<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

પાટડી પાસે પીછો કરી દારૂ ભરેલી કારને ઝડપી લેવાઇ

દારૂ મોરબીના શખ્‍સે મંગાવ્‍યો હતો

વઢવાણ તા. ૮: પાટડીથી માલવણ તરફ વિદેશી દારૂના જથ્‍થા સાથે નંબર પ્‍લેટ વગરની સફેદ કલરની મારુતી સ્‍વીફ્‌ટ કાર આવતી હોવાની  બાતમીના આધારે માલવણ ચોકડીએ ખાનગી ડ્રેસમાં છટકું ગોઠવી શંકાસ્‍પદ હાલતના નીકળેલી સફેદ કલરની ક્રેટા કારને આંતરવા જતા કાર ચાલક માલવણથી ધ્રાંગધ્રા તરફ ગાડી લઈ જતા બજાણા પોલીસે આ ગાડીનો ફિલ્‍મી ઢબે પીછો કરી ધ્રાંગધ્રા ચુલી ટોલટેક્ષ પાસે આંતરીને કરણસિંહ કીર્તિસિંહ વાઘેલા (ઉંબરીગામ, બનાસકાંઠા), અર્જુનસિંહ કીર્તિસિંહ વાઘેલા (ઉંબરીગામ, બનાસકાંઠા), અર્જુનસિંહ જેણુભા ઝાલા (પનાર, બનાસકાંઠા) અને સંદેશસિંહ ધીરુભા ઝાલા ( રામપુરા, અમદાવાદ)ને ઝબ્‍બે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

જુદી જુદી બ્રાન્‍ડની વિદેશી દારૂની બોટલો અને બિયર ટીન મળી કુલ બોટલો નંગ- ૩૨૧ કિંમત રૂ. ૭૦,૨૬૦, મોબાઈલ નંગ-૨ કિંમત રૂ. ૧૦,૦૦૦ અને નંબર પ્‍લેટ વગરની સફેદ કલરની સ્‍વીફ્‌ટ કાર કિંમત રૂ. ૫,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૫,૮૦,૨૬૦નો મુદામાલ ઝબ્‍બે કરી પકડાયેલા આ ચારેય આરોપીઓ સહિત દારૂનો જથ્‍થો મોકલનાર લાલજીભાઈ અને દારૂનો જથ્‍થો મંગાવનાર મોરબીના ઈસમ મળી તપાસમાં જેના નામ ખુલે એની વિરુદ્ધ બજાણા પોલીસ મથકે દારૂ અંગેનો ગુન્‍હો દાખલ  કર્યા છે. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના પીએસઆઇ એ.કે.વાઘેલા ચલાવી રહ્યાં છે. બજાણા પોલીસના આ દરોડામાં પીએસઆઇ એ.કે.વાઘેલા, ભુપતભાઈ દેથળીયા, કિશોરભાઈ પારઘી અને રોહિતભાઈ સહિતનો બજાણા પોલીસ સ્‍ટાફ સાથે હાજર હતો.

(12:18 PM IST)