<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

ગોંડલ ભોજપરામાં મોડી રાતે નોકરી પુરી કરી આવી રહેલા હોમગાર્ડ બાબુભાઇ પર હીચકારો હુમલો થયો

હાથ-પગમાં ગંભીર ઇજાઓઃ સારવાર માટે રાજકોટ ખસેડાયાઃ જુના મનદુઃખમાં સરપંચ સહિતે હુમલો કરાવ્‍યાનો ચોંકાવનારો આક્ષેપઃ ગોંડલ તાલુકા પોલીસે તપાસ આરંભી

રાજકોટ તા. ૨૫: ગોંડલના ભોજપરામાં રહેતાં અને ગોંડલ સીટીમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતાં બાબુભાઇ કરસનભાઇ સરવૈયા (ઉ.વ.૫૦) મોડી રાતે અઢી વાગ્‍યે નોકરી પુરી કરીને ઘરે આવી રહ્યા હતાં ત્‍યારે ઘર નજીક રિધ્‍ધી સિધ્‍ધી ડિસ્‍પ્‍લે નામના કારખાના નજીક અજાણ્‍યા શખ્‍સોએ ધોકા-પાઇપથી હીચકારો હુમલો કરી હાથ-પગમાં અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડતાં ગોંડલ સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલાએ ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.

બાબુભાઇ સરવૈયા ગોંડલ સીટીમાં હોમગાર્ડ તરીકે નોકરી કરે છે. તે ચાર ભાઇ અને એક બહેનમાં બીજા નંબરે છે અને સંતાનમાં ત્રણ પુત્ર છે. પરિવારજનોએ કહ્યું હતું કે રાતે અઢી વાગ્‍યે બાબુભાઇ હોમગાર્ડની નોકરી પુરી ઘરે આવી રહ્યા હતાં ત્‍યારે ઘર નજીક જ અજાણ્‍યા શખ્‍સોએ ધસી આવી ધોકા-પાઇપથી હીચકારો હુમલો કર્યો હતો. દેકારો થતાં લોકો જાગી જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. એવો પણ આક્ષેપ કરાયો છે કે અગાઉ બીલીયાળાનો એક છોકરો અને ભોજપરાની છોકરી ભાગી ગયા તયારે કેસમાં પોતે સમાધાનમાં રહ્યા હતાં. બીજી તરફ જમીન મામલે પણ માથાકુટ ચાલતી હતી. આ બધી બાબતોનો ખાર રાખી સરપંચે માણસો મોકલી હુમલો કરાવ્‍યો હતો. આક્ષેપોમાં ખરેખર કેટલુ તથ્‍ય છે? તે જાણવા ગોંડલ તાલુકા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. બાબુભાઇ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ તેમનું અને પરિવારજનોના નિવેદન નોંધી આગળ કાર્યવાહી કરશે.

(11:03 AM IST)