News of Wednesday, 3rd July 2024
હળવદના મયુરનગર - રાયસંગપર વચ્ચે બેઠો પુલ તૂટી પડયો : ગામ સંપર્ક વિહોણુ
મોટી દુર્ઘટના ટળી ! વિદ્યાર્થીઓ પસાર થતા હતા ત્યારે જ ઇસનપુરમાં વોકળો આવી જતાં વિદ્યાર્થીઓ રઝડયા

(દિપક જાની દ્વારા) હળવદ તા. ૩ : સતત બે દિવસથી વરસી રહેલા વરસાદ વચ્ચે આજે હળવદ - રાયસંગપર અને મયુરનગર ગામને જોડતા બેઠા પુલ ઉપરથી ગઈકાલે વિદ્યાર્થીઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે જ પુલ તૂટી પડતા મોટી દુર્ઘટના ટળી હતી. સાથે જ પુલ તૂટવાથી મયુરનગર સહિતના ગામોનો સંપર્ક તૂટયા જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. બીજી તરફ ઇસનપુરમાં પણ ભારે વરસાદથી વોકળો આવી જતા બાળકો શાળાએ જઈ શકયા ન હતા.
અનરાધાર વરસાદની સાથે હળવદ પંથકમાં પણ વરસાદ તૂટી પડતા ગઈકાલે બ્રાહ્મણી નદીમાં પુર આવતા મયુરનગર અને રાયસંગપર ગામ વચ્ચે આવેલો બેઠો પુલ છે . વિદ્યાર્થીઓ પુલ ઉપરથી પસાર થતા હતા ત્યારે જ પુલ તૂટી પડતા મોટી દુર્ઘટના સહેજમાં અટકી હતી. હાલમાં મયુરનગર ગામના લોકો સંપર્ક વિહોણા બન્યા છે.બીજી તરફ મયુરનગર હળવદ વચ્ચે તૂટેલો આ પુલ ત્રણ વર્ષ પહેલા જ નિર્માણ થયો છે ત્યાંજ તૂટી જતા પુલમાં નબળું કામ થયું હોવાનું લોકો જણાવી રહ્યા છે. સાથે જ ચોમાસામાં આ સ્થિતિ દરવર્ષે નિર્માણ થતી હોય લોકો અહીં મોટો પુલ બનાવવા માંગ કરી રહ્યા છે. આ દુર્ઘટના ઘટી ત્યારે વિદ્યાર્થીઓ મયુરનગર શાળાએ જતા હતા ત્યારે જ પુલ તૂટતા અડધા વિદ્યાર્થીઓ એક તરફ અને અડધા વિદ્યાર્થીઓ બીજી તરફ રહી ગયા હતા.
રાયસંગપર - મયુરનગર વચ્ચેનો પુલ તૂટતા રાયસંગપર ગામના અનેક વિદ્યાર્થીઓ મયુરનગર શાળાએ પહોંચી શકયા ન હતા. એ જ રીતે હળવદના ઇસનપુર ગામે પણ ભારે વરસાદ બાદ વોકળામા પુર આવતા ઇસનપરના બાળકો પણ શાળાએ જઈ શકયા ન હોવાના અહેવાલો મળી રહ્યા છે
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
