News of Monday, 8th July 2024
બામણબોરની ગ્રીનપ્લાઇ કંપનીમાંથી બે ચેક ચોરી ૧.૯૮ કરોડની રકમો ભરી ખોટી સહીથી વટાવવાનો પ્રયાસ
દિલ્હી સ્થિત કંપનીના અધિકારીની એરપોર્ટ પોલીસમાં ફરિયાદઃ મેનેજર અને પ્લાન્ટ હેડની સહીઓ કરી લીધી હતીઃ ફોન નંબરને આધારે પીઆઇ જે. એસ. ગામીત અને ટીમે તપાસ આરંભી

રાજકોટ તા. ૮: બામણબોરમાં આવેલી ગ્રીનપ્લાઇ કંપનીના એકાઉન્ટ વિભાગની ચેકબૂકમાંથી ત્રણ ચેક ચોરી તે પૈકી બે ચેકમાં ૯૮,૮૭,૦૪૭ અને ૯૯,૭૬,૦૫૨ મળી કુલ રૂા. ૧,૯૮,૬૩,૦૯૯ની રકમ બારોબાર ઉપાડી લેવાનો પ્રયાસ થતાં કંપનીના દિલ્હી સ્થિત લીગલ ઓફિસર દ્વારા એરપોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં તપાસ શરૂ થઇ છે.
આ બનાવમાં એરપોર્ટ પોલીસે દિલ્હી ખાતે ઉત્તર પુર્વી વિજય બસ્તી જગજીતનગર ગઢી મેડુ સીલમપુર ગલી નં. ૭ ડી-૨૧/૨૭ ખાતે રહેતાં અને ગ્રીનપ્લાઇ કપનીની ઓફિસ કે જે નવી દિલ્હીમાં દ્વારીકા સેક્ટર-૧૯માં અક્ષરધામ એપાર્ટમેન્ટ ખાતે આવેલી છે તેમાં લીગલ ઓથોરાઇઝ પ્રતિનિધી તરીકે આઠ વર્ષથી નોકરી કરતાં કૃષ્ણકુમારસિંગ રામઉદિતસિંગ રાજપૂત (ઉ.વ.૩૬)ની ફરિયાદ પરથી અજાણ્યા સામે બીએનએસ ૨૦૨૩ની કલમ ૩૩૬, ૩૧૪, ૩૦૩, ૬૨ મુજબ ગ્રીનપ્લાઇની રાજકોટના બામણબોર ખાતે આવેલી ઓફિસમાંથી બે ચેકની ચોરી કરી કર્મચારીઓની ખોટી સહીઓ કરી રૂા. ૧,૯૮,૬૩,૦૯૯ની ઠગાઇનો પ્રયાસ કરવાનો ગુનો નોંધ્યો છે.
કૃષ્ણકુમારસિંગે ફરિયાદમાં જણાવ્યું છે કે અમારી કંપનીની હેડ ઓફિસ પヘમિ બંગાળમાં છે. હું આઠ વર્ષથી કંપનીમાં લીગલ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવુ છું. કંપનીમાં કાયદાકીય પ્રશ્નો ઉભા થાય તો અલગ અલગ જગ્યાએ જઇ તેને હલ કરવાની મારી જવાબદારી છે. તા. ૫/૭ના રોજ દિલ્હી ઓફિસે હતો ત્યારે મને જાણ થઇ હતી કે ગુજરાતના રાજકોટમાં ગ્રીનપ્લાઇ કંપનીના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડવાનો કોઇ પ્રશ્ન બન્યો છે. આથી મેં વિશેષ વિગતો મેળવતાં રાજકોટના બામણબરોમાં આવેલી ગ્રીનપ્લાઇ કંપનીમાં આ ઘટના બન્યાની માહિતી મળી હતી. જેથી બામણબોર કંપનીના મેનેજર શાલુ મનિષ ભોલાનો સંપર્ક કરતાં તેણે જણાવેલુ કે કંપનીના બેંક એકાઉન્ટની ચેક બૂકમાંથી ત્રણ ચેક ગાયબ થયા છે. જેમાંથી બે ચેક કોઇએ મારી તથા પ્લાન્ટ હેડ શિવકુમારની ખોટી સહીઓ કરી મુંબઇ ખાતેની બે અલગ અલગ બેંકમાં વટાવવા માટે જમા કરાવી દીધા હતાં.
બેંક એકાઉન્ટમાંથી રૂપિયા કપાયાનો મેસેજ કંપનીના એકાઉન્ટન્ટ વિનોદ પારેખ પાસે રહેતાં ફોનમાં આવ્યો હતો. તેણી તેણે તુરત જાણ કરી હતી. તે સાથે જ અમે રાજકોટ કાલાવડ રોડ ખાતેની એક્સીસ બેંકની બ્રાંચને જાણ કરી આ રકમ અમારા ખાતામાંથી નહિ કાપવા કાયદેસરની જાણ કરતાં આ રકમ પરત અમારા કંપનીના ખાતામાં આવી ગઇ હતી. શાલુ ભોલાએ આ વાત મને જણાવતાં હું રાજકોટ આવ્યો હતો અને બામણબોર કંપનીમાંથી માહિતી મેળવી વકિલોને સાથે રાખી એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
જે બે ચેક ચોરી લેવાયા હતાં તેમાં પ્લાન્ટ હેડ શીવકુમાર તથા જનરલ મેનેજર શાલુ ભોલાની સહીઓ હતી. એક ચેક કે જે ફ્રીસ્કોન ઇન્ટરનેશનલ પ્રા.લિ.ના નામનો હતો તેમાં ૯૮,૮૭,૦૪૭ની રકમ ભરવામાં આવી હતી અને બીજો ચેક પણ આ કંપનીના નામનો જ હતો જેમાં રૂા. ૯૯,૭૬,૦૫૨ની રકમ ભરવામાં આવી હતી. જો કે આ બંને ચેક વટાવવા અલગ અલગ બૈંકોમાં ભરાયા તેની જાણ કંપનીને થતાં પેમેન્ટઅટકાવી દેવાયુ હતું.
આ બે ચેકમાંથી એક ચેક સુરત અડાજણની કંપનીનના આઇસીઆઇસીઆઇ બેંકના ખાતામાં અને બીજો એ.યુ. સ્મોલ ફાયનાન્સ બેંકના ખાતામાં નાખવામાં આવ્યો હતો. ચેક જમા કરાવનારાના મોબાઇલ નંબર તેમાં લખેલા હોઇ તેના આધારે પીઆઇ જે. એસ. ગામીત સહિતના સ્ટાફે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
