તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 8th July 2024
ભાવનગરમાં શ્રી જગન્નાથજી ભગવાનની રથયાત્રાના ૫ લાખ લોકોએ દર્શન કર્યા
નીમુબેન બાંભણીયા તથા સંતો - મહંતોની ઉપસ્થિતિ : ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરાયુ : ફલોટસ બન્યા આકર્ષણનું કેન્દ્ર

(વિપુલ હિરાણી) ભાવનગર તા.૮ : ભાવનગર શહેરમાં દર વર્ષનીજેમ અષાઢી બીજના પર્વે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નો સવારે ભારે ઉમંગ ઉત્સાહ સાથે પ્રારંભ થયો હતો રાજ્યમાં બીજા ક્રમની અને દેશમાં ત્રીજા ક્રમની આ ભાવનગરની ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. પરંપરા મુજબ ભગવાન જગન્નાથજીની ૩૯મી રથયાત્રા આજે ગઇકાલે ૮ કલાકે જય..જય...જગન્નાથ, ‘નંદ ઘેર આનંદભયો, જય કનૈયા લાલકી', ‘હાથી, ઘોડા, પાલખી, જય કનૈયાલાલ કી' સહિતના ગગનભેદી નારા સાથે નીકળી હતી. વહેલી સવારે ભગવાનના નેત્રોત્સવ વિધિ કરી પાટા ખોલવામાં આવ્યા હતા. માજી સૈનિક સંગઠન દ્વારા રથને સલામી આપી રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું. ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર કેસરીયો માહોલ છવાય ગયો હતો. અને ભગવાનને આવકારવા રૂટ પર ઠેર ઠેર આયોજન કરાયા હતા. જેમા વિવિધ વેપારી મંડળ અને સંસ્થા દ્વારા માર્ગમાં વિશાળ આકર્ષક કમાનો, કલાત્મક હોડીંગ્ઝ લગાવાયા હતા.
રથયાત્રામાં સત્સંગ મંડળો, ઢોલ નગારા તેમજ ડીજે સિસ્ટમ સહિતના આકર્ષણો જોડાયા છે. રથયાત્રામાં ધાર્મિક, સામાજિક સંસ્થાઓ, ઉપરાંત વિવિધ મંડળો અને ટ્રસ્ટો દ્વારા પણ સામાજિક જાગળતિ તથા જનજાગળતિના ફલોટ રાખવામાં આવ્યા છે. રાજકોટનો ટીપીઆર ઝોનનો અગ્નિકાંડ નો ફલોટ તથા સોશિયલ મીડિયા નો ફલોટ તેમજ દુર્ગા વાહિનીના અખાડાઓ રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા.૧૭.૫ કિલોમીટરના રૂટ પર ઠેર ઠેર ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું સ્વાગત વિવિધ સંસ્થાઓ મંડળો તથા રાજકીય આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતુ, રાત્રીના રથયાત્રા ભગવાનેશ્વર મંદિર ખાતે પરત ફરી હતી.રથયાત્રાને કારણે ભાવનગર ભગવા રંગમાં રંગાઈ ગયું હતું.આ રથયાત્રાનાં શુભારંભ પ્રસંગે મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘાણી, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેનશ્રી રાજુભાઈ રાબડીયા, જિલ્લા કલેકટર આર. કે. મહેતા, મ્યુનિસિપલ કમિશનર એન. વી. ઉપાધ્યાય, જિલ્લા પોલીસ અધીક્ષકશ્રી ડો. હર્ષદ પટેલ, આગેવાન અભયભાઈ ચૌહાણ, પૂર્વ સાંસદશ્રી રાજેન્દ્રસિંહ રાણા, સંતો- મહંતો, કોર્પોરેટરશ્રીઓ, વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
રથયાત્રામાં પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.જેમાં પોલીસ તંત્ર અને જિલ્લા વહિવટી તંત્રના આશરે ચાર હજારથી પણ વધુ અધિકારીઓ - કર્મચારીઓએ ફરજ બજાવી હતી.જેમાં ૧૨ ડી.વાય.એસ.પી., ૪૧ પી.આઈ., ૧૧૨ પી.એસ.આઈ., ૧૮૫૦ પોલીસ જવાન, ૨૫ મહિલા પોલીસ, ૪૦ ટ્રાફિક પોલીસ જવાન, ૨૩ ગેસમેન, ૧૦ કમાન્ડો, ૩૨ ઘોડેસવાર પોલીસ, ૫ એસ.આર.પી. કંપની, ૧ આર.એ.એફ. કંપની, ૧૪૬૬ પુરુષ અને ૫૦ મહિલા હોમગાર્ડ, ૩ ડ્રોન, ૨૭૭ ટીયર ગેસ, ૮૮ વોકીટોકી, ૧૨ એક્ઝી.મેજિસ્ટ્રેટ, ૪ એમ્બ્યુલન્સ, ૪ ફાયર ફાઈટર. ૮૫ દુરબીન, ૧૮ બાઇક પેટ્રોલિંગ, ૧૨ વોચ ટાવર, ૧૦૭ ફીક્સ ડીપ પોઈન્ટ, ૬૬ ધાબા પોઇન્ટ, ૨૪ વિડીયોગ્રાફર પોતાની જવાબદારી નિભાવી હતી.
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
