<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

ખંભાળીયામાં મોસમનો ૨૩ ઇંચઃ ઢગલાબંધ ચેકડેમ- તળાવો છલકાયા

દેવભુમિ દ્વારકા જીલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા ખેડુતો રાજીઃ ખેતરો- વાડીમાં પાણી ભરાયા

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૧: દેવભુમિ દ્વારકા જિલ્લામાં ૩ાા ઇંચ અને દસ ઇંચ વરસાદના બે રાઉન્‍ડ થઇ ગયા હતા પછી ભારે વરસાદનો મોટો રાઉન્‍ડ આવે તેની લોકો તથા ખેડુતો કાગડોળે રાહ જોતા હતા તે પૂર્ણ થઇ છે. આજે સવારે ચોવીસ કલાકમાં સોૈથી ઓછો ભાણવડમાં દોઢ ઇંચ, કલ્‍યાણપુરમાં ચાર ઇંચ, દ્વારકામાં સાડા છ ઇંચ તથા ખંભાળીયામાં ૭ ઇંચ વરસાદ પડયો છે.

મોસમનો આ વખતનો કુલ વરસાદ જોઇએ તો સોૈથી વધુ ખંભાળીયામાં મોસમનો ૨૩ ઇંચ વરસાદ પડયો છે. જે પછી દ્વારકામાં નવ ઇંચ, કલ્‍યાણપુરમાં ૮ ઇંચ અને ભાણવડમાં છ ઇંચ પડયો છે.

ભારે વરસાદને કારણે ગ્રામ્‍ય પંથકમાં ઢગલાબંધ તળાવો તથા ચેકડેમો પાણીથી ભરપુર થઇ ગયા હતા તો કુવા તથા બોરમાં પણ પાણીની આવક શરૂ થઇ હતી.

કલ્‍યાણપુર તાલુકાના વીરપુર, મેવાસા, આસોટા તથા ખંભાળીયાના બેરાજા, ઝાકલીયા, નાના આસોટા સહિતના ગામોમાં ગઇકાલે ૪ થી ૫ ઇંચ વરસાદ પડતા ખેતરો બેટમાં ફેરવાયાની સ્‍થિતિ થઇ ગઇ હતી.

કલ્‍યાણપુર તાલુકાના સિધ્‍ધપુરની ગઢકા રોડ આઠ વર્ષથી બિસ્‍માર હાલતમાં હોય ગઇકાલે ભારે વરસાદથી આ રસ્‍તા પર ત્રણ ત્રણ ફુટ પાણી ફરી વળતા અનેક વાહનચાલકો અટકાવાયા હતાં. તો વાહનો બંધ પણ થઇ ગયા હતા.

ખંભાળીયામાં આજે વ્‍હેલી સવારે આવેલા ભારે વરસાદથી અંહીના નગરગેઇટથી સ્‍ટેશન રોડ પર વી.જે. હાઇસ્‍કુલ પાસે આવેલ એક વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં આખો સ્‍ટેશન રોડ બંધ થઇ ગયો હતો. ફાયર વિભાગને જાણ થતાં ચીફ ફાયર ઓફિસર મીતરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ ફાયર સ્‍ટાફ દ્વારા ઝાડને કાપીને રસ્‍તો પૂર્વતત કરાયો હતો. ગ્રામ્‍ય પંથકમાં પણ ભારે વરસાદથી અનેક સ્‍થળે ઝાડ તથા વૃક્ષો સાથેના વીજ વાયરો તુટી પડતા અનેક સ્‍થળે વિજળી ગુલ થઇ હતી.

(1:38 PM IST)