તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 1st July 2024
લખતર પોલીસે કારનો પીછો કરી સવા બે લાખનો દારૂ ઝડપી લીધો

(ફઝલ ચૌહાણ દ્વારા) સુરેન્દ્રનગર જિલ્લાની લખતર પોલીસ દ્વારા ફિલ્મી ઢબે પીછો કરી સ્કોર્પિયો કાર સાથે વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. જેમાં લખતર પોલીસ દ્વારા ફિલ્મી ઢબે કારને રોકવાનો પ્રયત્ન કરતા કાર ના રોકાતા પોલીસ દ્વારા ડંડાનો માર કાર પર ચલાવવામાં આવ્યો હતો. અને સ્કોર્પિયો કાર રિવર્સ લેતા પોલીસ વાનને અથડાતા પોલીસની ગાડીને પણ નુકસાન પહોંચ્યું હતું.
આ ઘટનામાં સ્કોર્પિયો કાર સદાદ બાજુથી આવતી હોવાના બાતમી મળતા લખતર પીએસઆઇ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા આ કારને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેમાં સ્કોર્પિયો કારના ડ્રાઇવરે કાર ના રોકતા લખતર પીએસઆઇની ટીમ દ્વારા કારનો પીછો કરાયો હતો. જેમાં આ સ્કોર્પિયો કારને રોકવા માટે પોલીસ સ્ટેશન પાસે આડુ ટ્રેક્ટર તેમજ પોલીસ કાર રાખતા સ્કોર્પિયો કાર બાજુમાં રહેણાક વિસ્તારમાં ઘૂસવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ કારને યોગ્ય જગ્યા ન મળતા સ્કોર્પિઓ કાર પાછી સદાદ રેલવે સ્ટેશન તરફ વળી હતી. પણ ત્યાં ફાટક બંધ હોવાથી કારને લખતર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી હતી.
જેમાં રાત્રીના અંધારાનો લાભ લઈ સ્કોર્પિયો કારનો ચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો હતો. જેમાં આ કાર રેલવે ફાટક બંધ હોવાથી કાર રિવર્સ લેતા રોડની બાજુની ગટરમા ફસાઈ ગઈ હતી. બાદમાં ફસાયેલી કારને ટ્રેક્ટર દ્વારા બહાર કાઢવામાં આવી હતી.
પોલીસ દ્વારા સ્કોર્પિયો કારમાંથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલો નંગ- ૧૩૯૨ કિંમત રૂ. ૨,૨૯,૩૨૦, બીયર ટીન નંગ- ૧૪૪ કિંમત રૂ. ૧૪,૪૦૦, મોબાઈલ નંગ-૨ કિંમત રૂ. ૧૦,૦૦૦ અને સ્કોર્પિયો ગાડી કિંમત રૂ. ૫,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૭,૫૩,૭૨૦નો મુદામાલ ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
