<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

વાંકાનેરના ચંદ્રપુર ગામના નાગરિકો પરસેવે રેબઝેબઃ લાઇટના ધાંધીયાથી કંટાળી પીજીવીસીએલ કચેરીને ઘેરાવ

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ર૮ :.. સરકારી કચેરીઓમાં અત્‍યારે જો કોઇપણ કચેરીનો વહીવટ સાવ ખાડે ગયો હોય તો એ છે. પીજીવીસીએલ ની કચેરી... હજુ તો સરખું ચોમાસું જામ્‍યું પણ નથી અને લાઇટ દિવસમાં દસ વાર આવજા કરે છે.

ચંદ્રપુર ગામમાં બપોરે ૧.૩૦ વાગ્‍યે પાવર જતો રહ્યો લોકો પરસેવેથી નીતરી ગયા અને રીતસર લોકો અકળાઇ ગયા. હવે શું કરવું ? ત્‍યાં જ કોક યુવાને આગેવાનોને ફોન કરી મોબાઇલમાં મેસેજ નાખતા ગામના ઘર દીઠ એક એક વ્‍યકિત ભેગા થયા અને પીજીવીસીએલ કચેરીએ હલ્લાબોલ કર્યું... ટોળું ભેગુ થાય પછી શાંત થોડું રહે....!! દેકારોને બાપોમારી થઇ ગઇ અને પીજીવીસીએલના ઇજનેર ભુવને પોલીસ સ્‍ટેશને ફોન કરીને પોલીસને બોલાવવી પડી...!!  પછી ઇજનેરે આગેવાનો જલાલભાઇ શેરસિયા, ઉસ્‍માનભાઇ મરડીયા, તોફિક અમરેલીયા સાથે પોતાની ચેમ્‍બરમાં જ ચર્ચા કરી અને અત્‍યારે તો નિવેળો લાવવાની ખાતરી આપી છે, પણ આગેવાનો ચીમકી ઉચ્‍ચારી હતી કે, જો આને આ પ્રશ્ન રહેશે તો આ લોકો આવ્‍યા છે એથી વધારે આવશે અને કાંઇપણ બને તો એની જવાબદારી તમારી રહેશે...!

અત્રે ઉલ્લેખનીય છે કે ચંદ્રપુર પાસે હાઇવે પર ચારથી પાંચ હોસ્‍પિટલો આવેલી છે અને પાવર જાય ત્‍યારે હોસ્‍પિટલમાં રહેલા પેશન્‍ટોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.

આ ઉપરાંત સહકારી મંડળીના પૂર્વ પ્રમુખે જણાવ્‍યું હતું કે ગામમાં હાલમાં ૧૪ થી ૧પ ડીલેવરી વાળી મહિલાઓ છે શું આ મહિલાઓનો ખાટલો પાવર જતો રહે ત્‍યારે ફળીમાં રાખવો અને નાના બાળકોની શું હાલત થાય ? લોકોએ મેદાને આવું જ રહ્યું એમનું ઉદાહરણ ચંદ્રપુર ગામે પુરૂં પાડયું છે.

(10:52 AM IST)