તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 6th July 2024
મોરબીઃ માળિયા તાલુકામાં વળતર મુદ્દે ખાનગી કંપનીની વીજ લાઇનનું કામ અટકાવતા ખેડૂતો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૬: માળિયા તાલુકામાં ખાનગી વીજ લાઈનના વળતર મુદ્દે ખેડૂતોએ મોરચો માંડ્યો છે. જેમાં ખેડૂતોએ યોગ્ય વળતરની માંગ સાથે વીજ લાઈનનું કામ અટકાવી દીધું છે. સાથે કંપની સમક્ષ સ્પષ્ટ વાત મૂકી છે કે યોગ્ય વળતર મેળવીશું અથવા તો જેલમાં જશું.
જિલ્લા પંચાયતના સદસ્ય મહેશભાઈ પારેજીયાએ જણાવ્યું કે ખાખરેચી, વેજલપર, વરડુસર, મણાબા, ચીખલી, કાજરડા, જુના ઘાટીલા, ધૂળકોટ સહિતના ગામોના ૧૫૦ જેટલા ખેડૂતોની જમીન ઉપરથી પાવર ગ્રીડ કંપનીની ૭૬૫ કેવીની હેવી લાઈન નીકળી રહી છે. પાવર ગ્રીડ કંપની દ્વારા ઓછું વળતર આપી શોષણ કરવામાં આવી રહ્યું છે. વર્ષ ૨૦૨૧માં સ્ટારલાઈટ કંપની દ્વારા ૧૨૪૩ રૂ. પ્રતિ ચો.મી. લેખે વળતર ચૂકવ્યું હતું. પણ આ કંપની અત્યારે રૂ.૧૦૦ પ્રતિ ચો.મી. વળતર ચૂકવવાનું કહે છે.
અગાઉ આ મામલે ઉર્જામંત્રી, સીએમ અને કલેકટરને રજુઆત કરવામાં આવી હતી. કંપની પણ ખોટા પ્રલોભનો આપી રહી છે. પણ ખેડૂતો પોતાની યોગ્ય વળતરની માંગ સાથે અડગ છે. આજે ખાખરેચી ખાતે આ વીજ લાઈનના કામને અટકાવી દેવામાં આવ્યું છે. આવતીકાલે અહીં ૫૦૦ ખેડૂતો એકત્ર થવાના છે. કંપની યોગ્ય વળતર આપે નહિ ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે. તંત્ર જેલમાં નાખી દયે તો પણ અમે પીછેહટ નહિ કરીએ.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
