<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

તૂટતાં નવા રસ્તાઓ અને બ્રિજ વચ્ચે કચ્છમાં નેશનલ હાઈવેના નવા કામની તપાસ કરવા માંગ

કોંગ્રેસના પ્રદેશ મંત્રીએ રેતીના બદલે સીલીકાના ઉપયોગ, માટીકામ અને સિમેન્ટની ગુણવત્તા સામે ઉઠાવ્યા સવાલો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૬ :  કેન્દ્ર અને રાજ્ય સરકાર બન્ને અત્યારે જાહેર બાંધકામમાં થઈ રહેલ ફરિયાદોના કારણે ચર્ચામાં છે. અયોધ્યા હોય કે રાજકોટનું એરપોર્ટ, નર્મદા કેનાલ, મેટ્રો સીટી અમદાવાદના રસ્તા હોય કે એકસપ્રેસ હાઈવે કરોડો રૂપિયા ખર્ચાયા બાદ પણ આ નવા બાંધકામો તૂટી જવાના કારણે સરકારની પ્રતિષ્ઠા સામે સંકટ ખડું થઈ રહ્યું છે. આ લોલમલોલ અને ગોબાચારી વચ્ચે કચ્છમાં પણ નવા બની રહેલા ભીમાસર-ભુજ નેશનલ હાઈવે નં. ૩૪૧ ફોરલેનની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. કોંગ્રેસના પ્રદેશ મંત્રી વી.કે. હુંબલે આ અંગે કરેલી રજૂઆત અનુસાર હાઈવે ના. ૩૪૧ નું કામ ચાલુમાં છે જેમાં ઓવરબ્રીજ તેમજ અન્ય બ્રીજોના કામો ચાલુમાં છે જેમાં સિમેન્ટ કોન્ક્રીટનો પ્લાન્ટ બે થી ત્રણ જગ્યાએ આવેલ છે જેમાં સિમેન્ટ કોન્ક્રીટમાં સેન્ડનો ઉપયોગ કરવાનો થાય છે પણ જેમાં હાલે સેન્ડના બદલે વાઈટ સિલિકા નો ઉપયોગ કરવામાં આવે છે જેનું ટેસ્ટીંગ થયેલ છે કે કેમ અને સિલિકા નો ઉપયોગ સરકાર માન્ય થાય છે કે કેમ જેની તપાસ થવા માંગણી છે. કારણ કે હેવી બ્રીજ બનતા હોય જેમાં સિમેન્ટ કોન્ક્રીટનો ખુબ જ મહત્વ હોય છે અને જે કામમાં સેન્ડના બદલામાં સીલીકાનો ઉપયોગ થાય તે યોગ્ય છે કે કેમ જેની તપાસ થવી ખુબ જરૂરી છે અને ભવિષ્યમાં તમામ બ્રીજો નબળા પડવાની શક્યતા છે. જેથી હાલે આ રોડનું કામ કરતી એજન્સીને સિલિકા વાપરવાની મંજુરી અપાયેલ છે કે કેમ, સીલીકાનું ટેસ્ટીંગ કઈ લેબમાં કરવામાં આવેલ છે જેની માહિતી અમને પૂરી પાડવા વિનંતી નહિતર ભવિષ્યમાં કોઈ પણ ઘટના બનશે તો તેની જવાબદારી કામ કરનાર કંપની સાથે આપની પણ રહેશે જેની નોંધ લેવા વિનંતી છે. આ રોડ ના કામમાં માટીકામ પણ યોગ્ય રીતે થતું નથી. હલકી ગુણવતાની માટીનો ઉપયોગ કરવામાં આવે છે અને યોગ્ય લેયર પ્રમાણે રોલિંગ વોટરીંગ કરવામાં આવતું નથી. જેથી ભવિષ્યમાં આ રોડ બેસી જવાની પણ શક્યતા છે. ઘણી જગ્યાએ એક-એક મીટરનો માટીનો લેયર કરવામાં આવે છે જેથી પ્રોપર રોલિંગ વોટરીંગ થતું નથી જેની પણ તપાસ કરવામાં આવે તેવી માંગણી છે. 

 

આ રસ્તાની અંદર ઘણી જગ્યાએ પાક્કા ડાયવર્ઝનના બદલે તકલાદી કામ કરવાના કારણે મોટામોટા ખાડાઓ પડી ગયેલા છે અને વાહનચાલકો હાલાકી ભોગવી રહેલ છે જેથી વેલસ્પન અને અજાપર બ્રીજની બાજુમાં યોગ્ય ડાયવર્ઝન બનાવવામાં આવે. અત્યારે લોકો ખુબ હાલાકી ભોગવી રહેલ છે. 

 

સિલિકા નો ઉપયોગ કરવામાં આવી રહેલ છે જે સરકાર માન્ય છે કે કેમ ? જેનું ટેસ્ટીંગ થયેલ છે કે કેમ ? ટેસ્ટીંગ નો રીપોર્ટ અમને આપવા આપને વિનંતી છે.

(9:35 AM IST)