<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

ચુડા, પાટડી, ધ્રાંગધ્રા, લખતર, લીંબડી, સાયલામાં વરસાદી ઝાપટા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., રઃ સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજા દરરોજ હેત વરસાવી રહ્યા છે. જોકે, અન્ય જિલ્લાઓની જેમ હજુ મુશળધાર વરસાદ વરસતો નથી.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પંથકમા આજે ૪૭ મીમી, ધ્રાંગધ્રા પંથકમા ૨૨ મીમી અને ચૂડા પંથકમા ૧૬ મીમી વરસાદ ખાબકતા વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર દોડી જવા પામી હતી. બીજી બાજુ સૂકાભઠ્ઠ રણકાંઠા વિસ્તારમા અસહ્ય બફારા વચ્ચે અનરાધાર વરસાદથી વાતાવરણમા ઠંડક પ્રસરી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

 ધાંગધ્રા શહેરમાં ચોમાસાનો પહેલો વરસાદ અંદાજીત એક ઇંચ જેટલો વરસાદ પડતા મુખ્ય બજાર, રાજકમલ ચોક, શકિત ચોક, જૂની શાક માર્કેટ, દરિયાલાલ મંદિર, વાડીલાલ આઈસ્ક્રીમ ઝાલા રોડ વગેરે મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણી ભરાયા હતા. જેમાં વરસાદી પાણીથી રસ્તા પર સ્વિમિંગ પુલની સ્થિતિ સર્જાઈ હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં માત્ર એક ઈચ જેટલો વરસાદ પડતા મુખ્ય વિસ્તારો પાણી પાણી થયા હતા. જેમાં શહેરના શકિત ચોક સહિત વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. જેમાં વરસાદી પાણી ભરાતા નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા કરવામાં આવતી કામગીરી ઉપર સવાલો ઉઠ્યા હતા. જેમાં બપોરના સમયે માત્ર એક જ કલાકમાં અંદાજિત એક ઈંચ જેટલો વરસાદ વરસતા સમગ્ર શહેરના રાજકમલ ચોક, શકિત ચોક સહિત વિસ્તારમાં પાણી ભરાયા હતા. જેમાં સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતા વાહનચાલકો તથા રાહદારીઓ તથા સ્થાનિક દુકાનદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે આ વિસ્તાર નિચાણવાળો હોવાથી વરસાદ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. જેમાં નગરપાલિકા દ્વારા આ વિસ્તારના પ્રશ્ને યોગ્ય આયોજનબધ્ધ કામગીરી કરી નિકાલ કરવો જોઈએ. જેથી વારંવાર થતી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે.

છેલ્લા ૨૪ કલાકની વાત કરીએ તો સૌથી વધુ વરસાદ યાત્રાધામ એવા ચોટીલા પંથકમાં વરસ્યો છે. ચોટીલામાં ૨૪ મીમી એટલે કે, ૧ ઈંચ આસપાસ વરસાદ નોંધાયો છે. વરસાદને લીધે ચોટીલા ડુંગર નયનરમ્ય નજરે પડતો હતો. જયારે અન્ય તાલુકાઓમાં પાટડીમાં ૯, ચુડામાં ૬, ધ્રાંગધ્રા-લખતરમાં ૪ મીમી, લીંબડીમાં ર અને સાયલામાં ર મીમી વરસાદ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયો છે. વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ સુરેન્દ્રનગર-વઢવાણ શહેરમાં પણ સર્જાયુ હતુ. દિવસ દરમીયાન ૨-૩ વખત ફર-ફર વરસાદ પણ વરસ્યો હતો. જે વાતાવરણમાં ઠંડક ફેલાવી ગયો હતો. જોકે, આ વરસાદ ફલડ કચેરીના ચોપડે નોંધાયો ન હતો. ત્યારે આજે તા. ૦૨ના રોજ પણ જિલ્લામાં વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે. વરસાદના લીધે વીજ કંપનીના કર્મચારીઓ પણ સતત રીપેરીંગના કામમાં વ્યસ્ત રહે છે. જેમાં ધ્રાંગધ્રા પંથકમાં વરસાદી વાતાવરણ વચ્ચે પણ વીજપોલ પર ચડી રીપેરીંગ કરતા કર્મચારીઓ નજરે પડયા હતા.

ચૂડા તાલુકામાં સીઝનનો ૩૦ ટકા વરસાદ વરસી ગયો

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસામાં એવરેજ ૫૯૮ મીમી વરસાદ વરસે છે. ત્યારે અત્યાર સુધીમાં ૭૧ મીમી એટલે કે, ૧૨ ટકા વરસાદ જિલ્લામાં વરસ્યો છે. જયારે તાલુકાઓ પણ નજર કરીએ તો મેઘરાજા ચુડા તાલુકા પર મહેરબાન હોય તેમ સીઝનનો અત્યાર સુધીનો ૩૦ ટકા વરસાદ વરસાવી ચુકયા છે. જયારે વઢવાણ, ચોટીલા અને સાયલા તાલુકામાં પણ ૧૦ ટકાથી વધુ સીઝનનો વરસાદ વરસી ચુકયો છે.

વસ્તડીમાં દુર્ઘટના

ઘટતા રહી ગઈ

વઢવાણ તાલુકાના વસ્તડી ગામે ભોગાવા નદી પરનો પુલ છ માસ પહેલા તુટી ગયો હતો. હાલ આ ભોગાવા નદીમાં ડાયવર્ઝન બનાવાયુ છે. પરંતુ ચોમાસામાં પાણી આવતા ડાયવર્ઝન પર ડમ્પરો દ્વારા કપચી નખાઈ હતી. ત્યારે જ સુરેન્દ્રનગર-ચુડા-સુરેન્દ્રનગર રૂટ પર દોડતી એક ખાનગી મીની બસ પાણીમાં ફસાઈ હતી. ૧૦ થી ૧૨ ફુટ ઉંડા પાણીમાં પડુ પડુ થતી બસમાં બેઠેલા મુસાફરોનો આબાદ બચાવ કરાયો હતો.

(12:36 PM IST)