News of Monday, 8th July 2024
મંદિર પર ધ્વજા ચડાવતી વખતે કરંટ લાગતાં વિરવાના ભરતભાઇ ખુંટનું મોતઃ ગોંડલમાં બે યુવાન દાઝી ગયા
અષાઢી બીજના દિવસે લોધીકાના વિરવા અને ગોંડલ આશાપુરા ફાટક પાસે દૂર્ઘટના : ગોપાલ દાવડા વિજતારમાં ખેંચાઇ ગયો, બચાવવા જતાં આશિષ બારોટ પણ દાઝ્યોઃ બંને રાજકોટ સારવારમાં: એકતાલીસ વર્ષના ભરતભાઇના મૃત્યુથી ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં શોકની કાલીમા

વિજકરંટથી દાઝેલા આશિષ અને ગોપાલ સારવાર હેઠળ
રાજકોટ તા. ૮: ગઇકાલે અષાઢી બીજની સર્વત્ર ઉજવણી થઇ હતી. ધર્મસ્થાનો પર ધ્વજા ચડાવવા સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. આ દરમિયાન બે સ્થળે ધ્વજા ચડાવતી વખતે વિજકરંટથી ઘટના બની હતી. જેમાં લોધીકાના વીરવા ગામે બાપા સિતારામના મંદિરે ધ્વજા ચડાવતી વખતે વિજતારમાંથી કરંટ લાગતાં ૪૧ વર્ષના યુવાનનું મૃત્યુ થતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બીજા બનાવમાં ગોંડલના આશાપુરા ફાટક પાસે મામા સાહેબના મંદિરે ધ્વજા ચડાવતી વખતે એક યુવાન વિજ તાર તરફ ખેંચાઇ જતાં ચોંટી ગયો હતો. તેને બચાવવા જતાં બીજા યુવાનને પણ કરંટ લાગતાં દાઝી જતાં બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.બનાવની જાણવા મળેલી માહિતી મુજબ લોધીકાના વિરવા ગામે ગઇકાલે બાપા સિતારામ મંદિરે અષાઢી બીજ નિમીતે ભવ્ય ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હોઇ મોટી સંખ્યામાં ભાવીકો, ગ્રામજનો ઉમટી પડયા હતાં. મંદિર ખાતે ધ્વજા ચડાવવાની હોઇ વિરવા ગામના જ યુવાન ભરતભાઇ કડવાભાઇ ખુંટ (ઉ.વ.૪૧) સહિતના મંદિર પર ધ્વજા ચડાવતાં હતાં ત્યારે ભરતભાઇને જોરદાર વિજકરંટ લાગતાં તેમનું મૃત્યુ થતાં ગામમાં ગમગીની વ્યાપી ગઇ હતી. યુવાન અને આધારસ્તંભ દિકરાના મૃતયુથી ખુંટ પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. લોધીકા પોલીસે આ અંગે જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનાર ભરતભાઇ બે ભાઇ અને ત્રણ બહેનમાં નાના હતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં બે દિકરી અને બે દિકરા છે. ત્રણેયએ પિતાનું છત્ર ગુમાવતાં કલ્પાંત સર્જાયો હતો.
બીજા બનાવમાં ગોંડલના આશાપુરા ફાટક પાસે આવેલા મામાદેવના મંદિરે ગઇકાલે અષાઢી બીજના ધાર્મિક ઉત્સવનું આયોજન થયું હોઇ મોટી સંખ્યામાં ભાવિકો ધર્મપ્રેમીઓ ઉમટી પડયા હતાં. અહિ મંદિર ખાતે ગોંડલના ખોડિયારનગરમાં રહેતો ગોપાલ લલીતભાઇ દાવડા (ઉ.વ.૨૭) નામનો યુવાન ધ્વજા ચડાવવા છાપરા ઉપર ચડયો હતો. એ પછી નીચે ઉતરતો હતો ત્યારે નજીકમાંથી વિજલાઇન પસાર થતી હોઇ તે એકાએક ખેંચાઇ ગયો હતો. જોરદાર કરંટ લાગતાં દાઝી ગયો હતો.
તેને બચાવવા જતાં ગુંદાસરાનો આશિષ તનુભાઇ બારોટ (ઉ.વ.૨૦) નામનો યુવાન પણ ખેંચાઇ જતાં તેને પણ કરંટ લાગતાં દાઝી ગયો હતો. બંનેને ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ મકવાણા, કેતનભાઇ નિકોલા, ધર્મેન્દ્રભાઇ હુદડ, તોૈફિકભાઇ જુણાચે ગોંડલ બી-ડિવીઝનમાં જાણ કરી હતી. અષાઢી બીજના પર્વ પર બે સ્થળે દુર્ઘટના બનતાં અને તેમાં એક યુવાનનું મૃત્યુ થતાંધાર્મિક ઉત્સવ ગમગીનીમાં પરિણમ્યો હતો.
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
