News of Tuesday, 2nd July 2024
ઘેડ પંથકના ૨૬ ગામો બીજા દિવસે પણ સંપર્ક વિહોણા
સોરઠમાં ૩જા દિવસે પણ ધીમી ધારે મેઘ મહેર : ૨૪ કલાકમાં ૯૬ ઇંચ વરસાદથી ધરતી તરબોળઃ એસડીઆરએફની ટીમ જૂનાગઢમાં અને એનડીઆરએફની ટીમ કેશોદ ખાતે તહેનાત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨: ઘેડ પંથકના ૨૬ ગામો આજે બીજા દિવસે પણ સંપર્ક વિહોણા રહ્યા છે. બીજી તરફ જૂનાગઢ જિલ્લામાં આજે ૩જા દિવસે પણ ધીમી ધારે મેઘ મહેર ચાલુ રહેતા જનજીવન ખૂબ જ પ્રભાવિત થયું છે.
રવિવારની રાત્રિના બે વાગ્યાથી મેઘરાજા સોરઠમાં વરસી રહ્યા છે. સોમવારનો આખો દિવસ અને રાત મેઘ કૃપા વરસી હતી. જેના પરિણામે જુનાગઢ જિલ્લામાં સવારે પૂરા થયેલા ૨૪ કલાક દરમિયાન ૯૬ ઇંચ વરસાદ નોંધાયો હતો.
૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ ૧૫ ઇંચ વંથલી તાલુકામાં અને સૌથી ઓછો પાંચ ઇંચ વરસાદ માંગરોળ વિસ્તારમાં નોંધાયો હતો.
માણાવદર વિસ્તારમાં સોમવારની સવાર સુધી વરસાદનું જોર રહ્યું હતું. બાદમાં પણ મેઘાએ વરસવાનું ચાલુ રાખતા ૨૪ કલાક દરમિયાન માણાવદર તાલુકામાં ૯ ઇંચ પાણી પડ્યાનું નોંધાયું હતું. સતત વરસાદથી માણાવદરના લોકોના હાલ બેહાલ થઈ ગયા છે.
આ સાથે માણાવદર ઉપરાંત કેશોદ, માંગરોળ અને વંથલી તાલુકામાં આવતા ૨૬ જેટલા ઘેડના ગામો જળબંબાકાર થઈ ગયા હોય આજે પણ સતત બીજા દિવસે સંપર્ક વિહોણા રહ્યા હતા. જોકે આ ગામોના લોકોને જરૂરી સુવિધા મળી રહે તે માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઘેડ વિસ્તારની કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા કેશોદ ખાતે એનડીઆરએફની એક ટીમને તહેનાત રાખવામાં આવી છે. આ જ -માણે એસડીઆરએફના જવાનોને જુનાગઢ પોલીસ હેડ કવાર્ટર ખાતે ખડેપગે રાખવામાં આવ્યા છે.
દરમિયાન ૨૪ કલાકમાં જુનાગઢ શહેરમાં ૧૨ ઇંચ, ભેસાણ પંથકમાં ૭ ઇંચ, વિસાવદર તાલુકામાં ૧૪ ઇંચ, મેંદરડા વિસ્તારમાં ૮ ઇંચ, કેશોદ પંથકમાં ૧૦ ઇંચ, વાગોળ વિસ્તારમાં ૫ ઇંચ અને માળીયાહાટીના તાલુકામાં ૬ ઇંચ કરતા વધારે મેઘ મહેર થતાં મોસમનો કુલ વરસાદનો આંક ૪૬૨૦ મીમી એટલે કે ૧૮૫ ઈંચ ઉપર પહોંચી ગયો છે.
દરમિયાન આજે સવારે ૬ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધીના ૪ કલાક દરમિયાન જુનાગઢ શહેરમાં એક મીમી, ભેસાણ પંથકમાં છ મીમી અને કેશોદ તાલુકામાં ચાર મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે અન્ય વિસ્તારોમાં હળવો વરસાદ રહ્યો હતો
(12:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
