<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

જુનાગઢના પૂર્વ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાની શ્રેષ્ઠ કામગીરીને આજે પણ લોકો ભૂલ્યા નથી : ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી એસોસિએશન દ્વારા શૌર્ય રૂપી તલવાર-સન્માન પત્રો આપીને સન્માન

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૬ : વહીવટી તંત્રમાં ઘણા અધિકારીઓ એવું કામ કરી જાય છે અને એવી છાપ છોડી જાય છે, કે લોકો વર્ષો સુધી એમની કામગીરી અને સ્વભાવને યાદ કરતા હોય છે.

જૂનાગઢ માં એવા જ એક અધિકારી હતા ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા.જેઓની પ્રજા લક્ષી કામગીરી આજે પણ લોકો યાદ કરે છે.તેઓ દ્વારા નાનામાં નાના માણસને પ્રતિભાવ આપી, અસંખ્ય પ્રશ્નો ઉકેલી, સામજિક કાર્યો કરવામાં આવ્યા હતા. 

      ભાડુઆત મકાન માલિકનો પ્રશ્ન હોય, વ્યાજખોરોનો ભોગ બનેલા લોકોનો પ્રશ્ન હોય, માથાભારે ઈસમો દ્વારા ગરીબ લોકોને રંજાડવાનો પ્રશ્ન હોય કે પછી લગ્નજીવનના પતિ પત્નીના પ્રશ્ન હોય, દરેક પ્રશ્નનો તેઓએ પોતાની આગવી સૂઝ બુઝથી ઉકેલ લાવવામાં આવેલ હતા. કાયદો વ્યવસ્થાની બાબત હોય, કોઈપણ જ્ઞાતિના આગેવાનો સાથે, રાજકીય નેતાઓ સાથે, ધાર્મિક સાધુ સંતો સાથે સંકલન કરીને તેમજ પ્રેસ અને મીડિયાના મિત્રો સાથે સંકલન કરીને પ્રશ્નનું નિરાકરણ લાવવાની તેમની આવડત ને આજે પણ લોકો યાદ કરે છે... પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ખરા અર્થમાં ચરિતાર્થ  કરી, પોલીસ ખાતામાં એક અલગ ચીલો ચીતરી ગયા છે.

     તાજેતરમાં તેઓની કોર્ટ મુદતે આવતા જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અલગ અલગ વેપારી એશોશિયેશનના હોદ્દેદારો  સંજયભાઈ પુરોહિત,  રાજુભાઇ જોબનપુત્રા, અમૃતભાઈ દેસાઈ,  ભુપેન્દ્રભાઈ તન્ના, સહિતના આગેવાનો તથા વેપારીઓ દ્વારા તેઓની બદલી થઈ ગયા બાદ આશરે બે વર્ષ બાદ પણ તેઓની કામગીરીને બિરદાવી, શોર્ય રૂપી તલવાર તથા અલગ અલગ સન્માન પત્રો આપીને સન્માન કરવામાં આવ્યું હતું.આ બાબત જ તેઓની જૂનાગઢ વાસના દિલમાં લાગણી અને લોકપ્રિયતા દર્શાવે છે.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

(9:32 AM IST)