તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Sunday, 7th July 2024
ભાવનગરમાં અષાઢી બીજના પર્વે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભારે ઉમંગ-ઉત્સાહભેર ભાવિકો જોડાયા
સાંસદ ,સંતો-મહંતોની ઉપસ્થિતિમાં જય જય જગન્નાથના જયઘોષ સાથે પ્રારંભ :માર્ગમાં ઠેર ઠેર આવકારતા આયોજન : વિશાળ આકર્ષક કમાનો, કલાત્મક હોડીંગ્ઝ લગાવાયા: રથયાત્રામાં સત્સંગ મંડળો, ઢોલ નગારા તેમજ ડીજે સિસ્ટમ સહિતના આકર્ષણો જોડાયા; ૧૭૫ થી વધુ યુવાનો- યુવતીઓએ અખાડાના દાવ રજૂ કરાયા

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : આજે ભાવનગર શહેરમાં દર વર્ષનીજેમ અષાઢી બીજના પર્વે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નો સવારે ભારે ઉમંગ ઉત્સાહ સાથે પ્રારંભ થયો હતો રાજ્યમાં બીજા ક્રમની અને દેશમાં ત્રીજા ક્રમ ગવની આ ભાવનગરની ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. પરંપરા મુજબ ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા આજે રવિવારે 8 કલાકે જય..જય...જગન્નાથ', 'નંદ ઘેર આનંદભયો, જય કનૈયા લાલકી', 'હાથી, ઘોડા, પાલખી, જય કનૈયાલાલ કી' સહિતના ગગનભેદી નારા સાથે નીકળી હતી.
વહેલી સવારે ભગવાનના નેત્રોત્સવ વિધિ કરી પાટા ખોલવામાં આવ્યા હતા. માજી સૈનિક સંગઠન દ્વારા રથને સલામી આપી રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું. ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર કેસરીયો માહોલ છવાય ગયો હતો. અને ભગવાનને આવકારવા રૂટ પર ઠેર ઠેર આયોજન કરાયા હતા. જેમા વિવિધ વેપારી મંડળ અને સંસ્થા દ્વારા માર્ગમાં વિશાળ આકર્ષક કમાનો, કલાત્મક હોડીંગ્ઝ લગાવાયા હતા.
રથયાત્રામાં સત્સંગ મંડળો, ઢોલ નગારા તેમજ ડીજે સિસ્ટમ સહિતના આકર્ષણો જોડાયા છે. રથયાત્રામાં ધાર્મિક, સામાજિક સંસ્થાઓ, ઉપરાંત વિવિધ મંડળો અને ટ્રસ્ટો દ્વારા પણ સામાજિક જાગૃતિ તથા જનજાગૃતિના ફ્લોટ રાખવામાં આવ્યા છે. રાજકોટનો ટીપીઆર ઝોનનો અગ્નિકાંડ નો ફ્લોટ તથા સોશિયલ મીડિયા નો ફલોટ તેમજ દુર્ગા વાહિનીના અખાડાઓ રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા.
17.5 કિલોમીટરના રૂટ પર ઠેર ઠેર ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું સ્વાગત વિવિધ સંસ્થાઓ મંડળો તથા રાજકીય આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતુ, રાત્રીના રથયાત્રા ભગવાનેશ્વર મંદિર ખાતે પરત ફરી હતી.રથયાત્રાને કારણે ભાવનગર ભગવા રંગમાં રંગાઈ ગયું હતું.
ગુજરાત રાજ્યની બીજા નંબરની મોટી રથયાત્રા એવી ભાવનગરની ૩૯ મી રથયાત્રાને પહિંદ વિધિ કેન્દ્ર સરકારનાં રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી તેમજ ભાવનગરનાં સાંસદ શ્રીમતી નીમુબેન બાંભણીયા અને સંતો- મહંતોની ઉપસ્થિતિમાં રથને પ્રસ્થાન કરાવાયો હતો.
“જય જય જગન્નાથ”, “હાથી, ઘોડા, પાલકી, ‘જય કનૈયા લાલ કી’” નાં ભક્તોનાં નાદ વચ્ચે ભગવાન જગન્નાથજી, ભાઇ બળદેવજી અને બહેન સુભદ્રાજી સાથે નગરની ૧૮ કિ.મી.ની પરંપરાગત નગરચર્યાએ સુભાષનગર ખાતેનાં નીજ મંદિરેથી નિકળ્યાં હતાં. શહેરનાં ભાવિક ભક્તોમાં રથયાત્રા નીકળવાનો અનોખો ઉમંગ જોવા મળ્યો હતો.
કેન્દ્રીયમંત્રી અને શ્રીમતી નીમુબેન બાંભણીયા એ જણાવ્યું હતું કે, ભગવાન પોતે નગરજનોનાં ક્ષેમકુશળ પૂછવાં સામેથી લોકો વચ્ચે જાય છે. ભગવાન જગન્નાથની રથયાત્રા રંગેચંગે નીકળી રહી છે ત્યારે ભાવેણાવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આખા ભાવનગરમાં સુશોભન અને શણગાર કરવામાં આવ્યો છે.
સુભાષનગર ભગવાનનાં મંદિર સામેથી રથની પૂજા, અર્ચન કરી રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ દરમ્યાન મોટી સંખ્યામાં ભાવિકો એકત્રિત થયાં હતાં અને ભગવાન જગન્નાથજીનાં દર્શનનો લાભ લીધો હતો.
રથયાત્રાને માજી સૈનિકોએ સલામી આપીને પ્રારંભ કરાવ્યો હતો ત્યારબાદ અવનવા પ્લોટસ રથયાત્રામાં જોડાયા હતા.
રથયાત્રાનાં સમગ્ર આયોજન દરમ્યાન ભાવનગર પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. અલગ- અલગ જિલ્લામાંથી પોલીસ જવાનોનો લોખંડી બંદોબસ્ત પૂરો પાડવામાં આવ્યો હતો.
રથયાત્રામાં ચોક્કસ થીમ આધારિત ફ્લોટસનાં ટ્રકને રથયાત્રામાં જોડવામાં આવ્યાં હતાં. રથયાત્રા સાથે આરોગ્ય તથા ફાયર બ્રિગેડનો સ્ટાફ, પી.જી.વી.સી.એલ., ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ, બ્લેક કમાન્ડો, ઘોડે સવાર પોલીસ તથા બી.એસ.એફ, સી.આર.પી.એફ. જવાનો જોડાયાં હતાં. આ રથયાત્રામાં હાઈટેક સાધનો-ઉપકરણોનો ઉપયોગ કરીને સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી.
આ રથયાત્રાને સફળ બનાવવા માટે શ્રી હરુભાઇ ગોંડલીયા એ અભિનંદન આપ્યાં હતાં. આ રથયાત્રા સમગ્ર ભાવનગરમાં તેના નિર્ધારિત રૂટ પર ફરી રાત્રિનાં નીજ મંદિર પરત ફરી હતી.
આ રથયાત્રાનાં શુભારંભ પ્રસંગે મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘાણી, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેનશ્રી રાજુભાઈ રાબડીયા, જિલ્લા કલેકટર આર. કે. મહેતા, મ્યુનિસિપલ કમિશનર એન. વી. ઉપાધ્યાય, જિલ્લા પોલીસ અધીક્ષકશ્રી ડો. હર્ષદ પટેલ, આગેવાન અભયભાઈ ચૌહાણ, પૂર્વ સાંસદશ્રી રાજેન્દ્રસિંહ રાણા, સંતો- મહંતો, કોર્પોરેટરશ્રીઓ, વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં અખાડાના દાવપેચનું અનેરુ આકર્ષણ હોય છે. સામાન્ય રીતે અખાડામાં પુરૂષો જ જોડાય છે પરંતુ અખાડાના દાવ દિકરાઓ કરી શકે તો દિકરીઓ કેમ નહી ? અને આ વિચારથી છેલ્લા બે વર્ષથી રથયાત્રાનાં અખાડાનાં દાવપેચમાં દુર્ગવાહિનીની દિકરીઓ પણ જોડાય છે.
છેલ્લા ૧૬ વર્ષથી રથયાત્રામાં અખાડાનાં દાવપેચો રજૂ કરવામાં આવે છે. આ વખતે ૧૭માં વર્ષે ૧૭૫ થી વધારે યુવાનો રથયાત્રામાં અખાડાનાં દાવપેચ રજૂ કરી રહ્યાં હતા. આ વર્ષે દુર્ગાવાહીનીની ૪૦ દિકરીઓ પણ અખાડાનાં દાવપેચમમાં જોડાઇ તલવારબાજી, નળિયાફોડ, ચક્ર જેવા દાવપેચો રજૂ કરી રહ્યાં છે. રથયાત્રામાં ૧૭૫ થી વધારે યુવાનો દ્વારા અખાડાનાં વિવિધ દાવપેચો જેવા કે, પટ્ટાબાજી, લાઠીદાવ, ચક્ર, બનેટી, તલવાર યુદ્ધ, ટાઈગર જમ્પ રજૂ કરવામાં આવનાર છે. આ વર્ષે દાવપેચોમાં પિરામિડ તલવારબાજી અને ચક્રનો નવો દાવ રજૂ કરવામાં આવ્યો હતો. રથયાત્રાનાં અખાડામાં ૫૫ વર્ષ સુધીના વયજુથનાં વ્યક્તિઓ દ્વારા અખાડાનાં દાવપેચ રજૂ કરવામાં આવે છે અને રથયાત્રામાં અખાડાના કરતબો દર્શાવવા માટે ગઢ પ્રમાણેની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે અને ૭ થી ૮ ગઢ બનાવવામાં આવ્યા હતાં.
મંત્રી પરસોતમભાઈ સોલંકી એ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનાં દર્શન કર્યા
ભાવનગરમાં આયોજીત થતી રાજ્યની બીજા નંબરની ભગવાન જગન્નાથજીની રથયાત્રાનાં મત્સ્યોદ્યોગ અને પશુપાલન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પરસોતમભાઇ સોલંકીએ દર્શન કર્યા હતા.
ભાવનગરમાં આજે નીકળેલી ૩૯મી રથયાત્રાનાં દર્શન મંત્રીશ્રી પરસોત્તમભાઇએ કર્યા હતા અન્ આ પાવન પર્વની સૌ નગરજનોને શુભેચ્છાઓ પાઠવી હતી.
રથયાત્રા માં પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.જેમાં પોલીસ તંત્ર અને જિલ્લા વહિવટી તંત્રના આશરે ચાર હજારથી પણ વધુ અધિકારીઓ - કર્મચારીઓએ ફરજ બજાવી હતી.જેમાં ૧૨ ડી.વાય.એસ.પી., ૪૧ પી.આઈ., ૧૧૨ પી.એસ.આઈ., ૧૮૫૦ પોલીસ જવાન, ૨૫ મહિલા પોલીસ, ૪૦ ટ્રાફિક પોલીસ જવાન, ૨૩ ગેસમેન, ૧૦ કમાન્ડો, ૩૨ ઘોડેસવાર પોલીસ, ૫ એસ.આર.પી. કંપની, ૧ આર.એ.એફ. કંપની, ૧૪૬૬ પુરુષ અને ૫૦ મહિલા હોમગાર્ડ, ૩ ડ્રોન, ૨૭૭ ટીયર ગેસ, ૮૮ વોકીટોકી, ૧૨ એક્ઝી.મેજિસ્ટ્રેટ, ૪ એમ્બ્યુલન્સ, ૪ ફાયર ફાઈટર. ૮૫ દુરબીન, ૧૮ બાઇક પેટ્રોલિંગ, ૧૨ વોચ ટાવર, ૧૦૭ ફીક્સ ડીપ પોઈન્ટ, ૬૬ ધાબા પોઇન્ટ, ૨૪ વિડીયોગ્રાફર પોતાની જવાબદારી નિભાવી હતી
રથયાત્રામાં ત્રણ ભાગમાં મુવિંગ બંદોબસ્ત, સાત સેક્ટરમાં સુરક્ષા વ્યવસ્થાને વહેચી દેવામાં આવી હતી. દેશના ત્રીજા અને રાજ્યના બીજા નંબરની ભગવાન જગન્નાથજીની રથયાળા માટે સ્ટેટ કંટ્રોલ મારફત ફાળવવામાં આવેલા પોલીસ જવાનો, હોમગાર્ડ, એસ.આર.પી., આર.એ.એફ.ની કંપની વગેરે સુરક્ષા જવાનોને સાત સેક્ટરમાં વહેચી દેવામાં આવ્યા હતા. જ્યારે ત્રણ ભાગમાં મુવિંગ બંદોબસ્ત પણ રાખવામાં હતા. જેમાં "એ" ભાગમાં અખાડા-ભજન મંડળીઓ માટે, "બી" ભાગમાં રથયાત્રામાં જોડાતા ટ્રકો અને "સી"
ભાગમાં ડિ.વાય.એસ.પી. કક્ષાનાં અધિકારી અને કર્મચારીઓને ભગવાનના રથની સુરક્ષા જવાબદારી સોંપાઈ હતી. ૧૦-૧૦ ટ્રકે એક મોબાઈલ વાન મળી કુલ ૧૦ જેટલી મોબાઈલ વાન સાથે રાખવામાં આવી હતી.
આ ઉપરાંત સેક્ટરના અંદરના ભાગે ૨૭ ગામા મોબાઈલ રાખવામાં આવેલ છે તેમજ ૮૫ જેટલા બાલનોકુલર કેમેરાથી સુપરવિઝન, ૨૭૭ વોકીટોકી, ૧૩૫ બોડીવોર્ન કેમેરા સાથે જવાનોને તૈનાત કરાયા હતા.
આમ, સમગ્ર રથયાત્રા આનંદ, ઉલ્લાસ તથા શાંતિમય વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે પોલીસ તંત્ર અને જિલ્લા વહિવટી તંત્ર ફરજયુક્ત બન્યું હતું
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
