<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

ગોંડલના દેરડી (કુંભાજી)માં પૂ.સ્‍વામી શ્રી નિર્દોષાનંદ સરસ્‍વતીજી મહારાજની મૂર્તિનો પ્રાણ -પ્રતિષ્‍ઠા મહોત્‍સવ

રાજકોટઃ ગોંડલ તાલુકાના દેરડી(કુંભાજી)મા પૂ. સ્‍વામી શ્રી નિર્દોષાનંદ સરસ્‍વતીજી મહારાજની મૂર્તિનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્‍સવ તેમજ રક્‍તદાન કેમ્‍પ, વિનામૂલ્‍યે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા આયુર્વેદ કેમ્‍પ ભવ્‍યતાથી સમ્‍પન્ન થયા હતા.  મૂર્તિનો ૧૦૮ દ્રવ્‍યોથી અભિષેક થયા બાદ મૂર્તિની ભવ્‍યાતિભવ્‍ય શોભાયાત્રા નીકળી હતી. દેરડી ગામની મુખ્‍ય બજારોમાં લગભગ દોઢેક કિલોમીટર લાંબી કતારોમાં હજારોની સંખ્‍યામાં ભાવિક ભક્‍તોએ જોડાઈને ધૂન -સંકીર્તન સાથે નગરયાત્રાનો લાભ લીધો હતો. રવિવારે સધર્મસભાનું આયોજન કરવામાં આવ્‍યુ હતું, જેમાં પૂજય સ્‍વામીજીનાં સદ્દશિષ્‍ય પૂ.સ્‍વામી શ્રી ભોલાનંદ સરસવતીજી મહારાજ અને પૂ. સ્‍વામી શ્રી સદાનંદ સરસ્‍વતીજી મહારાજે પ્રભાવશાળી પ્રવચનો કર્યા હતા. આ પ્રસંગે  સાંસદ પરષોતમભાઈ રૂપાલા ગીર ગૌક્રાંતિ અને જળક્રાંતિનાં પ્રખર ઉદ્ધોષક મનસુખભાઈ સુવાગીયાએ  માર્મિક વાતો કરી હતી. તેમજ અન્‍ય વક્‍તાઓએ પ્રાસંગિક વક્‍તવ્‍યો આપ્‍યા હતા અને આ મહોત્‍સવનાં સહયોગી દાતાશ્રીઓનાં સન્‍માનો થયા હતાં. આ પ્રસંગે ૬૫૦૦ જેટલી ધર્મપ્રેમી જનતા- ભાઈઓ - બહેનોએ ગુરુદેવનાં મહા ભોજન-પ્રસાદનો લાભ લીધો હતો. રક્‍તદાન કેમ્‍પમાં ૨૪૮ રક્‍તદાતાઓએ રક્‍તદાન કરી પૂજ્‍ય સ્‍વામીજી પ્રત્‍યેની તેમની ભાવના અને માનવતાનું જવલંત ઉદાહરણ પૂરું પાડયું હતું. આ પ્રસંગે આયોજિત વિનામૂલ્‍યે નેત્ર નિદાન કેમ્‍પમાં શ્રી રણછોડદાસબાપુ ચેરીટેબલ હોસ્‍પિટલ -રાજકોટનાં અનુભવી અને નિષ્‍ણાંત ડોક્‍ટરશ્રીઓએ ઉપસ્‍થિત રહી ૨૦૦ દર્દીઓનું નિદાન અને સારવાર કરી આપ્‍યા હતા અને મોતીયાનાં ઓપરેશનને લાયક ૨૦ દર્દીઓને તદ્દન વિનામૂલ્‍યે સારામાં સારા સોફ્‌ટ ફોલ્‍ડેબલ લેન્‍સ (નેત્રમણિ) સાથેનું ઓપરેશન કરવા માટે દર્દીઓને રાજકોટ મુકામે તેમની હોસ્‍પિટલે લઇ જવામાં આવ્‍યા હતાં. અગ્નિકર્મ તથા આયુર્વેદ કેમ્‍પમાં ૮૩ દર્દીઓની તદ્દન વિનામૂલ્‍યે સારવાર કરવામાં આવી હતી અને પંચકર્મ આયુર્વેદ કેમ્‍પમાં ૧૪૬ દર્દીઓની સારવાર કરી દવાઓ પણ વિનામૂલ્‍યે આપવામાં આવી હતી. ૧૫૦થી વધુ બાળકોને સુવર્ણપ્રાશન (ટીપાં) પીવડાવવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે દેરડી ગામનાં વિવિધ સેવામંડળો તથા સ્‍વયંસેવકોની સેવા બદલ સ્‍વામી શ્રી નિર્દોષાનંદજી સંત્‍સગ મંડળ - દેરડી(કુંભાજી)એ સૌનો આભાર માનેલ છે.

(11:55 AM IST)