તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 6th July 2024
કાલે સૌરાષ્ટ્રમાં અષાઢી બીજ ઉજવાશેઃ કચ્છમાં નવા વર્ષના વધામણા
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાશેઃ કચ્છી માડુઓ એક બીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવશે

રાજકોટ તા. ૬: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કાલે અષાઢી બીજ પર્વની ધામધુમથી ઉજવણી કરાશે કાલે જગન્નાથજી ભગવાનની ભવ્ય રથયાત્રા નીકળશે. જયારે કચ્છમાં અષાઢી બીજ એટલે કચ્છીમાડુઓનું નવું વર્ષ. કચ્છમાં નવા વર્ષના વધામણા કરાશે.
ધોરાજી
(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજીઃ સમસ્ત હિન્દૂ અને સનાતની સમાજનો મહા ઉત્સવ ગણાતો અષાઢી બીજ પર્વ ઠેર ઠેર ઉજવાશે ધોરાજીના તોરણીયા નકલંગ ધામ ખાતે ભવ્ય રીતે અષાઢી બીજ મહોત્સવ જોવાશે તેમજ ધોરાજીના અવેડા ચોક ખાતે આવેલ રત્ના બાપાની જગ્યા ખાતે અષાઢી બીજ મહોત્સવ ઉજવાશે તેમજ ધોરાજીમાં ભકતશ્રી તેજા બાપાની જગ્યા ખાતે નેજા ઉત્સવ, ભોજન સંતવાણી અને વિશેષ પૂજનવિધિના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
તેમજ ધોરાજીના સોનાપુરી પાસે આવેલ નાનકશાની જગ્યા ખાતે મહંત ભીખુદાસ બાપુની નિશ્રામાં અષાઢી બીજ તા. ૭-૭-ર૪ના સવારે રામદેવજી મંદિર ખાતે નેજા ઉત્સવ, બપોરે મહાપ્રસાદ, રાત્રે સંતવાણી અને પાટ દર્શન યોજાશે.
કુંભારવાળા પાસે આવેલ પરબની જગ્યામાં ચેતન સમાધિઓનું પૂજન અને પાઠ, પ્રસાદી, ભજન સહિત કાર્યક્રમો યોજાશે. ધોરાજી તાલુકાના સુપેડી મુરલી મનોહર મંદિર ખાતે તેમજ ધોરાજીમાં વિવિધ મંદિરોમાં અષાઢી બીજની ઉજવણી કરાશે.
ફલ્લા
(મુકેશ વરીયા દ્વારા) જામનગરનાં ફલ્લા સમસ્ત બાંભવા ભરવાડ પરિવારનાં માતાજી મોમાઇ માતાજીનાં મંદિરેથી અષાઢી બીજનાં રોજ વહેલી સવારે વાજતે-ગાજતે માતાજીની શોભાયાત્રા નીકળશે જે ધ્રાંગધ્રા ગામે મચ્છો માતાજીનાં મંદિરે પહોંચીને પૂર્ણ થશે બપોરે સમસ્ત પરીવારજનોનાં મહાપ્રસાદનો કાર્યક્રમ રાખેલ છે.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
