<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

પરબધામમાં પૂ.કરશનદાસબાપુના સાનિધ્‍યમાં અષાઢી બીજ મહોત્‍સવનો પ્રારંભ

ભવ્‍ય લોકમેળામાં લોકો ઉમટયા કાલે વિધીવત મેળો ખુલ્લો મુકાયેલ પૂર્વે ભાવિકોનું આગમનઃ એસપી હર્ષદ મહેતાએ સ્‍થળની મુલાકાત લઇ ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવ્‍યોઃ ૨ ડીવાયએસપી ૨ પીઆઇ, ૧૪ ફોજદારો, ૫૫૦ થી વધુ પોલીસ જીઆરડી હોમગાર્ડ અને એસઆરપી તૈનાત

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૬: ભેસાણ નજીક આવેલ સુપ્રસિધ્‍ધ પરબધામની જગ્‍યા ખાતે અષાઢી બીજ મહોત્‍સવનો પૂ.કરશનદાસ બાપુના સાનિધ્‍યમાં પ્રારંભ થયો છે.

જેમાં લોકમેળાનો આવતીકાલે સવારે ૭:૩૦ કલાકે ધ્‍વજાપૂજન બાદ પૂ.કરશનદાસ બાપુના હસ્‍તે ખુલ્લો મુકવામાં આવે છે પણ ભાવિકો સ્‍વયંભૂ એક દિવસ અગાઉ મેળામાં ઉમટી પડતા  માનવ મેદની બહોળી સંખ્‍યામાં ઉમટી પડી છે.

પ્રાચીન આ જગ્‍યા પરબધામમાં અંદાજે ૩૬૫ વર્ષ પૂર્વે અષાઢીબીજના પવિત્ર દિવસે સેવાની જયોત જગાવી અને રકતપીતના દર્દીઓની સેવા કરનારા સંત દેવીદાસ બાપુ અને માં અમરમાં એ સમાધી લીધી હતી.

ત્‍યારથી પરબધામ ખાતે અષાઢીબીજ મહોત્‍સવ ઉજવવામાં આવે છે. તા. ૬ને શનિવારે પરબધામ ખાતે વિષ્‍ણુયાગ યર્જન્‍ય યજ્ઞના પ્રારંભ થશે. અને તા. ૭ને રવિવાર અષાઢી બીજના દિવસે સવારે પૂ.કરશનદાસ  બાપુના હસ્‍તે નિશાન પૂજન ધ્‍વજારોહણ કરાશે તેમજ સોમયજ્ઞનું આયોજન પણ કરાયુ છે.અષાઢી બીજાના આ મહોત્‍સવાં બે દિવસ દરમ્‍યાન દેશવિદેશથી અસંખ્‍ય શ્રધ્‍ધાળુઓ ઉમટે છે. ત્‍યારે આંબાવાડીમાં ભોજનપ્રસાદ માટે અલાયદી વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવી છે.

એ સમયમાં પરબમાં ગામે ગામ જઇ દેવીદાસબાપુ અને અમરમાં ગરીબ અને દીનદુખિયાઓને ભોજન કરાવતા આ પરંપરા આજે પણ પરબધામમાં પૂ.કરશનદાસબાપુએ અવિરત ચાલુ રાખી આજે પણ શ્રધ્‍ધાળુઓને બંને ટામઇ ભોજન પ્રસાદ પિરસવામાં આવી રહ્યો છે.

આ અષાઢી બીજ મહોત્‍સવદરમ્‍યાન ભજન ભોજન અને લોકમેળામાં મોટી સંખ્‍યામાં શ્રધ્‍ધાળુઓ દર્શન ભોજન અને મેળામાં આવનાર હોય ત્‍યારે શ્રધ્‍ધાળુઓને કોઇપણ પ્રકારની મુશ્‍કેલી ન પડે તે માટે તૈયારીઓનુ પુ. કરશનદાસ બાપુની દેખરેખ હેઠળ વ્‍યવસ્‍થાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

ઉપરાંત કાયદો અને વ્‍યવસ્‍થા જળવાય રહે તે માટે જૂનાગઢમાં એસપી હર્ષદ મહેતાની સુચના અને ડીવાયએસપી હિતેષ મહેતાની સુચના અને ડીવાયએસપી હિતેષ ધાંધલ્‍યાના માર્ગદર્શન હેઠળ ભેસાણના પીએસઆઇ એમ.એન. કાતરીયા સહિતના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ બંદોબસ્‍ત જાળવશે.

પરબધામ ખાતે યોજાનાર આ મહોત્‍સવ સ્‍થળની એસપી હર્ષદ મહેતાએ મુલાકાત લઇ ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે. જેમાં જૂનાગઢના ડીવાયએસપી હિતેષ ધાંધલ્‍યા સહિત બે ડીવાયએસપી ૨ પીઆઇ, ૧૪ પીએસઆઇ ૨૦૦  પોલીસ કર્મી ૨૦૦ જીઆરડી ૧૫૦ હોમગાર્ડ અને ૭૦ એસઆરપી અને ભેસાણના પીએસઆઇ એમ.એન કાતરીયા સહિતના ખડેપગે વ્‍યવસ્‍થા જાળવી રહ્યા છે. અને એસપી હર્ષદ મહેતાએ બંદોબસ્‍તમાં આવેલ પોલીસ સ્‍ટાફને લોકો સાથે સંયમ પૂર્વક વ્‍યવહાર કરી માનવતા સાથે કાયદાનું ચુસ્‍ત પાલન કરવા જરૂરી સુચના આપી હતી. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(10:08 AM IST)