News of Monday, 8th July 2024
કન્ટેનર ભાડામાં બેથી ત્રણ ગણો વધારો થતા મોરબીના સીરામિક એક્સપોર્ટને ફટકો
યુરોપ, અમેરિકા, લેટિન અમેરિકા અને આફ્રિકા માટે અઢીથી ત્રણ ગણી કિંમત ચુકવવા છતાં કન્ટેનર નથી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૮: મોરબી સીરામીક ઉદ્યોગ અને એક્સપોર્ટ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા એકથી દોઢ મહિનામાં આંતરરાષ્ટ્રીય વેપારમાં કન્ટેનર ભાડામાં વધારાનું ગ્રહણ નડતા સીરામીક તેમજ અન્ય નાની ઇન્ડસ્ટ્રીઝના ૨૫૦૦૦ ડોલર સુધીના કન્ટેનર કન્સાઇન્મેન્ટને માઠી અસર પડી છે, છેલ્લા દિવસોમાં યુરોપ, અમેરિકા, લેટિન અમેરિકા અને આફ્રિકાના કન્ટેનર ભાડામાં અઢીથી ત્રણ ગણો ભાડા વધારો થયો છે અને આટલું ભાડું ચૂકવવા છતાં પણ કન્ટેનર મળતા ન હોવાથી એક્સપોર્ટને ફટકો પડ્યો છે.
વિગતો મુજબ વિદેશ વ્યાપારમાં આફ્રિકા માટે ૧૫૦૦ ડોલર સુધીના રેગ્યુલર ભાડામાં બમણો વધારો થતા કન્ટેનર ભાડું હાલમાં ૩૫૦૦ની સપાટી વટાવી ગયું છે, એ જ રીતે યુરોપ, અમેરિકા અને લેટિન અમેરિકા માટે આગાઉ ૨૦૦૦થી ૨૫૦૦ ડોલરના ભાડામાં મળતા કન્ટેનરના હાલમાં ૬૦૦૦ સુધીના ભાડા બોલાઈ રહ્યા છે એવામાં મોરબીના સીરામીક ઉદ્યોગકારોને એક કન્ટેનરમાં અંદાજે ૭૦૦૦ ડોલરનો માલ જતો હોય માલ જેટલી જ કિંમત કન્ટેનર ભાડા પાછળ ખર્ચ કરવી પડે તેવી સ્થિતિ સર્જાતા વેરહાઉસમાં માલનો ભરાવો થયો હોવાનું સૂત્રોએ અંતમાં જણાવ્યું હતું.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
