News of Monday, 8th July 2024
મોરબીના સ્ટેશન રોડ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કરી કારમાં તોડફોડ કર્યાની ફરિયાદ.
પાંચ શખ્શો વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબીના સ્ટેશન રોડ પર કાર પર કાર ચડાવવાનો પ્રયાસ કરી ત્રણ વખત પાછળથી અને એક વખત ડ્રાઈવર સાઈડથી ઠોકર મારી બે યુવાનને ઈજા કરી હથિયાર વડે કારમાં તોડફોડ કરી નુકશાન કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે પોલીસે પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોધી તપાસ ચલાવી છે.
મોરબીના લાતીપ્લોટ જોન્સનગર ૧૦ માં રહેતા મુસ્તાક કાસમ સંધવાણી (ઉ.વ.૨૭) વાળાએ આરોપીઓ આમદ કાસમ કટિયા, અકબર ઉર્ફે અકુકાસમ કટિયા, વસીમ યુનુશ સેડાત, જુસબ દિલાવર માણેક (રહે ચારેય વિસીપરા મોરબી )અને ફિરોજ સુલેમાન માલાણી( રહે વાવડી રોડ મોરબી) એમ પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તા. ૦૬ ના રોજ સાંજે ફરિયાદી મુસ્તાક તેનો માસીયાઈ ભાઈ જુસબ ગફુર જામ, હૈદર કરીમ ભટ્ટી અને સાળો સતાર ઉમર જેડા તેમજ મિત્ર સુલતાન સલેમાન સુમરા બધા સ્વીફ્ટ કાર જીજે ૩૬ એએફ ૮૧૫૦ લઈને વાવડી રોડ પરથી ઉંચી માંડલ ગામે દુકાને જવા નીકળ્યા હતા અને પોણા પાંચેક વાગ્યે રેલ્વે સ્ટેશન રોડ પર પહોંચતા ગાડી પાણી લેવા ઉભી રાખી હતી ત્યારે રેલ્વે સ્ટેશન તરફથી સ્કોર્પીઓ કાર સ્ટેશન રોડ તરફ જતી હોય જેમાં આમદ કાસમ કટિયા ચલાવતો હોય જે અમને જોઇને સ્કોર્પીઓ કાર યુ ટર્ન લઈને આવી સ્વીફ્ટ પાછળના ભાગે ભટકાડી હતી અને ફરી વખત કાર ડ્રાઈવિંગ સાઈડના દરવાજા સાથે અથડાવી હતી જેથી સ્વીફ્ટ કાર ઇલેક્ટ્રિક થાંભલા સાથે અથડાતા ફરિયાદીને માથાના કપાળના ભાગે ઈજા થઇ હતી તેમજ જુસબ ગફુર જામને લોહી નીકળવા લાગ્યું હતું તેમજ સુલતાન સુમરાને ઈજા પહોંચી હતી.
બધા સ્વીફ્ટ કારમાંથી નીચે ઉતરી ગયા હતા અને ફરી આમદે પોતાની સ્કોર્પીઓ કાર સ્વીફ્ટ સાથે અથડાવતા કાર બધા કારથી દુર જતા રહ્યા હતા ત્યારે સ્કોર્પીઓ કારમાંથી આમદ કટિયા, અકબર કટિયા, વસીમ સેડાત, જુસબ માણેક અને ફિરોજ માલાણી સહિતના ઉતર્યા હતા અને લોખંડ પાઈપ અને તલવાર જેવા હથિયાર લઈને નીકળ્યા હતા અને હથિયાર મારી કારમાં નુકશાન કરવા લાગ્યા હતા.
જે બનાવનું કારણ એ કે ઉંચી માંડલ ગામ નજીક ઈંડાની લારી રાખેલ હોય જે હટાવી લેવા આમદ કટિયા કહ્યું હોય પરંતુ લારી હટાવી ના હોય જેથી એ બાબતનો ખાર રાખી આરોપીઓએ સ્કોર્પીઓ કાર જીજે ૩૬ એફ ૪૧૪૩ લઈને આવી ફરિયાદીની સ્વીફ્ટ કાર જીજે ૩૬ એએફ ૮૧૫૦ ને પાછળથી તેમજ ડ્રાઈવર સાઈડથી ઠોકર મારી તેમજ હથિયાર વડે કારમાં તોડફોડ કરી નુકશાન કર્યું હતું મોરબી એ ડીવીઝન પોલીસે પાંચેય ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
