<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

જસદણ નાની લાખાવાડ ગામે વલ્લભભાઈ બાવળિયાની હત્‍યામાં પત્‍નિ સાથે પુત્રની પણ સંડોવણી ખુલી

બે દિવસ પહેલા થયેલ હત્‍યા પત્‍નિ ભાનુબેને કરી હોવાનું ખુલ્‍યું હતુ પણ પોલીસની વધુ તપાસમાં પુત્ર જયેશની પણ સામેલગીરી બહાર આવી

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા.૨: જસદણના નાની લાખાવાડ ગામે બે દિવસ પહેલા પતિના આડા સંબંધથી કંટાળેલ પત્‍નીએ રાત્રે ધારીયા અને હથોડીના ૨૦ થી ૨૫ ઘા મારી પતિને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનુ સામે આવ્‍યુ હતુ પરંતુ પોલીસની વધુ તપાસમાં પત્‍ની સાથે પુત્રની પણ સંડોવણી બહાર આવતા પોલીસે પુત્રની પણ ધરપકડ કરી છે.

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ જસદણના નાની લાખાવાડ ગામે વાડીમાં જ રહેતા વલ્લભભાઈ અરજણભાઈ બાવળીયા ઉં.વર્ષ ૪૮ ની ઘરમાં જ લોહીથી લથ બથ અને હત્‍યા કરેલ લાશ મળી આવેલ હતી.

આ બનાવની જાણ થતા જસદણ પોલીસ સ્‍ટેશનના પી.આઈ.ટી.બી. જાની તથા સ્‍ટાફ દ્વારા મરણ જનારની પત્‍ની ભાનુબેન ની ધરપકડ કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્‍યું હતું કે મળતકના શરીર ઉપર આડેધડ પડેલા ૨૦ થી ૨૫ ધા એકલી મહિલાથી શકય ન બને આથી પોલીસે આરોપી ભાનુબેનની કડક પૂછપરછ કરતા ભાનુબેને જણાવ્‍યું હતું કે રાત્રે વધારે ઝઘડો થયો હોય બાજુમાં રહેતા પુત્ર જયેશે આવે ઝઘડો કરવાની ના પાડી હતી પરંતુ મારા પતિ પુત્ર સાથે પણ બોલાચાલી કરી ઝઘડો કરવા લાગ્‍યા હતા.

બાદમાં જયેશે પિતા વલ્લભભાઈને પકડી રાખ્‍યા હતા અને ભાનુબેને રૂમમાં પડેલ ધારીયા અને હથોડી વડે પતિ વલ્લભભાઈના માથાના ભાગે અને શરીરમાં આડેધડ ઘા મારી વલ્લભભાઈની હત્‍યા કરી નાખી હતી.

આ બનાવે જસદણ પંથકમાં ભારે ચર્ચા જગાવી છે હાલ તો અન્‍ય મહિલા સાથે આડા સંબંધની શંકામાં એક પત્‍નીએ પોતાનો પતિ અને એક પુત્રને પિતા ગુમાવવાનો અને જેલમાં જવાનો વારો આવ્‍યો છે.

 જસદણ પોલીસે નવા કાયદા મુજબ બી.એન.એસ. ૨૦૨૩ ની કલમ ૧૦૩ (૧) ૫૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી માતા અને પુત્રની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(4:03 PM IST)