<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

કચ્છમાં બુટલેગર સાથે ઝડપાયેલ સીઆઈડી ક્રાઈમની વિવાદિત લેડી કોન્સ્ટે. નીતા ચૌધરી અંતે સસ્પેન્ડ

બન્ને આરોપી જેલ હવાલે : બનાસકાંઠાના મોટા ગજાના રાજકારણી સાથે ઘનિષ્ઠ સંપર્ક : પોલીસ કોન્સ્ટેબલની નોકરી છતાંયે મોડેલ જેવી હાઈફાઈ લાઈફ સ્ટાઈલ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩ :  સમગ્ર  ગુજરાત રાજ્યના પોલીસ બેડા સહિત સમાચાર માધ્યમોમાં ચર્ચાનું કેન્દ્ર બનેલ કચ્છમાં ફરજ બજાવતી સીઆઈડી ક્રાઈમની મહિલા કોન્સ્ટેબલ તેમ જ વોન્ટેડ કુખ્યાત બુટલેગરના ઘનિષ્ઠ સબંધો ના કેસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. 

       સામખિયાળી ભચાઉ હાઈ વે ઉપર ચોપડવા ગામ પાસે કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને તેની સાથે ઝડપાયેલ ગાંધીધામ સીઆઈડી ક્રાઈમની લેડી કોન્સ્ટેબલ નીતા વશરામ ચૌધરી દ્વારા પોલીસ ટીમ ઉપર થાર જીપ ફેરવી કચડી નાખવાના પ્રયાસે ચકચાર સર્જી છે. બીયર અને દારૂના જથ્થા સાથે ઝડપાયેલ એક વોન્ટેડ ગુનેગાર તેમ જ પોલીસ કર્મી મહિલા પોતાના જ સાથી પોલીસ કર્મીઓ ઉપર જીપ ફેરવી કચડી નાખવાનો પ્રયાસ કરે એ ગુજરાત પોલીસ માટે પણ કાળી ટીલી સમાન ઘટના છે. પોલીસે આ પરિસ્થિતિ માં જીવ બચાવવા ગોળીબાર કરવો પડ્યો હતો. 

          જોકે, શરૂઆતમાં પૂર્વ કચ્છ પોલીસે મીડિયા સમક્ષ આ બનાવ અંગે અંતર રાખી બન્ને આરોપીઓની ધરપકડ અને તેના સમય અંગે અમુક માહિતી આપી, અમુક છુપાવી અને લેડી પોલીસ કોન્સ્ટેબલ ની સંડોવણી અંગે અપૂરતી પ્રેસ નોટ આપી. પરંતુ, લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી ને જાણે કોઇની પરવા ન હોય એવા વર્તન પછી પોલીસનું વલણ બદલાયું. 

         આ દરમ્યાન થતી ચર્ચા અનુસાર મોડેલ જેવી હાઈફાઈ સ્ટાઈલ સાથે સોશ્યલ મીડિયામાં લાઈવ રહેતી કોન્સ્ટેબલ નીતા ચૌધરીનો ઉત્તરગુજરાતના એક ટોચના રાજકારણી સાથેના ઘનિષ્ઠ સબંધ હોવાનું મનાય છે. એટલે જ એનું પોસ્ટિંગ ગાંધીધામ જેવા ક્રીમ ગણાતા પૂર્વ કચ્છ જિલ્લામાં હતું. તેમ જ પોલીસ કર્મીઓને રીલ બનાવવા માટે ના નિયમોને આંટી ને એ હાઈફાઈ લાઈફ સ્ટાઈલ સાથેના રીલ બિન્દાસ્ત રીતે સોશ્યલ મીડિયામાં અપલોડ કરતી હતી.      

             દરમ્યાન ગઇકાલે બુટલેગર યુવરાજસિંહ જાડેજા તેમ જ નીતા ચૌધરી બન્ને ને જેલ હવાલે કરાયા છે. પત્રકાર પરિષદ દરમ્યાન નીતા ચૌધરીના સસ્પેન્શન અંગેના મીડિયાના સવાલોમાં પૂર્વ કચ્છ પોલીસ અને સીઆઈડી ક્રાઈમ વચ્ચે ચાલતી ખોખો ના અંતે ગઇકાલે પૂર્વ કચ્છ એસપી એ નીતા ચૌધરીને સસ્પેન્ડ કરી છે.

             જોકે, હજી બુટલેગર અને તેની વચ્ચે નો સબંધ, દારૂ તેમ જ બીયર સાથે તેઓ બન્ને થાર જીપમાં ક્યાં જઈ રહ્યા હતા. આ સફેદ થાર જીપ નીતા ચૌધરીની માલિકીની હોવાની ચર્ચા વચ્ચે તે ગાંધીધામના એક પત્રકારના નામે નોંધાયેલી છે. એ વિશે પોલીસ તપાસ નો અહેવાલ બાકી છે.

 

(10:50 AM IST)