News of Wednesday, 3rd July 2024
ગાદોઈ ટોલ નાકા કેસમાં ફરાર કોડીનારના પીઆઇ ભોજાણી સસ્પેન્ડ
ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાની કાર્યવાહી, આરોપીઓને સઘન પોલીસ તપાસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૩ : ગાદોઈ ટોલ નાકા કેસમાં ફરાર કોડીનારના પીઆઇ ભોજાણીને સસ્પેન્ડ કરી ભોજાણી ની જગ્યાએ પીઆઇ એન. આર. પટેલને મૂકવામાં આવ્યા છે.
ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગાદોઈ ટોલનાકા કેસમાં કોડીનારના પોલીસ સ્ટેશનનાં પી.આઈ એ. આર. ભોજાણી સામે વંથલી પોલીસ મથકમાં ફરિયાદ થઇ હોય સાથે તેઓને સસ્પેન્ડ કરી તેમની જગ્યાએ એન. આર. પટેલને મૂકવામાં આવ્યા છે.
એસપી મનોહરસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, કોડીનારના સસ્પેન્ડેડ પી આઇ ભોજાણી શુક્રવારથી બે દિવસ રજા પર હતા. બનાવના સમયે તેઓ ફરજ પર ન હતા.
દરમિયાન ભોજાણી સહિત આરોપીઓ 48 કલાક બાદ પણ પોલીસ પકડથી દૂર રહેતા તમામને પકડવા પોલીસે તપાસને સઘન કરી છે.
વંથલી નજીક આવેલા ગાદોઈ ટોલ નાકા ઉપર રવિવારે કોડીનારના પીઆઈ એ. આર. ભોજાણીને ટોલનાકાના કર્મચારી ભાવેશ ટાટમીયા સાથે આઇ કાર્ડ મુદે માથાકૂટ થઇ હતી બાદમાં પીઆઇ ભોજાણીએ રિવોલ્વર બતાવી અન્ય 20 થી 22 જેટલા શખ્સોએ ભાવેશ ટાટમીયા અને સુપરવાઇઝર રાજેશ અરજણભાઈ છૈયા પર હુમલો કરી ઇજાઓ પહોંચાડતા વંથલી પોલીસ મથકમાં હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાતાં એલસીબી અને એસઓજી વગેરેએ તપાસ હાથ ધરી હતી.
તપાસનીશ કેશોદનાં વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક બી. સી. ઠકકરે પીઆઈ ભોજાણી સહિત આરોપીઓની શોધખોળ માટે કોડીનાર, સોમનાથ વગેરે સ્થળે તપાસ હાથ ધરી હતી. પરંતુ કોઈ મળી આવ્યું ન હતું. આમ 48 કલાક બાદ પણ આરોપીઓની ભાળ નહીં મળતા પોલીસ તપાસ વધુ સઘન કરવામાં આવી છે.
(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
