<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

વિસાવદરમાં નવી સરકારી હોસ્‍પિટલ સાથે સતાધાર પૂ.જીવરાજબાપુનુ નામ જોડવા અને હોસ્‍પિટલ જર્જરિત જિ.પં.ગેસ્‍ટ હાઉસની જમીન પર બનાવવા પ્રબળ લોકમાંગ

લગભગ એક એકર જેટલી વિશાળ જગ્‍યામાં હાલ જિ.પં.ગેસ્‍ટ હાઉસનુᅠ બીન ઉપયોગી અને જર્જરિત મકાન તથા બાંધકામ કચેરી-તાલુકા હેલ્‍થ કચેરી અને જર્જરિત ક્‍વાર્ટર્સ છેઃ ઈમરજન્‍સી આરોગ્‍ય સેવાઓને અગ્રતા આપી સામુહિક લોકહિતને ધ્‍યાને રાખી આ જમીન હોસ્‍પિટલ બનાવવા જિલ્લા પંચાયત ફાળવે તેવો સાર્વત્રિક લોકમત

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨: વિસાવદર સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રને અપગ્રેડ કરી ૧૦૦ બેડની ‘સબ ડિસ્‍ટ્રિક્‍ટ હોસ્‍પિટલ' બનાવવા રાજય સરકાર દ્વારા રૂપિયા ૨૫ કરોડની મંજુરી મળ્‍યાના સમાચારોથી સમગ્ર પંથકમાં આનંદની લહેર છે.

દરમિયાન વિસાવદરમાં નવી મંજુર થયેલ સબ ડિસ્‍ટ્રિક્‍ટ હોસ્‍પિટલ સાથે સુપ્રસિદ્ધ યાત્રાધામ સતાધારના દિવંગત મહંત પૂ.જીવરાજબાપુ ગુરૂ શ્રી શામજીબાપુનુ નામ જોડવા અને આ હોસ્‍પિટલ શહેરની મધ્‍યમાં જ ડાકબંગલા જિલ્લા પંચાયત ગેસ્‍ટ હાઉસની વિશાળ જગ્‍યામાં બનાવવા પ્રબળ લોકમાંગ પ્રવર્તે છે. અંદાજે લગભગ એક એકર જેટલી વિશાળ જગ્‍યામાં હાલ ડાક બંગલા જિલ્લા પંચાયત ગેસ્‍ટ હાઉસનુ બીન ઉપયોગી અને જર્જરિત મકાન તથા બાંધકામ કચેરી-તાલુકા હેલ્‍થ કચેરી અને જર્જરિત ક્‍વાર્ટર્સ છે. સામુહિક લોકહિતને ધ્‍યાને રાખી ઈમરજન્‍સી આરોગ્‍ય સેવાઓને અગ્રતા આપી આ જમીન હોસ્‍પિટલ બનાવવા જિલ્લા પંચાયત ફાળવે તેવો સાર્વત્રિક લોકમત પ્રવર્તે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ ગામડાઓ ધરાવતો વિસાવદર તાલુકો છે. વિસાવદર તાલુકામાં ૭૮ ગામડા તથા ૬ નેસનો સમાવેશ થાય છે. વિસાવદર શહેરની અંદાજે ૩૫થી ૪૦ હજારની વસ્‍તી અને સમગ્ર તાલુકાની લગભગ દોઢ લાખની વસ્‍તી છે..માત્ર ખેતી ઉપર નિર્ભર આ તાલુકામાં કોઈ જ ઉદ્યોગ નથી જેથી તાલુકો આર્થિક પછાત છે. આરોગ્‍ય વિષયક ઉત્‍કૃષ્ટ સેવાઓથી સુસજ્જ સબ ડિસ્‍ટ્રિક્‍ટ હોસ્‍પિટલ વિસાવદર તાલુકાને રાજય સરકારે ફાળવી ખરેખર પ્રશંસનીય કદમ ઉઠાવ્‍યુ છે ત્‍યારે એક લોકમાંગ વ્‍યાપક છે કે, આ હોસ્‍પિટલ શહેરથી દૂર દૂર કે, બારોબાર નહી પરંતુ શહેરની સીમા મર્યાદામાં જ બનાવવામાં આવે.. હોસ્‍પિટલ શહેરની સીમા મર્યાદામા હોય તો ઈમરજન્‍સી કેસોમાં ત્‍વરિત સારવાર મળી શકે અને કેટલાયે જીવો બચી શકે..આ ઉપરાંત શહેરમાં જ હોસ્‍પિટલ હોય તો ગરીબવર્ગના લોકો પરિવહન ખર્ચથી બચી શકે, આવવા-જવામાં અનુકુળતા રહે તેવો પ્રજામત છે.

દરમિયાન એવુ પણ ચર્ચાઈ રહ્યુ છે કે, જિલ્લા પંચાયત ગેસ્‍ટ હાઉસની જગ્‍યાએ વિસાવદર તાલુકા પંચાયત કચેરીનુ બિલ્‍ડીંગ બનાવવાનુ આયોજન હોવાની વાત છે...જો કે, વિસાવદર તાલુકા પંચાયતના પ્રજાના ચૂંટાયેલ પ્રતિનિધિઓ મોટુ મન રાખી ઈમરજન્‍સી આરોગ્‍ય સેવાઓને અગ્રતા આપી આ બાબતે વ્‍યવહારૂ અભિગમ અપનાવી સામુહિક લોકહિતમાં કોઈ ચોક્કસ રસ્‍તો કાઢશે તેવી વ્‍યાપક આશા-અપેક્ષાઓ સાથે પ્રબળ લોકલાગણી છે.

વિસાવદર ખાતે ૧૦૦ પથારીની રૂપિયા ૨.૫ કરોડના ખર્ચે તૈયાર થનાર સબ ડિસ્‍ટ્રિક્‍ટ હોસ્‍પિટલમાં સામાન્‍ય રીતે સ્‍ટાફ ફાળવણી આ પ્રમાણે કરાય તેવી ધારણા છે. (૧) અધિક્ષક (૨) નિવાસી તબીબી અધિકારી (૩) ફુલ ટાઇમ સર્જન (૪) ઓર્થોપેડીક સર્જન (૫) ફીઝીશીયન (૬) ઓપ્‍થલ્‍મીક સર્જન (૭) ગાયનેકોલોજીસ્‍ટ (૮) એનેસ્‍થેટીસ્‍ટ (૯) ઈ.એન.ટી. સર્જન (૧૦) બાળરોગ નિષ્‍ણાંત (૧૧) વહીવટી અધિકારી (૧૨) તબીબી અધિકારી (૧૩) કચેરી અધિક્ષક (૧૪).હેડ ક્‍લાર્ક (૧૫) જુનીયર ક્‍લાર્ક (૧૬) આસીસ્‍ટન્‍ટ નર્સીગ સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ-ગ્રેડ-૨ (૧૭) હેડ નર્સ (૧૮) સ્‍ટાફ નર્સ (૧૯) સીનીયર ફાર્માસીસ્‍ટ (૨૦) જુનીયર ફાર્માસીસ્‍ટ (૨૧) લેબોરેટરી ટેકનીશીયન (૨૨) લેબોરેટરી આસીસ્‍ટન્‍ટ (૨૩) એક્‍સ-રે ટેકનીશીયન (૨૪).એક્‍સ-રે આસીસ્‍ટન્‍ટ (૨૫) ઓપ્‍થેલીમીક આસીસ્‍ટન્‍ટ (૨૬).ઇ.સી.જી ટેકનીશીયન (૨૭) કોમ્‍પ્‍યુટર ઓપરેટર (૨૮) ડ્રાઇવર -(૨૯) પ્‍લમ્‍બર (૩૦) ઇલેકટ્રીશીયન (૩૧) આંકડા મદદનીશ (૩૨) હોસ્‍પિટલ વર્કર (૩૩) સેનેટરી વર્કર/સ્‍વીપર (૩૪) લેબોરેટરી એટેન્‍ડન્‍ટ (૩૫)એક્‍સ-રે એટેન્‍ડન્‍ટ (૩૬) ઓફીસ પ્‍યુન (પટાવાળા) (૩૭) સીક્‍યુરીટી સ્‍ટાફ (૩૮) વોર્ડ સર્વન્‍ટ (વોર્ડ બોય) (૩૯) વોર્ડ આયા (આયા) (૪૦) ડ્રેસર (૪૧) પાર્ટ ટાઈમ સ્‍વીપર (૪૨) પાર્ટ ટાઈમ વોચમેન વિગેરેનુ સ્‍ટાફ મહેકમ હોવાની સંભાવના છે.

વિસાવદર સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રને ૧૦૦ પથારીની સુવિધા ધરાવતી પેટા જીલ્લા હોસ્‍પીટલમાં અપગ્રેડ કરવા અંગેના આદેશમાં જણાવાયુ છે કે, હોસ્‍પીટલના હયાત મકાનોનું ફનિચર - ફીકચર્સ સહિત વિસ્‍તરણ કરવા માટે રૂ.૨૫૦૦.૦૦ લાખના ખર્ચને વહીવટી મંજૂરી આપવામા આવી છે. ગુજરાત સરકાર આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગે (૧) કમિશનરશ્રી, આરોગ્‍ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ (તબીબી વિભાગ) ગાંધીનગરની તા.૨૨/૧૨/૨૦૨૩ની દરખાસ્‍ત તથા (૨) અધિક નિયામકશ્રી (તબીબી સેવાઓ) કમિશનરશ્રી, આરોગ્‍ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણની કચેરીના તા.૦૫/૦૨/૨૦૨૪ નો પત્ર ક્રમાંકઃ અજન/ સા.આ.કે/ અપગ્રેડ/ બાંધકામ/ વહીવટી/નાણાકીય મંજૂરી/૨૪ અંતર્ગત આમુખઃ વિસાવદર સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રને ૧૦૦ પથારીની સુવિધા ધરાવતી પેટા જીલ્લા હોસ્‍પીટલમાં અપગ્રેડ કરવા હોસ્‍પીટલના હયાત મકાનોનું ફનિચર-ફીકચર્સ સહિત વિસ્‍તરણ કરવા માટે રૂ.૨૫૦૦.૦૦ લાખની જોગવાઇને આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગના અંદાજપત્ર પ્રકાશન નં. ૧૧ પાના નં.૧૮૧ ઉપર આઇટમ નંબર.૧૬૬ તરીકે સમાવેશ કરવામાં આવેલ છે. જે અન્‍વયે સંદર્ભ-૨ સામેના કમિશનરશ્રી (આરોગ્‍ય)ની કચેરીના તા.૦૫/૦૨/૨૦૨૪ ના પત્રથી રૂ. ૨૫૦૦.૦૦ લાખ (રૂપિયા પચ્‍ચીસ કરોડ પૂરા)ના ખર્ચને વહીવટી મંજુરી આપવાની દરખાસ્‍ત વિચારણા હેઠળ હતી. ઠરાવઃ પુખ્‍ત વિચારણાને અંતે ઉપર્યુકત સંદર્ભ ક્રમાંક (૨) આગળ દર્શાવેલ કમિશનરશ્રી (આરોગ્‍ય)ની કચેરીના તા.૦૫/૦૨/૨૦૨૪ ના પત્રથી કરેલી દરખાસ્‍ત અન્‍વયે સને ૨૦૨૪-૨૫ની અંદાજપત્રીય જોગવાઈમાંથી વિસાવદર સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રને ૧૦૦ પથારીની સુવિધા ધરાવતી પેટા જીલ્લા હોસ્‍પીટલમાં અપગ્રેડ કરવા હોસ્‍પીટલના હયાત મકાનોનું ફનિચર-ફીકચર્સ સહિત વિસ્‍તરણ કરવા માટે રૂ.૨૫૦૦.૦૦ લાખના ખર્ચને આથી નીચેની શરતોને આધીન સરકારશ્રીની વહીવટી મંજુરી આપવામાં આવી છે.

(2:08 PM IST)