરના નવાગામ-ધુનડા-ર, હરીપર, ભણગોર, પડાણા, વાંસજાળીયામાં દોઢ ઇંચ
વલ્લભીપુર-૧, ઉમરાળા-શિહોર પંથકમાં અડધો ઇંચ વરસાદઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં બીજા દિ'એ પણ વાદળછાંયુ વાતાવરણ

ગોંડલના ગ્રામ્ય વિસ્તારો દેરડી (કુંભાજી)વાસાવડમાં સવારે ૧ ઇંચ વરસાદઃ વિસાવદરમાં પોણો ઇંચ : જુનાગઢ, ભેંસાણ, વિસાવદરમાં ધીમીધારે : આટકોટ પંથકમાં ઝાપટા
રાજકોટ, તા., ૨૫ : રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ વાદળછાંયુ વાતાવરણ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે છેલ્લા ર૪ કલાકમાં જામનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટાથી માંડીને ર ઇંચ વરસાદ પડયો છે. જયારે જુનાગઢ-વિસાવદર તથા ગોંડલ પંથકમાં ઝાપટા પડયા છે.
જામનગર
(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ જામનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટાથી માંડીને ર ઇંચ વરસાદ પડયો છે. જેમાં કાલાવડનાં નવાગામ તથા જામજોધપુરના ધુનડામાં ર ઇંચ જયારે લાલપુરનાં હરીપર, ભણગોર, પડાણા, જામજોધપુરના વાંસજાળીયામાં દોઢ ઇંચ તથા જામનગર જીલ્લાના લાખાબાવળમાં તથા લાલપુરમાં મોટા ખડબામાં ૧ ઇંચ તથા મોડપર, પીપરટોડા, ધ્રાફા, જામવાડી, શેઠવડાળા, સમાણા, ભલસાણ, બેરાજા, દરેડ, મોટી ભલસાણ, જામવંથલી, વસઇમાં ઝાપટાથી માંડીને અડધો ઇંચ વરસાદ પડયો હતો.
બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની જોઇએ તો લઘુતમ તાપમાન ર૯, મહતમ તાપમાન ૩૩, ભેજનુ પ્રમાણ ૯પ ટકા, પવનની ગતી ૭.૭ કી.મી. રહી હતી.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં છૂટાછવાયા ઝાપટા થી લઈ અડધા થી એક ઇંચ વરસાદ પડ્યો છે. જિલ્લાના વલભીપુરમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે .જયારે ઉમરાળા અને સિહોરમાં અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જયારે જિલ્લાના અન્ય તાલુકામાં હળવા ઝાપટા વરસી ગયા છે
આજે સવારે ૬ વાગે પૂરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાવનગર જિલ્લાના વલભીપુરમાં ૨૩મી.મી. ઉમરાળામાં ૧૬ મી.મી. ભાવનગર શહેરમાં ૬ મી.
મી. ઘોઘામાં ૧૦ મી.મી.શિહોરમાં ૧૨ મી.મી.ગારીયાધાર માં ૬મી.મી. પાલીતાણા ૫મી.મી. તળાજા ૬ મી.મી.મહુવા ૦ અને જેસરમાં ૨ મી.મી.વરસાદ નોંધાયો છે.
વિસાવદર
(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદરઃ વિસાવદરમાં સવારે ૬થી ૮ દરમિયાન પોણો ઈંચ વરસાદ પડયો છે. મોસમનો કુલ વરસાદ ચાર ઈંચ નોંધાયો છે.
જૂનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : જુનાગઢ સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ સવારથી ફરી મંડાણ કરતા ખેડૂતો સહિત લોકોમાં ખુશી આપી ગઈ છે.
સોરઠમાં રવિવારે મેઘરાજાએ પધરામણી કરી હતી બાદમાં ગઈકાલે એકંદરે વિરામ રાખ્યો હતો. આખી રાત વરસાદી વાતાવરણ રહ્યા બાદ આજે સવારે જુનાગઢ શહેરમાં મેઘ સવારી આવી પહોંચી હતી. ધીમીધારે મેઘરાજાએ વરસવાનું શરૂ કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અને બફારો ઉકળાટથી લોકોને રાહત મળી હતી.
જૂનાગઢની સાથે સાથે ભેસાણ વિસ્તારમાં પણ મેઘરાજાનું આગમન થયું હતું. સવારે ૬ થી ૮ના પ્રારંભિક બે કલાકમાં વેચાણ ખાતે ત્રણ મીમી વરસાદ નોંધાયો હતો.
આ જ પ્રમાણે વિસાવદર તેમજ તેની આસપાસના વિસ્તારોમાં પણ સવારથી મેઘરાજાએ મંડાણ કર્યા છે. સવારે ઓચિંતા જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તે સાથે જ મેઘરાજાએ વરસવાનું શરૂ કરતા વિસાવદર તાલુકામાં સવારે ૬ થી ૮ના બે કલાક દરમિયાન ૧૮ મીમી વરસાદ નોંધાયો હતો.
જુનાગઢ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ સવારથી વરસાદી વાતાવરણ પ્રવર્તે છે જેથી દિવો દરમિયાન મેઘરાજા પડાવ કરે તેવી શક્યતા જોવાઈ રહી છે. દરમિયાન સવારે જુનાગઢનું લઘુતમ તાપમાન ઘટીને ૨૮.૩ ડીગ્રી નોંધાયું હતું જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૯૧ ટકાએ પહોંચી ગયું હતું પવનની પ્રતિ કલાકની ઝડપ ત્રણ કિલોમીટરની રહી હતી.
ગોંડલ
(નરેશ શેખલીયા દ્વારા) ગોંડલઃ ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ વચ્ચે ઝાપટા પડી રહ્યા છે. તાલુકાના દેરડી(કુંભાજી), વાસાવડ,મોટી ખિલોરી,સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ વરસે છે. દેરડી(કુંભાજી),વાસાવડ સહિતના ગામોમાં એક કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
આટકોટ
(કરશન બામટા દ્વારા) આટકોટઃ જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે.
આટકોટ પાંચ વડા જીવાપર વીરનગર ખારચીયા સહિત વિસ્તારોમાં સવારથી વરસાદી ઝાપટા પડયા છે. રસ્તા પર પાણી વહી ગયા હતા. ખેડુતો વાવણી કાર્ય કર્યા પછી પહેલી વખત વરસાદ ઝાપટા પડયા હતા. ખેડુતો ધોધમાર વરસાદ ની આશા રાખી બેઠા છે. આજે વહેલીસવારથી જ પવન સાથે વરસાદ વરસ્યો હતો.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
