તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 27th June 2024
મેઘકૃપાના પગલે સોરઠમાં વાવણીના કામકાજનો ધમધમાટ
મોડે મોડે પણ ચોમાસુ જામતા ખેડૂતો સહિતના લોકો ખુશખુશાલ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૭: સોરઠમાં મોડે મોડે પણ ચોમાસુ જામતા ખેડૂતો સહિતના લોકો ખુશ ખુશાલ થઈ ગયા છે બીજી તરફ મેઘકળપાનાં પગલે વાવણીના કામકાજનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.
ચોમાસાનો સતાવાર પ્રારંભ ૧૫ જૂનથી થયો હતો પરંતુ જૂનાગઢ જિલ્લામાં ૨૩ જૂનથી ચોમાસુ શરૂ થયું હતું. મોડી મેઘ પધરામણી થતા ખેડૂતો સહિતના લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા. પરંતુ રવિવારથી સોરઠમાં શરૂ થયેલી મેઘ સવારી એક દિવસના વિરામ સિવાય બુધવારે પણ મેઘ કળપા થતા ખેડૂતો મલકાઈ ઉઠ્યા છે. અસહ્ય ઉકળાટ બાદ વીજળીના ભારે કડાકા ભડાકા સાથે બુધવારની બપોરે જુનાગઢ સહિત જિલ્લામાં મેઘો મંડાયો હતો. ધોધમાર વરસાદથી થોડી જ વારમાં પાણી પાણી થઈ ગયું હતું.
ભારે વરસાદના પરિણામે શહેરના ઝાંઝરડા રોડ, મધુરમ, મોતીબાગ, જયશ્રી રોડ, દાતાર રોડ, એમજી રોડ, ગાંધી ચોક તેમજ કાળવા ચોક સહિતના અનેક રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા. જૂનાગઢની સાથે સાથે ગિરનાર પર્વત પર પણ મેઘરાજાએ વહાલ વરસાવ્યું હતું.
આજે સવારે પૂરા થયેલા ૨૪ કલાક દરમિયાન જુનાગઢ જિલ્લામાં ૨૮૯ મીમી વરસાદ થતાં કુલ વરસાદનો આંક ૮૩૭ મીમી થયો છે. સવાર સુધીમાં વિસાવદર સિવાય માણાવદરમાં ૧૬ મીમી, વંથલી ૨૦મીમી, જુનાગઢ ૭૧ મીમી, ભેસાણ ૨ મીમી, કેશોદ ૧૯મીમી, માંગરોળ ૨૮મીમી, માળીયાહાટીના તાલુકામાં ૨૦મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે મેંદરડા તાલુકામાં ૪૨ મીમી પાણી વરસતા મધુવંતી નદીમાં નવા નીરની આવક થઈ હતી.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
