<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

આ વર્ષે પાછતરો વરસાદ પડવાની જામનગર જીલ્લાના આમરા ગામનો વર્તારો : સદીઓ જૂની પરંપરા મુજબ અનુમાન

સતવારા સમાજના ઘરે રોટલા બને, વાણંદ સમાજની વ્યકિત રોટલા લઈને કૂવા પર પહોંચે : નાત - જાતના લોકો ઢોલ સાથે ગામમાં ફરીને દેવસ્થાનોમાં દર્શન પૂજન અર્ચન કરી આસ્થા સાથે સ્થાનિક ગ્રામજનો ભમરિયે કુવે પહોંચે છે : ક્ષત્રિય સમાજના યુવાન કૂવાના પાણીથી ન્હાય ને રોટલો લઈ કૂવામાં પધરાવે છે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૮ : જામનગરના આમરા ગામમાં વર્ષોની પરંપરા અનુસાર ભમરીયા કુવામાં રોટલા નાખી વરસાદનો વર્તારો નક્કી કરાય છે. પ્રથમ અષાઢી સોમવારે આ વર્તારામાં નાત - જાતના લોકોની એકતાના દર્શન પણ થાય છે.

જામનગર નજીક ખંભાળિયા હાઇવે પર આવેલા આમરા ગામમાં રોટલાને કૂવામાં નાખીને વર્ષનો વરસાદ કેવો પડશે તેનો વરતારો નક્કી કરવાની આ પરંપરા વર્ષો જૂની હોવાનું ગામલોકો જણાવી રહ્યા છે. અષાઢ મહિનાના પ્રથમ સોમવારે તમામ ગામલોકો એકઠા થાય છે. પરંપરા મુજબ ગામમાં સતવારા સમાજના ઘર પર રોટલા બનાવવામા આવે છે. ત્યાર બાદ વાણંદ સમાજની વ્યકિત આ રોટલા લઈ ગામના ભમ્મરિયા કૂવા પર પહોંચે છે. આ સમયે ગામના તમામ નાત - જાતના લોકો ઢોલ સાથે ગામમાં ફરીને દેવસ્થાનોમાં દર્શન પૂજન અર્ચન કરી આસ્થા સાથે સ્થાનિક ગ્રામજનો ભમરિયે કુવે પહોંચે છે. કૂવા પર પહોંચ્યા બાદ ગામના ક્ષત્રિય સમાજના યુવાન કૂવાના પાણીથી ન્હાય ને રોટલો લઈ કૂવામાં પધરાવે છે.

જામનગરના આમરા ગામે પહેલા અષાઢી સોમવારે જ રોટલા થી વરસાદનો વરતારો નક્કી કરવામાં આવ્યો છે જેમાં આ વર્ષ પાછતારું સારું જશે તેવો અંદાજ લગાવવામાં આવ્યો છે. વર્ષો જૂની પરંપરા મુજબ ભમરીયા કુવામાં રોટલો નાખ્યો હતો તે રોટલો ઉગમણી અને આત્રદી દિશામાં જ ગયા હતા જેને લઇને ગામના વડીલો અને સ્થાનિકોએ આ વર્ષમાં પાછતરો વરસાદ પડશે અને વર્ષ સારું થશે તેવો પરંપરા ને આધારે વર્તારો આપ્યો હતો. (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(2:26 PM IST)