<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

બોટાદના સરવા ગામમા ‘રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સાર્વજનિક પુસ્તકાલય’ની સ્થાપના

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી તથા સરવા ગામના મૂળ વતની ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડની પ્રેરણા-પરિકલ્પનાથી બોટાદ જિલ્લામાં આ સૌ પ્રથમ વિશિષ્ટ પુસ્તકાલયની ભેટ

રાજકોટ તા.૪ :બોટાદ જિલ્લાના સરવા ગામ સ્થિત ગ્રામ પંચાયતની કચેરી ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સાર્વજનિક પુસ્તકાલયની સ્થાપના થઈ. ઝવેરચંદ મેઘાણીની કર્મ-નિર્વાણભૂમિ બોટાદ જિલ્લો હોવાથી આનું સવિશેષ મહત્ત્વ છે.

 

નવી પેઢી આપણી ગૌરવવંતી સંસ્કૃતિ-સાહિત્યની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ રાષ્ટ્ર-ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન થાય તે આશયથી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી તથા સરવા ગામના મૂળ વતની ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડની પ્રેરણા-પરિકલ્પનાથી બોટાદ જિલ્લામાં આ સહુપ્રથમ વિશિષ્ટ પુસ્તકાલયની સ્થાપના થઈ છે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની ગ્રંથાલય નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા માન્યતા-પ્રાપ્ત, અનુદાનિત તથા સરવા ગ્રામ પંચાયત દ્વારા સંચાલિત છે. વીટુ ટેક વેન્ચર્સ પ્રા. લિ. - વિજયભાઈ શાહ, જયવંતભાઈ દેસાઈ (વાશી, નવી મુંબઈ)ના સી.એસ.આર. ફંડનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે.

 

બોટાદ જિલ્લાના યુવા, સંનિષ્ઠ, સંસ્કૃતિ-સાહિત્ય-પ્રેમી જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનીયા (આઈએએસ), પિનાકી મેઘાણી, અભેસિંહ રાઠોડ, મદદનીશ ગ્રંથાલય નિયામક (રાજકોટ-ભાવનગર વિભાગ) લલિતભાઈ મોઢ, જિલ્લા પંચાયતના સભ્ય દયાબેન અણિયાળીયા, તાલુકા વિકાસ અધિકારી જયરાજસિંહ ગોહિલ, સરપંચ જેરામભાઈ નાકિયા, તલાટી-મંત્રી શાંતિભાઈ ડેરવાળીયા, સભ્યો હેમુભાઈ મેર અને મુકેશભાઈ અણિયાળીયા, અગ્રણી નરસિંહભાઈ અણિયાળીયા, શિક્ષણ જગતમાંથી શિક્ષણવિદ અરવિંદભાઈ ધરજીયા (ગીતાંજલિ‌ ગ્રુપ), કીર્તિબેન પટેલ, મનુભાઈ ચાવડા, વિનુભાઈ પરમાર, હસમુખભાઈ શિલુ, વિક્રમસિંહ ચાવડા, કિરીટસિંહ ચૌહાણ, સુરેશભાઈ સાધુ, હિતેશભાઈ રામાણી, મનસુખભાઈ ઓજાણી, રવિભાઈ વાઘેલા, શિતલબેન પટેલ અને  ધર્મિષ્ઠાબેન ખંભાળીયા, મિહિરસિંહ રાઠોડ, ઉમેદસિંહ ગોહિલ, રમેશભાઈ અને દર્શન બદ્રેશિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. 

 

ગુજરાતી ભાષા-સાહિત્યના કવિતા, નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઈતિહાસ, પ્રવાસ-વર્ણન, ચિંતન, લોકસાહિત્ય જેવાં વિવિધસભર વિષયોનાં 1500 જેટલાં પ્રેરણાદાયી પુસ્તકોનું સુયોગ્ય ચયન કરીને અહીં મૂકાયાં છે. મેઘાણી-સાહિત્ય કોર્નર, ગુજરાતી ભાષા-સાહિત્યના લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારોની ઉત્તમ કૃતિઓ તેમજ નવયુવાનો માટે સ્પર્ધાત્મક પુસ્તકોની વિશાળ શ્રેણી આ પુસ્તકાલયની વિશેષતા છે. સ્પર્ધાત્મક પુસ્તકો વેબ સંકુલ (ગાંધીનગર) - વિકાસ પટેલ, અભિજિત ગઢવી, ગિરવાન રાઠોડ તથા શિક્ષક વિનુભાઈ પરમાર દ્વારા ભેટરૂપે પ્રાપ્ત થયા છે.

--

આલેખન : પિનાકી નાનકભાઈ મેઘાણી * ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન (મો.  9825021279 )

(9:43 AM IST)